ગુજરાતમાં અત્યાર સુધીમાં ૯૮ ટકાથી વધુ વરસાદ; ૮૬માંથી ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૯૮ ટકાથી વધુ વરસાદ; ૮૬માંથી ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર


 સરદાર સરોવર ડેમ ૧૩૫.૯૪ મીટરની સપાટીએ

 કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી ૫,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની જાવક

 રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૯૮.૧૩ ટકા જેટલો વરસાદ થયો છે. ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૧.૬૩ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૨ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે તેમ રાહત કમિશનરશ્રી હર્ષદ પટેલે જણાવ્યું હતું.

રાહત કમિશનરે રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૫.૯૪ મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં ૯૦.૯૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી ૫,૦૦૦ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે આવતીકાલે તા. ૨૪ ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે.

દેશ ગુજરાત