તરણેતરના મેળામાં કૌશલ્ય દર્શાવવા રાજ્યના બાળ ખેલાડીઓમાં થનગનાટ
August 26, 2022
ગાંધીનગરઃ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં વિખ્યાત થઈ ગયેલા તરણેતરના મેળાની શરૂઆત આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મેળામાં મહાલવા માગતા નાગરિકો ઉપરાંત ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેવા ખેલાડીઓ પણ સજ્જ થઈ ગયા છે.
ગુજરાતમાં મેળાના પરંપરાગત આકર્ષણો ઉપરાંત સ્પોર્ટસ ઓથોરિટી ઑફ ગુજરાતે તેમાં વિવિધ રમત સ્પર્ધાઓનું આયોજન ઉમેરીને મેળાને વધુ લોકપ્રિય બનાવ્યા છે. રાજ્યમાં આશરે ૧૫૧૭ મેળા ભરાય છે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં ૪૨૫ મેળા યોજાય છે. ગુજરાતના અનેક લોકમેળામાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો અનેક આકર્ષણો ધરાવે છે. તેમાં વિવિધ રમત સ્પર્ધાઓ ઉમેરીને ખાસ કરીને યુવા પેઢીમાં મેળાની સાંસ્કૃતિક પરંપરાને વધુ લોકપ્રિય બનાવવામાં આવી છે.
વર્ષ ૨૦૦૪થી ગ્રામીણ ઓલિમ્પિકસની શરૂઆત કરવામાં આવી છે. સ્પોર્ટસ ઑથોરિટી ઑફ ગુજરાત, ગાંધીનગર અને તેના નેજા હેઠળની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી જિ-સુરેન્દ્રનગર દ્વારા આ વર્ષે પણ ૧૭મા ગ્રામીણ ઓલમ્પિકસનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારી પહેલા વર્ષ ૨૦૧૯માં યોજાયેલા મેળામાં વિવિધ રમતોમાં ૨૦૦૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ મેળામાં શાળામાં અભ્યાસ કરતા ૧૨ વર્ષથી નાના બાળકોની રમતોમાં લંગડી, ૧૬ વર્ષથી નાના શાળામાં અભ્યાસ કરતા બાળકોની રમતોમાં ૨૦૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, ૩૦૦૦ મીટર દોડ, લાંબી કૂદ, દોરડા કુદ, સ્લો સાયકલિંગ વગેરેનો સમાવેશ થાય છે.
ભાઇઓ માટેની ઓપન વિભાગની રમતોમાં ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, લાંબીકુદ, રીલે દોડ, કુસ્તી, કબડ્ડી, વોલીબોલ જેવી જાણીતી અને પરંપરાગત રમતો તેમજ નાળિયેર ફેંક, સ્ટ્રોંગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, રસ્સા ખેંચ, સાતોડી વગેરે જેવી હટકે અને દેશી રમતોનો સમાવેશ થાય છે. મેળાના મુલાકાતીઓ માટે આ પ્રકારની દેશી રમતોનું વિશેષ આકર્ષણ જોવા મળે છે.
બહેનો માટે ઓપન વિભાગની રમતોમાં ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, લાંબીકુદ, રિલે દોડ, માટલા દોડ, વોલીબોલ, કબડ્ડી વગેરે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બધી રમતોમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવનાર વિજેતા ખેલાડીઓને રૂ. ૮,૦૦૦/-, રૂ.૬,૦૦૦/-, રૂ. ૫,૦૦૦/- તેમજ રૂ. ૫૦૦/- પ્રોત્સાહક ઈનામો એનાયત કરવામાં આવશે. જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણના જણાવ્યા મુજબ અમરેલી, ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાંથી રમતવીરો ગ્રામીણ ઓલિમ્પિકમાં રસ દાખવી રહ્યા છે. ખેલાડીઓ સ્પર્ધાના દિવસે ઑન ધ સ્પૉટ રજિસ્ટ્રેશન કરાવીને પણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
મેળામાં લાખો મુલાકાતીઓ આવે છે ત્યારે ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓ માટે પોતાની ખેલ પ્રતિભા દર્શાવવા એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો હેતુ આ સ્પર્ધાઓના આયોજન પાછળ રહેલો છે. આ રમત સ્પર્ધાઓ માટે મેળાના સ્થળે કબડ્ડી માટે ચાર મેદાનો, વોલીબોલ માટે બે, કુસ્તી માટે એક મેદાન બનાવવામાં આવી રહ્યા છે.
તા. ૩૦ના રોજ ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળા ફેંક, લાંબીકુદ, સ્લો સાયકલિંગ, લંગડી, દોરડાકુદની સ્પર્ધા, જ્યારે તારીખ ૩૧ના રોજ માટલા દોડ, વોલીબોલ, કબડ્ડી, સ્ટ્રોંગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ, રસ્સા ખેંચ, સાતોડી,નારિયેળ ફેંક અને પહેલી તારીખે કુસ્તીની સ્પર્ધા યોજાશે.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
