ટિપ્પણી કરતા પહેલાં હોમવર્ક કરોઃ હિમંત બિસ્વ સર્માનો કેજરીવાલને જવાબ

ટિપ્પણી કરતા પહેલાં હોમવર્ક કરોઃ હિમંત બિસ્વ સર્માનો કેજરીવાલને જવાબ

ગુવાહાટીઃ ગમે તેવા નિવેદનો કરીને ચર્ચામાં રહેવાની આદત ધરાવતા દિલ્હીના ખાતા વિનાના મુખ્યપ્રધાન કેજરીવાલે આસાની શાળાઓ અંગે કશી જાણકારી વિના જ નિવેદન કરી દીધું હતું જેનો જડબાતોડ જવાબ આપતાં આસામના મુખ્યપ્રધાન હેમંત બિસ્વ સર્માએ કહ્યું હતું કે, પહેલાં હોમવર્ક કરો, પછી કોઈ ટિપ્પણી કરો.

વાસ્તવમાં એક મીડિયામાં એવા અહેવાલ પ્રકાશિત થયા હતા કે, આસામની કેટલીક શાળાઓનું પરિણામ શૂન્ય આવતાં રાજ્ય સરકારે એ શાળાઓ બંધ કરી દીધી.

આ અહેવાલના આધારે કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, શાળા બંધ કરી દેવી એ ઉપાય નથી. આપણે હજુ આખા દેશમાં ઘણી નવી સ્કૂલ ખોલવાની જરૂર છે. સ્કૂલ બંધ કરવાને બદલે સ્કૂલ સુધારીને શિક્ષણ બરાબર કરો.

કેજરીવાલના આવા બિનજરૂરી સલાહ આપતા ટ્વિટના જવાબમાં આસામના મુખ્યપ્રધાન હિમન્ત બિસ્વ સર્માએ કહ્યું હતું, પ્રિય કેજરીવાલ, દર વખતની જેમ તમે કોઈ જાતનું હોમવર્ક કર્યા વિના ટિપ્પણી કરી છે.

હું શિક્ષણપ્રધાન હતો ત્યારથી અત્યાર સુધીમાં આસામ સરકારે 8610 નવી સ્કૂલ સ્થાપી છે અથવા હસ્તગત કરી છે એ ધ્યાનમાં રાખો. તેની વિગતો નીચે છે.

સાથે આસામના મુખ્યપ્રધાને કેજરીવાલને પ્રશ્ન પણ કર્યો કે, છેલ્લા સાત વર્ષમાં દિલ્હી સરકારે કેટલી નવી સ્કૂલ શરૂ કરી?

હિમંત બિસ્વ સર્માએ કહ્યું કે, આસામ સરકારે 6,802 પ્રાથમિક સ્કૂલો, 1,589 માધ્યમિક સ્કૂલો, 81 કસ્તુરબા ગાંધી બાલિક વિદ્યાલય, ત્રણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આવાશિક વિદ્યાલય તથા 97 ટી ગાર્ડન મોડેલ સ્કૂલોનું કાંતો ખાનગીકરણ કરવામાં આવ્યું છે અથવા સરકાર હસ્તક લીધી છે.

ચાલુ વર્ષે આસામમાં એચએસએલસી તથા એએચએમ (આસામ હાઈ મદ્રેસા) માં શૂન્ય પરિણામ લાવનાર 34 સરકારી અથવા ખાનગી સ્કૂલો સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે. એ ઉપરાંત 57 સ્કૂલો જ્યાં એચએલએસસી તથા એસએચએમ પરીક્ષામાં શૂન્ય પરિણામ આવ્યું તે બાબતે પણ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

આસામના મુખ્યપ્રધાનના આવા આકરા જવાબને પગલે આદત મુજબ ઢીલા પડી ગયેલા કેજરીવાલે આજે ટ્વિટ કર્યું કે, અરે! તમે તો નારાજ થઈ ગયા લાગો છો. મારો ઈરાદો તમારી ભૂલો કાઢવાનો નહોતો. આપણે બધા એક દેશ છીએ. આપણે એકબીજા પાસેથી શીખવાનું છે. ત્યારે ભારત નંબર વન બનશે.

કેજરીવાલે આગળ લખ્યું કે, હું આસામ આવીશ, તમે કહો ક્યારે આવું? તમે તમારા શિક્ષણ ક્ષેત્રના સારા કામો બતાવજો. તમે દિલ્હી આવો, હું તમને દિલ્હના કામ બતાવીશ.

દેશ ગુજરાત