આપ ભી એસી સત્તા કે નશે મેં ડૂબ ગયે હો, એસા લગતા હૈઃ વ્યથિત અન્ના હજારેનો કેજરીવાલને પત્ર

રાલેગણ સિદ્ધિઃ  કેજરીવાલ સરકારની ભ્રષ્ટ અને અનૈતિક શરાબ નીતિ સામે એક તરફ સીબીઆઈ અને ઈડી જેવી કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરી રહી છે ત્યારે બીજી તરફ કેજરીવાલના ગુરુ અન્ના હજારેએ પણ દિલ્હીની શરાબ નીતિ સામે નારાજગી વ્યક્ત કરી છે.

દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનથી પ્રખ્યાત થયેલા હજારેએ કેજરીવાલને બે પાનાનો પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. હજારેએ લખ્યું છે કે, તમે મુખ્યપ્રધાન થયા પછી પહેલી વખત આ પત્ર લખું છું. છેલ્લા થોડા દિવસથી દિલ્હીની રાજ્ય સરકારની શરાબ નીતિ અંગે જે સમાચાર આવી રહ્યા છે એ વાંચીને ઘણું દુઃખ થાય છે.

તેમણે લખ્યું છે કે, છેલ્લા 47 વર્ષથી હું ગ્રામ વિકાસ માટે અને ભ્રષ્ટાચારના વિરોધમાં આંદોલન કરું છું. મહારાષ્ટ્રમાં મારા આંદોલનોને કારણે રાજ્ય સરકારે 10 કાયદા બનાવવા પડ્યા છે. ગામડાંઓમાં ચાલતી 35 ભઠ્ઠી અમે બંધ કરાવી છે. મારા આંદોલન અને કામગીરીથી પ્રભાવિત થઈને તમે અને મનીષ સિસોદિયા મારી સાથે જોડાયા હતા. તમે બંને ઘણી વખત રાલેગણ સિદ્ધિ આવી ચૂક્યા છો.

અન્ના હજારેએ તેમના આ પત્રમાં સૌથી મોટો પ્રહાર કેજરીવાલના બેવડાં ધોરણો ઉપર કર્યો છે. તેમણે લખ્યું કે, રાજકારણમાં જોડાતા પહેલાં તમે “સ્વરાજ” નામે એક પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકની પ્રસ્તાવના તમે મારી પાસે લખાવી હતી.

એ પુસ્તકમાં તમે ગ્રામસભા, શરાબ નીતિ જેવી બાબતો ઉપર મોટી મોટી વાતો લખી હતી. એ વાત યાદ કરાવીને હજારેએ પુસ્તકનો કેજરીવાલે પોતે લખેલો એક હિસ્સો ટાંક્યો છે. અન્ના કહે છે કે તમને એ વાત યાદ કરાવું છું :

“ગામમાં શરાબની લતઃ

સમસ્યાઃ વર્તમાન સમયમાં શરાબની દુકાનો માટે રાજકારણીઓની ભલામણને આધારે અધિકારીઓ દ્વારા લાઇસન્સ આપી દેવામાં આવે છે. તે (અધિકારીઓ) હમેશાં લાંચ લઇને લાઇસન્સ આપે છે. શરાબની દુકાનોને કારણે ઘણી સમસ્યાઓ પેદા થાય છે. લોકોના પારિવારિક જીવન તબાહ થાય છે. મુશ્કેલી એ છે કે જે લોકો તેનાથી સીધે સીધા પ્રભાવિત થાય છે તેમને આ બાબતે કોઈ પૂછતું નથી કે શું શરાબની દુકાનો ખૂલવી જોઇએ કે નહીં? આવી દુકાનો તેમના પર લાદી દેવામાં આવે છે.

સૂચનઃ શરાબની દુકાન ખોલવાનું લાઇસન્સ ત્યારે જ આપવું જોઇએ જ્યારે ગ્રામસભા એ માટે મંજૂરી આપે. તથા ગ્રામસભાની એ બેઠકમાં ત્યાં ઉપસ્થિતિ 90 ટકા મહિલાઓ તેના સમર્થનમાં મત આપે તો. ગ્રામસભામાં ઉપસ્થિતિ મહિલાઓ સામાન્ય બહુમતીથી પ્રવર્તમાન શરાબની દુકાનોના લાઇસન્સ પણ રદ કરાવી શકે.” (સ્વરાજ – અરવિંદ કેજરીવાલના પુસ્તકમાંથી…)

કેજરીવાલની આ વાતોને ટાંકીને હજારેએ કહ્યું કે, તમે પુસ્તકમાં આવી બધી આદર્શ વાતો લખી હતી, પરંતુ રાજકારણમાં જઇને અને મુખ્યપ્રધાન બનીને આ આદર્શ વિચારધારા તમે ભૂલી ગયા છો. દિલ્હીમાં તમારી સરકારે બનાવેલી શરાબ નીતિ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેનાથી શરાબના વેચાણ અને પીનારાઓને પ્રોત્સાહન મળશે. તે સાથે ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળશે. આ બધું પ્રજાના હિતમાં નથી. તેનાથી તો એવું લાગે છે કે જે પ્રકારે શરાબનો નશો હોય છે એવી રીતે સત્તાનો પણ નશો હોય છે. તમે એવી સત્તાના નશામાં ડૂબેલા છો એવું લાગે છે.

અન્નાએ આ ઉપરાંત ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે લોકપાલ અને લોકાયુક્તની લડતનો ઉલ્લેખ કરીને એ બાબતે પણ કેજરીવાલ નિષ્ફળ ગયા હોવાનું પત્રમાં જણાવ્યું છે.

દેશ ગુજરાત