ખાદીને જીવતદાન આપવાનું કામ ગુજરાતે કર્યું છેઃ વડાપ્રધાન મોદી
August 27, 2022
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો અને સાથે જ નદી ઉપર બનેલા અટલ ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે ખાદી એ આત્મનિર્ભરતા તરફનું સૌથી મોટું પગલું છે.
તેમણે જણાવ્યું કે, સાબરમતીના કિનારે આજે સ્વતંત્રતાના 75મા વર્ષે 7500 મહિલા ખાદી કારીગરો દ્વારા ચરખો કાંતવામાં આવ્યો એ ઘણી મોટી બાબત છે.
ઉપસ્થિત સમુહને સંબોધન પહેલાં વડાપ્રધાને થોડી ક્ષણ માટે જાતે રેંટિયો પણ કાંત્યો હતો. તેમણે પળને યાદ કરતાં કહ્યું કે, મારા માટે ચરખો ચલાવવાની ઘટના ભાવુક પળ હતી, મને બાળપણ યાદ આવી ગયું. અમારા નાના ઘરમાં એક ખૂણામાં આ બધું રહેતું હતું અને મારી માતા સમય મળે ત્યારે તે કાંતવા બેસતી હતી. એક ભક્ત જે રીતે ભગવાનની પૂજા કરે, જે પૂજાની સામગ્રીનો ઉપયોગ કરે તેમાં એકાગ્રતા હોય એવી જ રીતે સૂતર કાંતવાની પ્રક્રિયા પણ ઈશ્વરની આરાધના જેવું લાગે છે. મને વિશ્વાસ છે કે તમામ લોકો આજે ખાદી ઉત્સવની ઊર્જાનો અનુભવ કરતા હશે. દેશે આજે ખાદી મહોત્સવ કરીને સ્વતંત્રતા સેનાનીઓને સુંદર ભેટ આપી. આજના એક નવા પડાવથી આગળ વધી રહ્યા છીએ ત્યારે ગુજરાતને શુભેચ્છા આપું છું.
સાબરમતી નદી પરના ફૂટ ઓવરબ્રિજનું લોકાપ્રણ કરતાં વડાપ્રધાને કહ્યું કે, અટલ બ્રિજ બે કિનારાને જ માત્ર નથી જોડતો, તે આપણને સૌને જોડે છે. બ્રિજની ડિઝાઇન અભૂતપૂર્વ છે, એ ડિઝાઇનનમાં પતંગ મહોત્સવનું ધ્યાન રાખવામાં આવ્યું છે. 1996માં અટલજી લોકસભાની ચૂંટણી ગાંધીનગરથી રેકોર્ડ મતથી જીત્યા હતા. આજે આ બ્રિજ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ રૂપે છે.
ખાદીના કારીગરોને પ્રોત્સાહન આપતા તેમણે કહ્યું કે, અહીં ભાગ લેનાર લોકો ભવિષ્યના ભારતના ભવિષ્યનું તાણાવાણા વણી રહ્યા છે. ખાદીનો એ જ દોરો વિકસિત ભારતના સ્વપ્નને, આત્મનિર્ભર ભારત માટે પ્રેરણાસ્રોત બની શકે છે. દીવો જેમ અંધારાને દૂર કરી દે, એમ ખાદી જેવી આપણી પરંપરાગત શક્તિ ભારતને નવી ઊંચાઈ પર લઈ જવા માટે પ્રેરણા બની શકે છે. ખાદી ઉત્સવ સ્વતંત્રતા આંદોલનને પુનઃજીવિત કરવાનો પ્રયાસ. ભવિષ્યના ભારતના સંકલ્પને પૂરો કરવાની પ્રેરણા આપે છે.
નરેન્દ્રભાઈએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં સ્વતંત્રતા દિવસે મેં પંચ-પ્રણની વાત કહી હતી. આજે સાબરમતીના તટેથી, આ પૂણ્યપ્રવાહ સામે હું પંચ-પ્રણને ફરી દોહરાવું છું (1) દેશ સામે વિરાટ લક્ષ્ય-વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય, (2) ગુલામીની માનસિકતાનો ત્યાગ (3) આપણા વારસા પર ગર્વ (4) રાષ્ટ્રની એકતા વધારવા પ્રયાસ (5) દરેક નાગરિકનું કર્તવ્ય. આ ખાદી ઉત્સવમાં આ તમામ બાબતોનો સમાગમ છે.
વડાપ્રધાને ખેદ વ્યક્ત કર્યો કે, સ્વતંત્રતા સમયે જે ખાદી ગૌરવ હતી તેને સ્વતંત્રતા પછી અપમાનિત કરવામાં આવી હતી. આ કારણે ખાદી અને તેની સાથે જોડાયેલો ગ્રામોદ્યોગ સંપૂર્ણ નષ્ટ પામ્યો હતો. એ સ્થિતિ ખાસ કરીને ગુજરાત માટે પીડાદાયક હતી. ગુજરાતનો ખાદી સાથે ખાસ નાતો રહ્યો છે. ખાદીને ફરી એક વખત જીવનદાન આપવાનું કામ ગુજરાતની ધરતીએ કર્યું.
2003 ગાંધીના જન્મસ્થાને ખાદી ફૉર નેશનની સાથે ખાદી ફૉર ફેશન કાર્યક્રમ કર્યો હતો. ત્યારે લોકો મજાક ઉડાવતા હતા, અપમાનિત કરતા હતા, પરંતુ ગુજરાત આગળ વધતું રહ્યું અને ખાદીને જીવંત બનાવી બતાવ્યું.
2014 પછી ગુજરાતની આ પ્રેરણાને આગળ વધારી. અમે ખાદી ફૉર નેશન, ખાદી ફૉર ફૅશન અને તેમાં ખાદી ફૉર ટ્રાન્સફોર્મેશનનો સંકલ્પ જોડ્યો. દેશમાં ખાદી સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર કરી. દેશવાસીઓને ખાદીનાં ઉત્પાદનો ખરીદવા પ્રોત્સાહિત કર્યા.
તેમણે કહ્યું કે, ખાદીનું રેકોર્ડ ઉત્પાદન થઈ રહ્યું છે, રેકોર્ડ વેચાણ થઈ રહ્યું છે. ખાદીના વેચાણમાં ચાર ગણો વધારો થયો છે. એક લાખ કરોડ કરતાં વધુ ટર્ન ઓવર થયું છે. આ વેચાણનો સૌથી વધુ લાભ તમને, નાગરિકોને, ગામના બહેનો-ભાઇઓને થયો. ખાદીનું વેચાણ વધવાથી ગામોમાં નાણા પહોંચ્યા. માતા-બહેનોનું આર્થિક સશક્તિકરણ થયું. આઠ વર્ષમાં પોણા બે કરોડ રોજગારીનું સર્જન ખાદીને કારણે થયું છે તેવી માહિતી વડાપ્રધાન આપી હતી.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, હવે ગુજરાતમાં ગ્રીન ખાદીનું અભિયાન શરૂ થયું છે. સોલર ચરખાથી ખાદી, કારીગરોને સોલર ચરખા આપવામાં આવ્યા છે. ગુજરાતમાં એક દાયકા પહેલાં મહિલાઓના સશક્તિકરણ માટે મિશન મંગલમ્ શરૂ કરવામાં આવ્યું હતું. આજે મિશનમાં બે લાખ કરતાં વધુ સ્વયં સહાયતા કેન્દ્રો બન્યાં છે અને તેમાં 26 લાખ બહેનો જોડાયેલી છે.
અમારો પ્રયાસ છે દેશની માતાઓ – દીકરીઓ વધુમાં વધુ સંખ્યામાં રોજગાર સાથે જોડાય, પોતાના મનનું કામ કરે. તેમાં મુદ્રા યોજના ઘણી મોટી ભૂમિકા નિભાવી રહી છે. દેશમાં કરોડો બહેનોએ મુદ્રા લોન લઈને પોતાનાં કામ શરૂ કર્યા એટલું જ નહીં પરંતુ અનેક બહેનોએ બીજા બે-ચાર લોકોને પણ રોજગાર આપ્યો.
તેમણે જણાવ્યું કે, સસ્ટેનેબલ ગ્રોથ, સસ્ટેનેબલ એનર્જીની વાતો થઈ રહી છે. દુનિયામાં બેક ટુ બેઝિકનો મંત્ર અપનાવવામાં આવી રહ્યો છે. તેવા સમયે ખાદી ઉપયોગી સાબિત થશે. અહીં ખાદી ઉત્સવમાં આવેલા તમે બધા વિચારતા હશો કે સસ્ટેનેબલ વાત ઉપર જોર કેમ આપું છું. તેનું કારણ છે ખાદી સસ્ટેનેબલ ગ્રોથનું ઉદાહરણ છે. ખાદી આરોગ્યની દૃષ્ટિએ પણ મહત્ત્વની છે. આપણને આપણા આ વારસા ઉપર ગર્વ હોવો જોઇએ. ખાદીનું એક બહુ મોટું બજાર તૈયાર થયું છે. હું જોઈ શકું છું કે દુનિયાના મોટા મોટા ક્લોથ માર્કેટમાં ભારતની ખાદી જોવા મળશે. તમારી મહેનત રંગ લાવશે. ખાદીને લોકલથી ગ્લોબલ થવામાં કોઈ શક્તિ રોકી નહીં શકે.
સાબરતમીના કિનારાથી દેશને અપીલ કરતાં વડાપ્રધાને કહ્યું કે આગામી તહેવારોમાં ખાદીની ચીજો ભેટ આપો. તમારા વોર્ડરોબમાં ખાદીને થોડું સ્થાન આપો. તેનાથી વોકલ ફૉર લોકલને બળ મળશે. વિદેશમાં રહેતા હોય, ત્યાં જતા હોવ તો ભેટ તરીકે ખાદીની એક પ્રોડક્ટ સાથે લઈ જવી જોઇએ. તેનાથી ખાદીને પ્રોત્સાન મળશે, સાથે બીજા દેશોના લોકોમાં ખાદી પ્રત્યે જાગ્રતિ આવશે.
જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલી જાય તે ઈતિહાસ બનાવી શકતો નથી તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, ખાદી આપણો વારસો છે. તેના ઉપર ગર્વ કરીશું તો દુનિયા પણ માન-સનમાન આપશે. આ માટેનું ઉદાહરણ છે રમકડાં. ભારતીય પરંપરાના ભારતીય રમકડાં હવે લોકપ્રિય થઈ રહ્યાં છે. વચ્ચેના ગાળામાં વિદેશી રમકડાંને કારણે ભારતની ટૉય ઈન્ડસ્ટ્રી નષ્ટ પામી રહી હતી. હવે વિદેશી રમકડાં ઓછા આવે છે, સામે ભારતનાં રમકડાં વિદેશમાં જઈ રહ્યા છે. આ બધાનો લાભ નાના નાના લોકોને, ગ્રામ્ય ભારતના કારીગરોને થઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે, હાથશાળની ચીજોની નિકાસ પણ વધી છે. બે લાખ કરતાં વધુ હસ્તશિલ્પ કારીગરો જેમ પોર્ટલથી જોડાયેલા છે. તેઓ તેમનાં ઉત્પાદન સરકારને વેચે છે. કોરોના સમયે હાથશાળ, લઘુ ઉદ્યોગો, એમએસએમની લોકોને સરકારે સહાય કરી હતી.
વડાપ્રધાને દૂરદર્શન પર આવતી સ્વરાજ શ્રેણીનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, દેશની સ્વતંત્રતા માટે કેવો સંઘર્ષ થયો, કોણે બલિદાન આપ્યાં તેને આ શ્રેણીમાં વિસ્તારથી બતાવવામાં આવે છે. યુવાનોએ સ્વરાજ શ્રેણી આખા પરિવાર સાથે જોવી જોઇએ. આપણા પૂર્વજોએ શું કર્યું હતું તે આગામી પેઢીને જોવું જોઇએ.
દેશ ગુજરાત
Recent Stories
- Amit Shah to launch ₹1,024 crore projects in Ahmedabad during Diwali visit
- Kankaria Lakefront to Get Two Made-in-India Toy Trains
- Congress Conspiring to Create Bangladesh-Like Puppet Govt in India: Union Minister in Surat
- CNG Car Blast in Vadodara; 5 Injured as Debris Flies 200 Metres
- Kajal Baraiya Murder: Faizal Sentenced to Life Imprisonment by Bhavnagar Court
- Sakkarbaug Zoo to Exchange Four Asiatic Lions for Six Capuchin Monkeys
