“ભ્રષ્ટાચાર અંગે સૌને ઘેરતા કેજરીવાલ હવે ખુદ ફસાઈ ગયા છે” – ઈસુદાન ગઢવી

“ભ્રષ્ટાચાર અંગે સૌને ઘેરતા કેજરીવાલ હવે ખુદ ફસાઈ ગયા છે” – ઈસુદાન ગઢવી

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના ગુજરાતના એક વર્તમાન નેતા ઈસુદાન ગઢવી ભૂતકાળમાં પત્રકારની ભૂમિકામાં હતા ત્યારે વીટીવી ઉપર કેજરીવાલના ભ્રષ્ટાચાર વિશેનો એક અહેવાલ તૈયાર કર્યો હતો.

સોશિયલ મીડિયામાં આજકાલ આ વિડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ઈસુદાન કહી રહ્યા છેઃ ભ્રષ્ટાચારને લઇને સૌ કોઈને ઘેરતા કેજરીવાલ હવે ખુદ ફસાઈ ગયા છે. કેજરીવાલ ઉપર એક એનજીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેમણે પોતાના સાળાનો ફાયદો પહોંચાડવાનો પ્રયાસ પણ કર્યો છે.

ત્યારબાદ આગળ આ ટીવી અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પોતાને ભ્રષ્ટાચાર વિરુદ્ધના કિંગ સાબિત કરવામાં કોઈ કસર નથી છોડતા. પરંતુ આ વખતે હવે તેમના સાળા ભ્રષ્ટાચારના મામલામાં ફસાતા દેખાઈ રહ્યા છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ કેજરીવાલના સાળા સુરેન્દ્ર કુમાર બંસલ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપમાં સંડોવણી બદલ પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. રોડ એન્ટિકરપ્શન ઓર્ગેનાઇઝેશન નામની એક એનજીઓએ બંસલ સામે ફરિયાદ નોંધાવી છે. જેથી તપાસનીસ અધિકારીએ ભ્રષ્ટાચારની સંડોવણી પુરાવા રજૂ કરવા આદેશ કર્યો છે.

“અરવિંદ કેજરીવાલના સાળા પર એનજીઓનો આરોપ છે કે કેજરીવાલે પોતાના સંબંધી સુરેન્દ્ર કુમાર બંસલને 2014થી 2016 વચ્ચે અનેક નિર્માણ કાર્યોમાં સરકારી કામ અપાવ્યું, જેમાં અનેક ડમી કંપની બનાવીને કરોડોનું કામ બતાવવામાં આવ્યું અને બાદમાં કાગળો પર કામ બતાવીને પૈસા પડાવી લેવાયા.

“એનજીઓના સંસ્થાપકમાં રાહુલ શર્મા અને વિપ્લવ અવસ્થીનો આરોપ છે કે, પોતાના સગાને ફાયદો પહોંચાડવા કેજરીવાલે કૌભાંડ આચર્યું છે. તેમનું કહેવું છે કે એનજીઓ દ્વારા 150થી પણ વધુ આરટીઆઈ દાખલ કરવામાં આવી પરંતુ સંબંધિત વિભાગો તરફથી કોઈ જાણકારી આપવામાં ન આવી.

કેજરીવાલના સગા સુરેન્દ્ર બંસલે રેણુ કન્સ્ટ્રક્શનના નામે કંપની બનાવી અને બાદમાં મહાદેવ ઈમ્પેક્સ પાસેથી સામાન ખરીદ્યો હોવાની એન્ટ્રી બતાવી, જ્યારે મહાદેવ ઈમ્પેક્સે સેલટેક્સ વિભાગને આપેલી માહિતીમાં બતાવ્યું કે કંપનીએ ન તો કોઈ કારોબાર કર્યો છે કે ન તો કોઈ માલની ખરીદી કરી છે અને ન કોઇને માલ વેચ્યો. મતલબ કે બાંધકામ સુધીનું કામ માત્ર કાગળ પર જ થયું અને પૈસા સરકારના ફંડમાંથી આપવામાં આવ્યા. એનજીઓએ કેજરીવાલ સરકાર પર પણ નિયમોમાં કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.”

દેશ ગુજરાત