કોંગ્રેસે રશ્દી અને તેમના પુસ્તકને પ્રતિબંધિત કર્યું હતું છતાં રશ્દીએ ભાજપ અને મોદીને ખરાબ ચિતર્યા હતા

કોંગ્રેસે રશ્દી અને તેમના પુસ્તકને પ્રતિબંધિત કર્યું હતું છતાં રશ્દીએ ભાજપ અને મોદીને ખરાબ ચિતર્યા હતા

નવી દિલ્હીઃ અમેરિકામાં એક લેક્ચર દરમિયાન ઘાતક હુમલાનો ભોગ બનેલા લેખક સલમાન રશ્દી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે અને દુનિયાને જેહાદી કટ્ટરવાદનો ચહેરો વધુ એક વખત જોવા મળ્યો છે તેવા સમયે ભારતની અગાઉની સરકારોએ રશ્દી સાથે કેવું વર્તન કર્યું હતું અને છતાં રશ્દીએ એ જ કોંગ્રેસના મોંફાટ વખાણ કરીને ભાજપ તેમજ તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કેવાં બેફામ ઉચ્ચારણ કર્યાં એ વાત પણ જાણવા જેવી છે.

બીફિટિંગ ફૅક્ટ્સ નામના ટ્વિટર હેન્ડલ ઉપર આ સંદર્ભમાં કેટલાંક તથ્ય ઉજાગર કરવામાં આવ્યા છે, તે અનુસાર રશ્દીનું પુસ્તક સેતાનિક વર્સિસ પ્રકાશિત થયું અને દુનિયાના જેહાદી કટ્ટરવાદીઓએ તેનો વિરોધ કર્યો ત્યારે એ પુસ્તક ઉપર પ્રતિબંધ મૂકનાર ભારત પ્રથમ દેશ હતો. તે સમયે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને તેમણે ભારતમાં સેતાનિક વર્સિસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારત સરકાર છેક 1999 સુધી એટલે કે આ પુસ્તકનો વિવાદ થયાના 12 વર્ષ સુધી ભારતના વિઝા આપ્યા નહોતા. એટલું જ નહીં પરંતુ રશ્દી લંડનમાં નહેરુ સેન્ટરની મુલાકાત લેવા માગતા હતા તો એ માટે પણ પરવાનગી આપવામાં આવી નહોતી. ત્યારપછી 2012માં રશ્દીને જયપુર લિટરેચર ફેસ્ટિવલ (જેએલએફ)માં આવવા નિમંત્રણ અપાયું હતું, પરંતુ અહીંના જેહાદી કટ્ટરવાદીઓએ ધમકી ઉચ્ચારતા રશ્દીએ ભારત આવવાનું મુલતવી રાખ્યું હતું. તે સમયે કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે જ રશ્દીને જયપુર આવતા અટકાવ્યા હતા. જોકે, ન્યૂયોર્કમાં ગઈકાલે રશ્દી ઉપર હુમલો થયા બાદ સિબ્બલે રશ્દીના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું પરંતુ કદાચ જેહાદી કટ્ટરવાદીઓનો ડર લાગતાં થોડા કલાકમાં  તેમનું એ ટ્વિટ ડીલીટ કરી દીધું હતું.

જોકે, 1988માં કોંગ્રેસી સરકારે રશ્દીની ભારત મુલાકાત ઉપર મુકેલો પ્રતિબંધ 1999માં અટલ બિહારી વાજપેયી સરકારે ઉઠાવી લીધો હતો. ત્યારબાદ રશ્દીએ વર્ષ 2000માં ભારતની મુલાકાત લીધી હતી. તે સમયે દેશની ડાબેરી લૉબી તેમજ લુટિયન્સ સમુદાયે તેમના માનમાં ડીનરનું આયોજન કર્યું હતું. આ ડીનર દરમિયાન રશ્દીએ નહેરુ અને તેમના વંશજોના મોંફાટ વખાણ કર્યાં હતા અને હિન્દુ રાષ્ટ્રવાદી ભાજપ માટે અપમાનજનક ઉચ્ચારણો કર્યાં હતાં. આ અંગે પીઢ પત્રકાર અને માહિતી-પ્રસારણ મંત્રાલયના સિનિયર સલાહકાર કંચન ગુપ્તાએ શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને રશ્દીના ચરિત્રને ખુલ્લું પાડી દીધું છે. કંપન ગુપ્તાએ લખ્યું છે કે, 2004માં વાજપેયી સરકાર હારી ગઈ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળ યુપીએની સરકાર બની ત્યારબાદ રશ્દીએ ઈન્ટરનેશનલ હેરલ્ડ ટ્રિબ્યુનમાં એક લેખ લખીને હિન્દુ રાષ્ટ્રવાદી ભાજપના શાસનમાંથી ભારતને મુક્તિ મળી હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને સાથે જ તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ અપમાનજનક લખ્યું હતું. ગુપ્તા કહે છે કે, આખી વાતનો સાર એ છે કે, કહેવાતા લિબરલ, ડાબેરીવાદી, બેવડાં ધોરણો ધરાવતા લોકોને ક્યારેક સૈદ્ધાંતિક સમર્થન આપવામાં કશું ખોટું નથી, પરંતુ જ્યારે અસ્તિત્વ ટકાવવા માટે સભ્યતાઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હોય ત્યારે તમારે મિત્રો અને સાથીદારોની ખૂબ સાવધાનીપૂર્વક પસંદગી કરવી જોઇએ.

ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી અનેક વર્ષથી બ્રિટનમાં વસતા હતા. 1990ના ગાળામાં રશ્દીએ કુરાનની કેટલીક આયતોને આધાર બનાવીને સેતાનિક વર્સિસ નામે નવલકથા લખી હતી. નવલકથા પ્રકાશિત થતાં જ ઈસ્લામિક દેશોમાં નારાજગી વ્યાપી હતી અને ઈરાનના તે સમયના ઘર્મ વડા આયાતોલ્લા ખોમેનીએ રશ્દી વિરુદ્ધ ફતવો જારી કરીને તેમની હત્યા કરનારને કરોડો ડૉલરનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. એ ફતવાને પગલે બ્રિટિશ સરકારે રશ્દીને ગુપ્ત સ્થળે રાખીને તેમની સુરક્ષા કરી હતી. થોડાં વર્ષ પહેલાં ખોમેનીનું મૃત્યુ થયા બાદ દુનિયાએ એમ માની લીધું કે હવે તેમના ફતવાનો કોઈ અર્થ નહીં રહે અને રશ્દી મુક્ત રીતે જીવી શકશે. આ પછી તે થોડાં વર્ષથી ન્યૂયોર્કમાં રહેતા હતા અને અમેરિકન નાગરિકત્વ લીધું હતું. જોકે, તેમના વિરુદ્ધનો કટ્ટરવાદી ધિક્કાર હજુ યથાવત્ હશે અને તેથી જ ગઈકાલે ન્યૂયોર્કમાં એક હૉલમાં તે લેક્ચર આપી રહ્યા હતા ત્યારે હદી મતર નામના 24 વર્ષના મુસ્લિમ યુવાને તેમના ઉપર ઘાતક હુમલો કર્યો હતો.

દેશ ગુજરાત