ભારત જોડો અભિયાન પહેલાં પક્ષે ‘કોંગ્રેસ જોડો’ કવાયત કરવી જોઈતી હતીઃ ગુલામનબી આઝાદનું કોંગ્રેસમાંથી રાજીનામું
August 26, 2022
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે આજે છેવટે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. આઝાદે પાંચ પાંનાનો પત્ર લખીને રાજીનામું આપવાની જાહેરાત કરી. પત્રમાં મુખ્યત્વે તેમણે કોંગ્રેસની આજની સ્થિતિ માટે સીધેસીધા રાહુલ ગાંધીને જવાબદાર ઠેરવ્યા છે.
આઝાદે પક્ષમાંથી એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે કોંગ્રેસનો પ્રથમ પરિવાર સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા વાડરા હાલ વિદેશ પ્રવાસે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ત્રણ દિવસ પહેલાં સત્તાવાર જાહેરાત કરીને કહ્યું હતું કે, શ્રીમતી ગાંધી સારવાર માટે વિદેશ જશે અને ત્યારબાદ તેમના બીમાર માતાને મળવા જશે. આ દરમિયાન રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધી વાડરા પણ તેમની સાથે જોડાશે.
હજુ ગઈકાલે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર યુવાન નેતા જયવીર શેરગિલે “ખુશામતખોરોની ટોળકી” શબ્દનો પ્રયોગ કર્યો હતો એ જ શબ્દનો ઉપયોગ ગુલામનબી આઝાદે આજે તેમના રાજીનામા પત્રમાં વારંવાર કર્યો છે.
ગુલામનબીએ તેમના પત્રની શરૂઆત કોંગ્રેસ સાથેના તેમના જોડાણના ઈતિહાસથી કરી છે. તેમણે સંજય ગાંધી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી તથા સોનિયા ગાંધીના નેતૃત્વમાં 1973થી અત્યાર સુધી કરેલી કામગીરીનો અને સંભાળેલી વિવિધ જવાબદારીનો આ રાજીનામા પત્રમાં ઉલ્લેખ કર્યો છે.
Congress leader Ghulam Nabi Azad severs all ties with Congress Party. "Before starting Bharat jodo yatra, leadership should have undertaken Congress jodo yatra," says Ghulam Nabi in resignation letter to Sonia. pic.twitter.com/ZEc204yUQf
— DeshGujarat (@DeshGujarat) August 26, 2022
આઝાદે કહ્યું કે, 2013માં જ્યારથી રાહુલ ગાંધીનો પક્ષના ઉપાધ્યક્ષ તરીકે પ્રવેશ થયો ત્યારથી પક્ષની સ્થિતિ બગડવા લાગી. તેમણે ખેદ સાથે જણાવ્યું કે, રાહુલ ગાંધીના પ્રવેશ પછી પક્ષના માળખાને તોડી-ફોડી નાખવામાં આવ્યું એટલું જ નહીં પરંતુ તેમની આસપાસ એવા બિન-અનુભવી લોકો ગોઠવાઈ ગયા જેમને કારણે પક્ષ આજે આ સ્થિતિએ આવીને ઊભો રહ્યો છે.
ગુલામનબી આઝાદે કોંગ્રેસ પક્ષના પતન માટે રાહુલ ગાંધીએ જાહેરમાં સરકારી વટહુકમની કૉપી ફાડી નાખવાના કૃત્યને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીનું આ બાલીશ પગલું કોંગ્રેસના પતનનો પ્રારંભ હતો.
તેમણે કહ્યું કે, જાન્યુઆરી 2013માં જયપુરમાં સીડબલ્યુસીની બેઠક મળી ત્યારે મેં તથા બીજા સભ્યોએ 2014ની ચૂંટણી માટે વિગતવાર યોજના તૈયારી કરી હતી. ત્યારપછી વારંવાર તમને (સોનિયા ગાંધીને) તેમજ રાહુલ ગાંધીને રૂબરૂમાં મળીને એ યોજનાનો અમલ કરવા વિનંતી કરી હતી, પરંતુ કમનસીબે એ યોજનાનો મુસદ્દો આજે પણ 24 અકબર રોડની ઑફિસમાં (કોંગ્રેસ વડામથકની ઑફિસ) કબાટમાં પડી રહ્યો છે. તમે કે રાહુલ ગાંધીએ તેને વાંચવાની પણ તસ્દી લીધી નથી.
ગુલામનબીએ ખેદ સાથે જણાવ્યું કે, કોંગ્રેસના ભલા માટે અમે જી-23 ગ્રુપ બનાવ્યું પરંતુ અમને અપમાનિત કરવામાં આવ્યા, જાહેરમાં હાંસીપાત્ર બનાવવામાં આવ્યા અને એક તબક્કે તો પક્ષના વરિષ્ઠ નેતા અને તમારા પરિવાર માટે અનેક કોર્ટ કેસ લડનાર કપિલ સિબ્બલ ઉપર કોંગ્રેસના જ કાર્યકરોએ શારીરિક હુમલો પણ કર્યો હતો.
અંતે આઝાદે કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને કહ્યું કે આવી યાત્રા શરૂ કરતાં પહેલાં પક્ષે કોંગ્રેસ જોડો કવાયત કરવાની આવશ્યકતા છે. હું ભારે હૃદયે મારા પાંચ દાયકાના જોડાણનો અંત લાવું છું.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
