શું તફાવત છે કેજરીવાલની મફતની ઑફરો અને લોકકલ્યાણ યોજનાઓ વચ્ચે?
August 12, 2022
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇપણ રાજકીય પક્ષ કે પછી કોઇપણ રાજકારણીનું નામ લીધા વિના રેવડી-કલ્ચરથી સાવધાન રહેવાની વાત કરી ત્યારથી કેજરીવાલ ઊડતું તીર પકડવા કૂદાકૂદ કરે છે. અને આ પ્રયાસમાં તેમણે ગુરુવારે તો પત્રકાર પરિષદ બોલાવીને કેન્દ્ર સરકાર સામે બેફામ આક્ષેપો કર્યા. એ આક્ષેપોને જોકે થોડા જ કલાકમાં સોશિયલ મીડિયાએ હકીકતો અને વાસ્તવિક આંકડા સાથે તોડી પાડ્યા.
મૂળભૂત રીતે કેજરીવાલ પોતાના દ્વારા કરવામાં આવતી તદ્દન અવ્યવહારુ મફતની જાહેરાતો અને કેન્દ્ર સરકાર દ્વારા જરૂરિયાતવાળા વંચિત લોકોને કરવામાં આવતી નિશ્ચિત સહાય વચ્ચે ઈરાદાપૂર્વક ભેળસેળ કરીને સામાન્ય માણસો તેમજ મીડિયાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ બાબતે બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશનના સીઈઓ અખિલેશ મિશ્રાએ શ્રેણીબદ્ધ ટ્વિટ દ્વારા કેજરીવાલના તમામ આક્ષેપને જડમૂળથી ઉખાડી ફેંક્યા છે.
કેજરીવાલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે, ભારત સરકાર શિક્ષણ, દવાઓ, અન્ન વગેરે મફત આપવાની જાહેરાતનો વિરોધ શા માટે કરે છે?
હકીકત એ છે કે, ભારત સરકારે આવો કોઈ વિરોધ કર્યો નથી, માત્ર લોકોને મફતની જાહેરાતો સામે સાવધાન રહેવા અપીલ કરી છે. બીજું, અમુક વસ્તુઓ મફત આપવાની જાહેરાતો કરવી અથવા મહિલાઓ-બેરોજગારોને રોકડ રકમ આપવાની જાહેરાતો કરવી એ અને કચડાયેલા વર્ગોને રાહત આપવી – એ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. મફતનો (ગેર)લાભ જેને જરૂર નથી એવા લોકો પણ લઈ જાય, જ્યારે રાહત આપવાથી ચોક્કસ જરૂરિયાત હોય એ લોકોને જ લાભ મળે.
નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી જે ખરેખર જરૂરિયાતવાળા લોકો છે તેમને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે છે. મોદી સરકાર મફતની લ્હાણી કરવાનાં વચનો સાથે સત્તામાં નથી આવી. કોરોના મહારોગચાળા દરમિયાન એવા 80 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવ્યું જે પહેલેથી જ સસ્તા રાશન ઉપર આધારિત હતા. આવા શ્રમિકો અને અન્ય ગરીબો માટે કોરોનાના લૉકડાઉનમાં કમાવા જવાનું શક્ય નહોતું અને તેથી તેમનું જીવન ટકાવી રાખવા નિઃશુલ્ક અનાજ આપવામાં આવ્યું. વળી એ અનાજનો મોટાભાગનો જથ્થો તો સરકારી ગોદામોમાં પહેલેથી ઉપલબ્ધ હતો જ, બાકીનું અનાજ ખેડૂતો પાસેથી નિયમિત કરવામાં આવતી સરકારી ખરીદીમાંથી પૂરું પાડવામાં આવ્યું.
તેની સરખામણી ચૂંટણી જીતવા માટે કરવામાં આવતી મફત પાણી, મફત વીજળી, મફત સ્માર્ટફોન કે મફત લેપટૉપ કે સાડી કે પછી 18 વર્ષથી ઉપરની મહિલાઓને માસિક ભથ્થાં જેવી જાહેરાતો સાથે કરી શકાય નહીં.
કલ્યાણ રાજ્યનો હેતુ ગરીબ તથા અસમર્થ લોકોને જરૂરી સહાય પૂરી પાડીને તેમને જીવનમાં આગળ વધવા માટેનો આધાર આપવાનો હોય છે.
ચૂંટણીને અનુલક્ષીને કશું પણ મફતમાં આપવાની જાહેરાત કરવાનો અર્થ એ હોય છે કે આવી જાહેરાતો કરનાર જે તે પક્ષ સત્તા પર હોય ત્યાં સુધી કાંતો અન્ય કરદાતાઓના નાણામાંથી જરૂરિયાતવાળા કે જરૂરિયાત ન હોય તેવા લોકોને પણ મફત વસ્તુઓ – સેવાઓ પૂરી પાડે. આવી વ્યવસ્થાનું સૌથી મોટું જોખમ એ હોય છે કે, મફત વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડવાના બદલામાં જે તે સરકારી કંપનીઓને કરવાની થતી ચૂકવણી થતી નથી અને આવી કંપનીઓ ખોટમાં જાય છે. છેવટે આવી કંપનીઓ દેવાંમાં ડૂબી જતાં બંધ પડવાનું કે કર્મચારીઓની છટણીનું જોખમ ઊભું થાય છે.
કેજરીવાલે ગુરુવારે એવો આક્ષેપ પણ કર્યો કે, મનરેગાની ફાળવણીમાં 25 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે.
હવે આ બાબતે વાસ્તવિકતા એ છે કે મનરેગા એ જરૂરિયાત આધારિત યોજના છે. અર્થાત આ યોજના માટે જ્યારે પણ – જેટલા નાણાની જરૂર હોય એ ઉપલબ્ધ હોય છે. 2020-21ના નાણાકીય વર્ષમાં મનરેગા માટે રૂપિયા 61,500 કરોડની ફાળવણી થઈ હતી, પરંતુ કોરોના મહારોગચાળામાં જરૂરિયાત ઊભી થતાં તેની પાછળ રૂપિયા 1.15 લાખ કરોડનો ખર્ચ થયો હતો. એ જ રીતે 2021-22માં જરૂરિયાત ઘટતાં 98,000 કરોડનો ખર્ચ થયો. શક્ય છે 2022-23માં આ ખર્ચનો આંકડો ઉપર અથવા નીચે જાય. અર્થાત અર્થતંત્ર સુધરે તો મનરેગા માટેનો ખર્ચ ઘટી પણ શકે.
આમ આદમી પાર્ટીના કન્વીનરે એવો પણ આક્ષેપ કરી દીધો કે ઘઉં અને ચોખા ઉપર પ્રથમ વખત કર લાદવામાં આવ્યો છે.
આ તદ્દન જૂઠાણું છે. તેમને કોઈએ પ્રશ્ન પૂછવો જોઇએ કે પંજાબ સરકારે અનાજ ઉપર વેટ લાદેલો છે એ શું છે? વળી તમામ રાજ્યોની બનેલી જીએસટી કાઉન્સિલમાં આ મુદ્દે ચર્ચા થઈ અને તેમાં દિલ્હી સહિત બધાની સંમતિ હતી ત્યારે દિલ્હીના નાણાપ્રધાન ક્યાં હતા?
એટલું જ નહીં પરંતુ છૂટકમાં વેચાતા અથવા લેબલ વિનાના અનાજના વેચાણ ઉપર કોઈ જીએસટી લાગતો જ નથી, અને ગરીબો તો છૂટક અને લેબલ વિનાનું અનાજ જ ખરીદે છે.
કોઈ ના-સમજ વ્યક્તિની જેમ કેજરીવાલે પ્રશ્ન કર્યો કે પેટ્રોલ-ડીઝલના વેચાણ ઉપર એકત્ર કરેલા ટેક્સના નાણા ક્યાં ગયા?
તેનો જવાબ એ છે કે, આઠ વર્ષના ગાળામાં નરેન્દ્ર મોદી સરકારે વિકાસનાં કામો પાછળ રૂપિયા 90.9 લાખ કરોડનો ખર્ચ કર્યો છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએના 2004થી 2014ના પૂરા દસ વર્ષના ગાળામાં આ ખર્ચ માત્ર 49.2 લાખ કરોડ હતો. વિકાસ કામો પાછળ ખર્ચ ઉપરાંત મોદી સરકારે ગરીબ કલ્યાણ યોજના જેવી યોજનાઓ પણ કોરોનાના બે વર્ષ સુધી ચલાવી છે, અને તે પણ કોઇપણ જાતના કૌભાંડ કે ભ્રષ્ટાચાર વિના.
કેન્દ્ર સરકારે ઉદ્યોગપતિઓના રૂ. 10 લાખ કરોડ માફ કરી દેવામાં આવ્યા હોવાનું નિવેદન છેલ્લા થોડા દિવસમાં વારંવાર નિવેદન કર્યું. તેમના આ નિવેદન પર રાહુલ ગાંધીની પણ અસર દેખાય છે.
હકીકતે કોઇપણ ખાતા કે વિભાગની જવાબદારી વિના મુખ્યપ્રધાનપદ ભોગવી રહેલા કેજરીવાલને લોન માફી અને રાઇટઑફ વચ્ચેના તફાવતની કાંતો ખબર નથી અથવા ઇરાદાપૂર્વક બધાને ગેરમાર્ગે દોરવા માગે છે. રાઇટઑફ એ લોન માફી નથી પરંતુ રિઝર્વ બેંકના નિયમ અનુસાર બેંકોએ તેમની બેલેન્સ શીટમાં આ લખવું પડે અને તે સાથે સાથે લોન પરત મેળવવાની પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે. આ પ્રક્રિયામાં મિલકતોની જપ્તી સહિતનો સમાવેશ થતો હોય છે. આ સંદર્ભમાં બેંકોએ 2014થી 2022ના ગાળામાં દેવાદારો પાસેથી 8.6 લાખ કરોડ વસુલ્યા છે, જેમાં મોટાભાગની લોન 2014 પહેલાં યુપીએના સમયમાં આપવામાં આવેલી હતી.
કેજરીવાલ એવું પણ જૂઠાણું ફેલાવે છે કે, કૉર્પોરેટ ગૃહોને ટેક્સમાં રાહતો દ્વારા લાભ આપવામાં આવે છે. પણ આ જૂઠાણા સામે હકીકત એ છે કે, 2018-19માં કૉર્પોરેટ ટેક્સનું કલેક્શન રૂપિયા 6.63 લાખ કરોડ હતું. એ જ રીતે 2021-22માં રૂપિયા 7.12 લાખ કરોડનો કૉર્પોરેટ ટેક્સ સરકારને મળ્યો છે.
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રાજ્યોને આપવામાં આવતો આવકનો હિસ્સો અગાઉ 32 ટકા હતો તે વધારીને 42 ટકા કર્યો હોવા છતાં દિલ્હીના મુખ્યપ્રધાન સાવ સહજતાથી એવું જૂઠાણું ફેલાવી દે છે કે રાજ્યોને મળતા હિસ્સામાં કાપ મૂકવામાં આવ્યો છે! પણ આંકડા દર્શાવે છે કે 2013-14માં તત્કાલીન ભારત સરકાર દ્વારા રાજ્યોને 39 ટકા લેખે છ લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, તેની સામે 2022-23ના બજેટમાં 60 ટકા લેખે રૂપિયા 17 લાખ કરોડ રાજ્યોને આપવામાં આવશે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
