13 રાજ્યોની વીજ કંપનીઓ જૂનાં લ્હેણાં ન ચૂકવે ત્યાં સુધી તેમના પર વીજળીના ખરીદ-વેચાણનો પ્રતિબંધ

13 રાજ્યોની વીજ કંપનીઓ જૂનાં લ્હેણાં ન ચૂકવે ત્યાં સુધી તેમના પર વીજળીના ખરીદ-વેચાણનો પ્રતિબંધ

નવી દિલ્હીઃ એક તરફ મફત વીજળી આપવાનાં વચનો આપવામાં આવી રહ્યા છે ત્યારે દેશના ઓછામાં ઓછા 13 રાજ્યોની વીજ કંપનીઓની આર્થિક સ્થિતિ અંગે જે અહેવાલ આવ્યો છે તે ચિંતાજનક છે.

આ અહેવાલ અનુસાર પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશન (પોસોકો) દ્વારા છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, તમિળનાડુ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, મણિપુર અને મિઝોરમ એમ 13 રાજ્યોની વીજ વિતરણ કંપનીઓ ઉપર પાવર એક્સચેન્જ મારફત વીજળીના ખરીદ-વેચાણ ઉપર 19 ઑગસ્ટ, અર્થાત ગઈકાલથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ રાજ્યોની વીજ કંપનીઓના કુલ રૂપિયા 5000 કરોડનાં લ્હેણાં બાકી છે જેમાં રૂપિયા 1,380 કરોડની બાકી સાથે તેલંગણા સૌથી ઉપર છે.

નિયમ અનુસાર વીજ વિતરણ કંપનીઓ તેમનાં બિલની ચૂકવણીમાં વિલંબ કરે તો એવી કંપનીઓને તેમની જરૂરિયાતની 75 ટકા વીજળી વીજ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા આપવામાં આવે અને બાકીની 25 ટકા વીજળી ખુલ્લા બજારમાં વેચવામાં આવે.

જોકે, ઉપરોક્ત 13 રાજ્યોની વીજ વિતરણ કંપનીઓ છેલ્લા અઢી મહિનાથી તેમનાં લ્હેણાં ચૂકવી નહીં શકતા પોસોકોએ આ કંપનીઓ ઉપર ગઈકાલથી ટ્રેડિંગનો સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. જોકે, આ આદેશમાં પોસોકોએ એવી સ્પષ્ટતા પણ કરી છે કે જે કંપની તેના બાકી બિલની સંપૂર્ણ ચૂકવણી કરી દે તો તેમની જરૂરિયાતનો વીજ પુરવઠો વહેલામાં વહેલી તકે શરૂ કરી દેવો અને વીજ પુરવઠો પૂરો પાડવામાં મહત્તમ બે દિવસથી વધારે મોડું થવું ન જોઇએ.

બિઝનેસ અખબાર મિન્ટમાં પ્રકાશિત આ અહેવાલને ટૅગ કરીને નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અમિતાભ કાંતે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર લખ્યું કે, વીજ વિતરણ કંપનીઓએ કુલ 1,13,000 કરોડ રૂપિયા વીજ ઉત્પાદન કંપનીઓને ચૂકવવાના બાકી છે અને તેમની કુલ ખોટ 5,23,000 કરોડ રૂપિયા છે. તેમણે લખ્યું કે, પ્રત્યેક એક રૂપિયાની વીજળીના વેચાણમાંથી કંપનીઓને માત્ર 79 પૈસા મળે છે, અને તેથી (પોસોકોનું) આ પગલું ઘણા સમયથી આવશ્યક હતું.

નોંધપાત્ર છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક સમારંભમાં કહ્યું હતું કે વીજ વિતરણ કંપનીઓએ તેમનાં બાકી લ્હેણાં ચૂકવી દેવા જોઇએ.

દેશ ગુજરાત