કેજરીવાલનો શિક્ષણ લોન યોજનાની જાહેરાતો પાછળ ખર્ચ રૂ. 19 કરોડ, લોન મળી માત્ર બે વિદ્યાર્થીને !

કેજરીવાલનો શિક્ષણ લોન યોજનાની જાહેરાતો પાછળ ખર્ચ રૂ. 19 કરોડ, લોન મળી માત્ર બે વિદ્યાર્થીને !

નવી દિલ્હીઃ મફતની અને ખોટી જાહેરાતો દ્વારા પંજાબની પ્રજાને ગેરમાર્ગે દોર્યા બાદ ગુજરાત ઉપર નજર રાખી રહેલા અરવિંદ કેજરીવાલની વધુ એક અસાધારણ પોલ ખૂલી ગઈ છે. કેજરીવાલે દિલ્હીમાં છેક 2015માં દિલ્હી ઉચ્ચ શિક્ષણ અને કૌશલ વિકાસ ગેરંટી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ 10મું અને 12મું ધોરણ પાસ કરનાર વિદ્યાર્થીઓને કૉલેજ શિક્ષણ માટે રૂ. 10 લાખ સુધીની લોન આપવાની વાત હતી.

આ યોજના મૂળભૂત રીતે કેટલી બોદી અને ખોટી હશે તેનું પ્રમાણ આજે સામે આવ્યું છે. ન્યૂઝલોન્ડ્રી નામની સમાચાર વેબસાઈટ દ્વારા કેજરીવાલની શિક્ષણ લોન યોજના અંગે એક RTI કરવામાં આવી હતી, અને એ આરટીઆઈના જવાબમાં જે માહિતી મળી તે કોઇપણ સંવેદનશીલ માણસના હૃદયના ધબકારા ચૂકાવી દે એવી છે.

અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2021-22માં આ યોજનાનો લાભ લેવા માટે 89 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, જેમાંથી માત્ર બે વિદ્યાર્થીઓની રૂ. 10-10 લાખની લોન પાસ થઈ છે. આમ કુલ રૂ. 20 લાખ લોન પેટે આપવામાં આવ્યા છે, પરંતુ તેની સામે માત્ર આ યોજનાની જાહેરાતો પાછળ કેજરીવાલે રૂપિયા 19 કરોડ 27 લાખ કરતાં વધુ ખર્ચી નાખ્યા છે, તેમ RTI ના જવાબ દ્વારા સ્પષ્ટ થયું છે. કેજરીવાલે 2021-22માં વિદ્યાર્થીઓ માટેની લોન યોજના સંદર્ભે અખબારોમાં 46,22,685 (છેંતાળીસ લાખ બાવીસ હજાર છસો પંચ્યાસી) રૂપિયાની જાહેરખબરો આપી હતી જ્યારે ટીવી માધ્યમો ઉપર આ યોજનાની જાહેરખબરો પાછળ 18,81,00,618 (અઢાર કરોડ એક્યાસી લાખ છસો અઢાર) રૂપિયાનો ખર્ચ કર્યો છે.

જાહેરાતવીર કેજરવાલની સરકારના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ વાસ્તવમાં જૂન 2015માં પત્રકાર પરિષદ બોલાવીને આ યોજનાની જાહેરાત કરી હતી. પણ ત્યારપછી છેક એક વર્ષે કેજરીવાલે યોજના માટેની વેબસાઈટ લૉન્ચ કરી હતી.

સમાચાર વેબસાઇટને લાભાન્વિતો અંગે RTI દ્વારા જે જવાબો મળ્યા છે તે પણ ચોંકાવનારા જ છે. તદઅનુસાર યોજના શરૂ કરવામાં આવી તે વર્ષે માત્ર 58 વિદ્યાર્થીઓએ અરજી કરવામાં રસ દાખવ્યો હતો. બીજા વર્ષે 2016-17માં 424 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, પરંતુ માત્ર 176ને લોન આપવામાં આવી હતી. એ જ રીતે 2017-18માં 177 વિદ્યાર્થીઓએ અરજી કરી તેની સામે માત્ર 14 વિદ્યાર્થીની લોન મંજૂર થઈ હતી. અને વર્તમાનમાં 2021-22માં 89 અરજીમાંથી માંડ બે વિદ્યાર્થીને લોન મળી હોવાનો ખુલાસો આરટીઆઈમાં થયો છે.

આના પરથી સ્પષ્ટ છે કે, યોજનામાં ક્યાંક એવા અવરોધો અને મુશ્કેલીઓ હશે કે પહેલા તબક્કે વિદ્યાર્થીઓ અરજી કરવાથી જ ગભરાય છે અને કદાચ કોઈ અરજી કરે તો મોટાભાગનાને લોન મળતી નથી.

પ્રદૂષણ નિયંત્રણ યોજનામાં પણ ખર્ચ 68 લાખ, જાહેરાતો પાછળ ખર્ચ 28 કરોડ

આ સમાચાર વેબસાઇટે તેના આ અહેવાલમાં જણાવ્યું કે, અમે અગાઉ પણ દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટેના સ્મૉગ ટાવર લવાગવાના તથા ડી-કંપોઝર છાંટવાના કેજરીવાલના દાવા વિશે એક આરટીઆઈ કરીને માહિતી મેળવી હતી. તેમાં પણ આવા જ ચોંકાવનારા ખુલાસા થયા હતા કે, બે વર્ષ દરમિયાન ડી-કંપોઝર છાંટવાનો ખર્ચ 68 લાખ રૂપિયા થયો હતો પરંતુ કેજરીવાલે એ બંનેની જાહેરાતો પાછળ અનુક્રમે રૂપિયા 23 કરોડ અને પાંચ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. કેજરીવાલે કૉનોટ પ્લેસ વિસ્તારમાં સ્મૉગ ટાવર લગાવવાનો ખર્ચ 19 કરોડ રૂપિયા થયો હોવાનું જાહેર કહ્યું હતું.

કૅગના અહેવાલ અનુસાર 39 યોજનાઓની જાહેરાત, અમલ શૂન્ય

આ વેબસાઈટે દિલ્હી ભાજપના નેતા હરીશ ખુરાનાને ટાંકીને જણાવ્યું છે કે, કૅગના અહેવાલમાં હમણાં જ ખુલાસો થયો છે કે, કેજરીવાલ સરકારે ઓછામાં ઓછી એવી 39 યોજનાઓની જાહેરાતો કરી દીધેલી છે જે કદી અમલમાં આવી જ નથી.

દેશ ગુજરાત