જળજીવન મિશનથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીજન્ય રોગોમાં 66 ટકાનો ઘટાડો નોંધાયો
August 20, 2022
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં જળજીવન મિશનનો પ્રારંભ કર્યો તે સમયે દેશમાં સાવ જૂજ માત્રામાં ગ્રામ્ય વિસ્તારોમાં નળથી જળ પહોંચતું હતું, પરંતુ આ યોજના લાગુ થયા પછી આજે બાવન (52) ટકા કરતાં વધુ ગ્રામ્ય વિસ્તારોમાં નળથી જળ પહોંચી ગયું છે. આ મિશન હેઠળ 2014 સુધીમાં 19.20 કરોડ ગ્રામ્ય ઘરોમાં નળથી જળ પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આમ આ યોજનાનું 50 ટકા કરતાં વધુ કામ પૂર્ણ થઈ ગયું છે.
વડાપ્રધાને હજુ ગઈકાલે શુક્રવારે જ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી કે, ગોવા, દીવ-દમણ, દાદરા-નગર હવેલી સહિત દેશમાં ઓછામાં ઓછા 10 કરોડ ગ્રામ્ય વિસ્તારોમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાની યોજનાનું લક્ષ્યાંક હાંસલ કરી લેવામાં આવ્યું છે.
એક અહેવાલ અનુસાર દેશમાં પીવાનું પાણી પહોંચાડવાની યોજના અગાઉ પણ હતી. જેમ કે નેશનલ ડ્રિન્કિંગ વૉટર મિશન છેક 1986માં શરૂ કરવામાં આવ્યું હતું, પણ એનાં પરિણામ કદી જોવા મળ્યાં નહીં. જ્યારે મોદી સરકારના જળજીવન મિશનનાં પરિણામ બે વર્ષમાં દેખાઈ રહ્યાં છે.
વર્તમાન યોજના હેઠળ જે લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યા છે તેમાં દેશની 8,65,000 સરકારી શાળાઓ પૈકી 84.2 ટકા શાળાઓમાં નળથી જળ સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. એ જ રીતે દેશની 8,94,000 આંગણવાડીઓ પૈકી 80 ટકા આંગણવાડીમાં શુદ્ધ પાણીનું જોડાણ પહોંચી ગયું છે.
દેશના દરેક નાગરિકને નળથી જળ પહોંચાડવાના આ જંગી મિશનમાં 30,000 એન્જિનિયર ઉપરાંત હજારોની સંખ્યામાં કોન્ટ્રાક્ટર અને શ્રમિકો કામગીરી કરી રહ્યા છે. તેમના દ્વારા 2024 સુધીમાં 40 લાખ કિલોમીટર જેટલી લંબાઈની પાઇપલાઇન પાથરવામાં આવશે જેના દ્વારા નળથી શુદ્ધ જળ પ્રત્યેક પરિવારમાં પહોંચી શકે.
મોદી સરકારની જળજીવન મિશનની સૌથી મોટી સફળતા આરોગ્ય અંગેની છે. રાષ્ટ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ બાબતે કરવામાં આવેલા એક સરવે અનુસાર પીવાનું શુદ્ધ પાણી પહોંચવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સંદર્ભમાં નેશનલ સેન્ટર ફૉર ડિસિઝ કંટ્રોલના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યાં જ્યાં નળથી જળ પહોંચ્યું છે એવા વિસ્તારોમાં 2019ની સરખામણીમાં 2021માં પાણીજન્ય રોગોની માત્રામાં 66 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્રણ વર્ષ પહેલાં આ વિસ્તારોમાં 1.77 કરોડ કેસ પાણીજન્ય રોગોના નોંધાયા હતા ત્યાં 2021માં આ આંકડો 59 લાખ સુધી નીચે આવી ગયો હતો.
દેશના 117 અવિકસિત જિલ્લા, જેને મોદી સરકારે એસ્પિરેશનલ જિલ્લા નામ આપ્યું છે ત્યાં 47 ટકા ઘરોમાં નળથી જળ પહોંચાડવામાં સફળતા મળી છે. 2019માં આ જિલ્લાઓમાં માંડ સાત ટકા ઘરોમાં નળના પાણીની સુવિધા હતી.
ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ તેમજ બિહાર જેવાં કેટલાંક રાજ્યોએ આ મિશન હેઠળ 90 ટકા કરતાં વધારે કામગીરી પૂર્ણ કરી લીધી છે, જ્યારે ગોવા, તેલંગણા, દાદરા-નગર હવેલી, દીવ-દમણે 100 ટકા લક્ષ્યાંક હાંસલ કરી લીધું છે. ઉત્તરપ્રદેશ અને ઝારખંડમાં 25 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે જ્યારે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવાં 13 રાજ્યો જળજીવન મિશનની કામગીરીમાં ઘણાં પાછળ છે અને તેથી કેન્દ્ર સરકારે હવે એવાં રાજ્યો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
