પેગાસસ વિવાદમાં જાસુસીના આક્ષેપ અંગે કોઈ પુરાવા મળ્યા નથીઃ સુપ્રીમ કોર્ટ

પેગાસસ વિવાદમાં જાસુસીના આક્ષેપ અંગે કોઈ પુરાવા મળ્યા નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ પેગાસસ સ્પાયવેર વિવાદ સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું હતું કે આ કેસની તપાસ માટે નિયુક્ત નિષ્ણાત સમિતિને જાસુસીના કોઈ પુરાવા મળ્યા નથી.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ ફરિયાદીઓ દ્વારા સોંપવામાં આવેલા 29 મોબાઇલ ફોનની તપાસ કરી હતી, જે પૈકી પાંચ ફોનમાં શંકાસ્પદ માલવેર હતા પરંતુ તે પેગાસસ હોવાનું પ્રસ્થાપિત થતું નથી.

નિવૃત્ત થઈ રહેલા મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમન્ના, ન્યાયમૂર્તિ સૂર્યકાંત તથા ન્યાયમૂર્તિ હીમા કોહલીની બનેલી બેન્ચે અહેવાલની મુખ્ય બાબતો જાહેર કરતાં કહ્યું કે, હાલ પૂરો અહેવાલ જાહેર કરવામાં નહીં આવે કેમ કે તપાસમાં સામેલ થયેલા અમુક અગ્રણીઓએ તેમની ઓળખની ગુપ્તતાની વિનંતી કરી હતી.

રાજકારણીઓ, સરકારી અધિકારીઓ, પત્રકારો સહિત 300 ભારતીયો સ્પાયવેરનો શિકાર બન્યા છે તેવા અહેવાલ બાદ સુપ્રીમ કોર્ટ દ્વારા નિવૃત્ત જજ આર.વી. રવીન્દ્રના નેતૃત્વ હેઠળ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ગયા મહિને સુપ્રીમ કોર્ટની બેન્ચને અહેવાલ સુપરત કર્યો હતો. એ અહેવાલ અંગે આજે કોર્ટે કહ્યું કે, નિષ્ણાત સમિતિને જાસુસીના આક્ષેપના કોઈ પુરાવા મળ્યા નથી.

સુપ્રીમ કોર્ટના આજના આ ખુલાસા પછી ભાજપે માગણી કરી હતી કે, રાહુલ ગાંધીએ આ અંગે દેશની માફી માગવી જોઇએ. પક્ષના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ સરકાર ઉપર તમામ પ્રકારના આક્ષેપ લગાવ્યા હતા અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો, શું હવે કોઈ જાસુસી પ્રસ્થાપિત નથી થતી તો રાહુલ ગાંધી માફી માગશે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે લોકોને પોતાની જાસુસી થતી હોવાની શંકા હતી તેવા 29 લોકોએ તેમના ફોન સમિતિને સોંપ્યા હતા. સમિતિએ તેનો ત્રણ ભાગનો અહેવાલ સુપરત કર્યો હતો. તેમાં બે ભાગ ટેકનિકલ રિપોર્ટના છે, જેની સમીક્ષા કરવામાં આવી રહી છે.

2021માં પેગાસસ જાસુસી સ્પાયવેર અંગેના અહેવાલને પગલે કોંગ્રેસ સહિત વિરોધપક્ષો તેમજ સિવિલ સોસાયટીના અન્ય લોકોએ પણ મોટાપાયે ઊહાપોહ મચાવ્યો હતો અને નરેન્દ્ર મોદી સરકાર ઉપર વિરોધીઓની જાસુસીના આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસ સહિત વિપક્ષોએ એ સમયે ઘણા દિવસ સુધી સંસદની કાર્યવાહી પણ ખોરવી નાખી હતી. છેવટે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને કોર્ટે નિવૃત્ત જજની આગેવાની હેઠળ સમિતિની રચના કરી હતી.

સમિતિના અહેવાલની અમુક વિગતો જાહેર કરતાં કોર્ટે આજે કહ્યું કે, અહેવાલ કોર્ટની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

દેશ ગુજરાત