મનીષ સિસોદિયાની એક્સાઇઝ નીતિમાં સાત મુદ્દા શંકાસ્પદ જણાયા બાદ એલજીએ તપાસની ભલામણ કરી હતી

મનીષ સિસોદિયાની એક્સાઇઝ નીતિમાં સાત મુદ્દા શંકાસ્પદ જણાયા બાદ એલજીએ તપાસની ભલામણ કરી હતી

નવી દિલ્હીઃ વિવાદાસ્પદ એક્સાઇઝ નીતિને કારણે કાયદાના સાણસામાં સપડાયેલા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ભલે પોતાની એ નીતિને દેશની સર્વશ્રેષ્ઠ નીતિ ગણાવતા હોય, પરંતુ તેમાં ઓછામાં ઓછા સાત મુદ્દા શંકાસ્પદ હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.

વાસ્તવમાં સિસોદિયા અને તેમની આમ આદમી પાર્ટી વિરુદ્ધ આરોપ એ છે કે, એ લોકોએ દિલ્હીમાં એક્સાઈઝ ડ્યુટીની નીતિમાં જાતે જ પરિવર્તન કરીને દારૂના ખાનગી દુકાનદારોને કરોડો રૂપિયાનો લાભ કરાવી આપ્યો. આ નીતિનો અમલ કરતાં પહેલાં બંધારણીય અને કાયદાકીય રીતે નાયબ મુખ્યપ્રધાન સિસોદિયાએ દિલ્હીના ઉપરાજ્યપાલની મંજૂરી લેવી જોઇએ એ પણ લીધી નહોતી અને નીતિનો સીધો અમલ શરૂ કરી દીધો હતો.

દરમિયાન દિલ્હીના મુખ્ય સચિવ તરીકે નરેશ કુમારની નિમણૂક થઈ ત્યારબાદ આ આખો મામલો ખુલ્લો પડ્યો. નરેશ કુમારનું ધ્યાન કેજરીવાલ-સિસોદિયાની નવી દારૂ નીતિ જાહેર કરવામાં રહેલી ખામીઓ તરફ ગયું. તેમણે આ અંગે અહેવાલ તૈયાર કર્યો અને એક્સાઈઝ વિભાગના વડા અર્થાત મનીષ સિસોદિયાનો ખુલાસો માગ્યો. નરેશકુમારના અહેવાલમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે, આવી નીતિ જાહેર કરતાં પહેલા કાયદેસર રીતે દિલ્હીના ઉપરાજ્યપાલની પરવાનગી લેવી જોઇએ તે લેવામાં આવી નથી.

નરેશકુમાર દ્વારા જે સાત શંકાસ્પદ મુદ્દા શોધી કાઢવામાં આવ્યા હતા તેમાં –

 એરપોર્ટ ઝોનમાં સંબંધિત સત્તાવાળાઓ તરફથી એનઓસી નહીં મળવાને કારણે કેજરીવાલ સરકારે ઓછું બિડિંગ કરનાર વેપારીઓને 30 કરોડ રૂપિયા પરત કરી દીધા હતા. દિલ્હી એક્સાઈઝ રુલ્સ, 2010 અનુસાર ટેન્ડર ભરનાર વ્યક્તિ તમામ શરતો પૂરી કરવામાં નિષ્ફળ જાય તો ડિપોઝિટની પૂરી રકમ જપ્ત થાય.

 લાઇસન્સ મેળવવા માટે જે લોકો અરજી કરે તેમના તમામ દસ્તાવેજો યોગ્ય અને સંપૂર્ણ હોવા જોઇએ તથા તેમની નાણાકીય સદ્ધરતા હોવી જોઇએ. સિસોદિયાએ આ શરતનું સદંતર ઉલ્લંઘન કરીને છૂટક વેપારીઓને ભારે છૂટછાટો આપી હતી.

 વિદેશી શરાબના દર નક્કી કરવાની પ્રક્રિયામાં જાતે જ ફેરફાર કરી દઇને વેપારીઓને અયોગ્ય રીતે રાહત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.

 કોરોના મહામારીના નામે દારુના વેપારીઓની રૂપિયા 144.36 કરોડની લાઇસન્સ ફી માફ કરી દેવાની જોગવાઈ કરવામાં આવી હતી. હકીકતે ટેન્ડરમાં આવી કોઈ જોગવાઈ હતી નહીં.

 સોશિયલ મીડિયા, બેનરો તેમજ હોર્ડિંગ દ્વારા દારૂની જાહેરાત કરનારા વેપારીઓ વિરૂદ્ધ દિલ્હી એક્સાઈઝ રુલ્સ, 2010 અનુસાર પગલાં લેવા જોઇએ તે લેવામાં ન આવ્યાં.

 શરાબના વેપારીઓને જે તે વિસ્તારમાં યોગ્ય સત્તાવાળાઓની મંજૂરી વિના જ એક કરતાં વધુ દુકાનો ખોલવા દેવામાં આવી.

 ટેન્ડરની શરત અનુસાર સમયગાળામાં વધારો કરવામાં આવે તો વધારાની લાઇસન્સ ફી વેપારીઓએ ચૂકવવી પડે છતાં એવી કોઈ ફી વસુલ્યા વિના વેપારીઓને પહેલાં 1 એપ્રિલ, 2022ના બદલે 31 મે, 2022 સુધીની મુદત વધારી આપવામાં આવી અને ત્યારબાદ 1 જૂન, 2022ને બદલે મુદત 31 જુલાઈ, 2022 સુધી વધારી આપવામાં આવી.

દેશ ગુજરાત