દિલ્હીમાં હવે શાળાના વર્ગો બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું; લોકાયુક્ત 20 ઑક્ટોબરે સુનાવણી કરશે

દિલ્હીમાં હવે શાળાના વર્ગો બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું; લોકાયુક્ત 20 ઑક્ટોબરે સુનાવણી કરશે

નવી દિલ્હીઃ દિલ્હીમાં કેજરીવાલ સરકાર ઉપર શરાબની એક્સાઇઝ ડ્યુટી કૌભાંડના છાંટા હજુ સુકાયા નથી ત્યાં શાળાના વર્ગો બનાવવામાં કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. દિલ્હીની સરકારી શાળાઓમાં વધારાના ક્લાસરૂમ બનાવવામાં રૂપિયા 326 કરોડનું કૌભાંડ થયું હોવાનું ધ્યાનમાં આવતા દિલ્હીના લેફ. ગવર્નર વી.કે. સક્સેનાએ મુખ્ય સચિવ પાસે આ અંગે અહેવાલ માગ્યો છે.

આ કેસ જૂનો છે અને તેમાં વિજિલન્સ વિભાગના અહેવાલ ઉપર પગલાં લેવામાં અઢી વર્ષનો વિલંબ થવા બાબતે લેફ્ટનન્ટ ગવર્નરે અહેવાલ માગ્યો છે.

સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના રિપોર્ટમાં ક્લાસરૂમ યોજનાઓના અમલમાં વ્યાપક ગેરરીતિ તેમજ પ્રક્રિયાલક્ષી છીંડા ધ્યાનમાં આવ્યા હતા. આ રિપોર્ટ દિલ્હીના મુખ્ય સચિવને 17 ફેબ્રુઆરી, 2020ના રોજ મોકલી આપવામાં આવ્યો હતો. તેમાં વધારે તપાસ અને પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી.

આ અંગે હજુ સુધી કોઈ પગલાં લેવામાં નહીં આવ્યા હોવાની ગંભીર નોંધ એલજીએ લીધી છે.

 

દિલ્હીમાં હવે શાળાના વર્ગો બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું; લોકાયુક્ત 20 ઑક્ટોબરે સુનાવણી કરશે

વાસ્તવમાં દિલ્હીના શાળાઓમાં વર્ગો બનાવવામાં મોટાપાયે ગોટાળા થયા હોવા અંગે ભાજપના દિલ્હી રાજ્ય એકમના વડા મનોજ તિવારીએ સપ્ટેમ્બર 2019માં દિલ્હી લોકાયુક્ત સમક્ષ એક ફરિયાદ દાખલ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, સરકારી શાળાઓમાં 12,782 ક્લાસરૂમના નિર્માણ માટે રૂપિયા 2,892 કરોડનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે, હકીકતે આ કામ પાછળ રૂપિયા 800 કરોડનો ખર્ચ થવો જોઇએ. ભાજપના નેતાએ કહ્યું કે, એક ક્લાસરૂમ બનાવવાનો ખર્ચ પાંચ લાખ થાય તેની સામે કેજરીવાલ સરકારે એક રૂપિય 28 લાખનો ખર્ચ બતાવ્યો છે.

આ ફરિયાદ દાખલ કર્યા બાદ તિવારીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કેજરીવાલે શાળાના કામચલાઉ વર્ગો બનાવવામાં રૂપિયા 2000 કરોડનું કૌભાંડ કર્યું છે એટલું જ નહીં પરંતુ એ વર્ગો બનાવવામાં લાલ પથ્થરના સ્લેબ અને ટી-આયર્નનો ઉપયોગ કરીને બાળકોની જિંદગી ઉપર જોખમ ઊભું કર્યું છે.

આવા કામચલાઉ બાંધકામને ગમેત્યારે નુકસાન થઈ શકે અને તેનાથી બાળકો ઉપર જોખમ આવી શકે. તેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશને જે વર્ગો બનાવડાવ્યા છે તેનો ખર્ચ કેજરીવાલ સરકારે કરેલા ખર્ચ કરતાં ચોથા ભાગનો જ થયો છે, તેમ મનોજ તિવારીએ 2019માં કહ્યું હતું.

ભાજપના નેતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને પગલે દિલ્હીના લોકાયુક્ત જસ્ટિસ હરિશચંદ્ર મિશ્રાએ જુલાઈ 2022માં દિલ્હીના મુખ્ય સચિવને યોગ્ય તપાસ કરીને સંબંધિત વિભાગનો જવાબ રજૂ કરવા સૂચના આપી હતી.

લોકાયુક્તે આ કેસમાં આગામી સુનાવણી 20 ઑક્ટોબરે નિર્ધારિત કરેલી છે.

દેશ ગુજરાત