સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના ૩૮ ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા ૩૪૮ કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે.

આ ત્રણ તાલુકાના ૩૮ ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળસ્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો.

મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.

મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ ૩૮ ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા ૩૪૮ કરોડની વહીવટી મંજૂરી આપી છે.

આ યોજના દ્વારા વઢવાણ,મુળી અને સાયલા ત્રણેય તાલુકાના ૩૮ ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આના પરિણામ સ્વરૂપે અંદાજે ૨૭૦૭ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.

તાજેતર ના લેખો