મફતની યોજનાઓ દિલ્હીના અર્થતંત્રને કેવી રીતે નુકસાન પહોંચાડી રહી છે? – જાણો

મફતની યોજનાઓ દિલ્હીના અર્થતંત્રને કેવી રીતે નુકસાન પહોંચાડી રહી છે? – જાણો

નવી દિલ્હીઃ મફતની યોજનાઓ લાંબાગાળે અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. દિલ્હી સહિત દેશના કેટલાંક રાજ્યો હવે આ બાબતનો અનુભવ કરી રહ્યા છે. એક અહેવાલ અનુસાર દિલ્હીમાં 2010-11માં રાજ્યની આવકની પુરાંત રૂપિયા 10,000 કરોડ કરતાં વધારે હતી તેમાં આમ આદમી પાર્ટીની સરકારના આવ્યા પછી તેની મફતની યોજનાઓને કારણે 2021-2022માં 88 ટકા જેટલો જંગી ઘટાડો થઈ ગયો છે. હાલ બાહ્ય રીતે દિલ્હીમાં આશરે 1000 કરોડ રૂપિયાની પુરાંત દેખાય છે.

આ ગાળા દરમિયાન દિલ્હીની આપ સરકાર કેન્દ્ર સરકારની સહાય ઉપર નભતી જોવા મળી છે અને કેન્દ્ર સરકાર પાસેથી અનુદાન લેવાની ટકાવારી વધીને 122 ટકા પહોંચી ગઈ છે. હવે આ આખી વાતને સાચી રીતે સમજીએ અને કેન્દ્ર પાસેથી લીધેલા અનુદાનને બાકાત કરી દેવામાં આવે તો દિલ્હીની આપ સરકારની ખાધ 2000 કરોડ રૂપિયા કરતાં વધુ થાય. આ સમગ્ર મુદ્દા ઉપર પ્રસાર ભારતીના ભૂતપૂર્વ સીઈઓ શશી શેખરે એક વિસ્તૃત લેખ ઈકોનોમિક ટાઇમ્સમાં લખ્યો છે.

એ લેખ અનુસાર 2022-2023માં દિલ્હીની આપ સરકારના બજેટમાં રૂપિયા 3000 કરોડની ખાદ દર્શાવવામાં આવશે. દિલ્હીની રાજ્ય સરકાર દ્વારા આવી બેજવાબદાર નીતિને કારણે છેલ્લા 10 વર્ષમાં દિલ્હીના નાગરિકો પરનું દેવું 39 ટકા વધી ગયું છે એટલું જ નહીં. આમ આદમી પાર્ટી સરકારે કેન્દ્ર સરકાર પાસેથી 4700 કરોડ રૂપિયાની સહાય લીધેલી છે.

કેજરીવાલ સરકાર દ્વારા મીડિયામાં જાહેરખબરો આપવાના બજેટમાં 44 ગણો વધારો થયો છે. 2013-14માં આ બજેટ રૂપિયા 11 કરોડ હતું તે 2021-22માં 488 કરોડે પહોંચી ગયું. એ જ રીતે 2015થી 2020ના ગાળામાં દિલ્હીની રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની સબસિડી પરનો ખર્ચ વધીને 92 ટકા સુધી પહોંચી ગયો છે. કટ્ટર ઈમાનદારીના પ્રમાણપત્ર લઇને ફરતા કેજરીવાલે ધારાસભ્યો અને પોતાના મંત્રીઓના વેતનમાં 66 ટકાથી લઇને 100 ટકાનો વધારો કરી દીધો છે.

દિલ્હી સરકાર આર્થિક અવ્યવસ્થાનું સૌથી ચિંતાજનક ઉદાહરણ એ છે કે, કેન્દ્ર દ્વારા વિકાસ કામો માટે મળતી નાણકીય સહાયનો સાવ નજીવો ઉપયોગ થયો છે. તેની સામે કેજરીવાલ સરકારે સબસિડી ઉપર ઘણો વધારે ખર્ચ કરી દીધો છે.

સબસિડીના આવા રાજકારણને કારણે અર્થતંત્રને ગંભીર અસર પહોંચી શકે છે. તેની સામે જરૂરિયાતવાળા નાગરિકોને આર્થિક સહાય કરવાથી રોજગારીમાં વધારો થાય છે અને છેવટે અર્થતંત્રમાં સુધારો થાય છે, પરંતુ મફતની યોજનાઓ પાછળ સબસિડી ખર્ચાય તો માત્ર નુકસાન જ થાય છે.

લેખકે અર્થતંત્રની ચર્ચાના આ લેખમાં જણાવ્યું છે કે, છેવટે એ બાબત પ્રજા ઉપર નિર્ભર કરે છે કે તેઓ લાંબાગાળે અર્થતંત્રને સુધારે અને દેશને મજબૂત કરે એવી રાજકીય વ્યવસ્થા ઈચ્છે છે કે પછી મફતની યોજનાઓ દ્વારા લાંબાગાળે અર્થતંત્રને જંગી ખાધ તરફ લઈ જાય એવા રાજકીય પક્ષોની પસંદગી કરવા માગે છે.

કેજરીવાલ દ્વારા જાહેરખબરો ઉપર આટલો જંગી ખર્ચ કરવો અને સાથે જરૂર હોય કે ન હોય એવા લોકોને પણ મફતની યોજનાઓનો લાભ આપવો એ નીતિ દેશના પ્રામાણિક કરદાતાઓ ઉપર તો બોજ સમાન છે જ, પરંતુ સાથે પ્રશ્ન પણ એ ઉપસ્થિત થાય છે કે, રાજ્યની આવક અને ખર્ચનું સંતુલન ખોરવાઈ જશે તેની જવાબદારી કોણ લેશે?

દેશ ગુજરાત