નવરાત્રી સુધીમાં તૂટેલા માર્ગો રીપેર કરી દેવા રાજ્ય સરકારની તાકીદ

નવરાત્રી સુધીમાં તૂટેલા માર્ગો રીપેર કરી દેવા રાજ્ય સરકારની તાકીદ

ગાંધીનગરઃ ચોમાસા દરમિયાન તેમજ અન્ય કારણોસર તૂટી ગયેલા રસ્તાને રિસરફેસ કરવાનું કામ સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં શરૂ કરવા અને નવરાત્રી સુધીમાં એ કામગીરી પૂર્ણ કરી દેવા રાજ્ય સરકારે તાકીદ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં હાલના ચોમાસાની સ્થિતિને કારણે માર્ગોની મરામત માટેની જે જરૂરીયાત ઊભી થઇ છે તેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

તેમણે રાજ્યની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓના વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસાને કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે તે રિસર્ફેસિંગ, રિપેરિંગ અને માર્ગોના નવાં કામો દ્વારા સત્વરે દૂર કરી સ્થિતિ પૂર્વવત્ કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી.

રાજ્યની આઠ મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ તેમ જ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓએ પોતાના કાર્યક્ષેત્રમાં આવેલા વિસ્તારોમાં રસ્તાઓને થયેલા નુકસાન અને મરામત માટે કરવામાં આવેલી કામગીરી તથા આયોજનનો વિસ્તૃત ચિતાર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આપ્યો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત માર્ગો બને તથા ત્રણ વર્ષની ડિફેક્ટ લાયેબલિટીની મર્યાદામાં આવતા માર્ગોનું રિસર્ફેસિંગ, રિપેરિંગ સંબંધિત ઇજારદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા સત્વરે હાથ ધરાય તે માટે અધિકારીઓ કામગીરી પર સતત જાત નિરીક્ષણ કરે અને ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, નાણાના અભાવે જનતા જનાર્દનના આવા પાયાની સુવિધાના કામો અટકે નહીં તે માટે રાજ્ય સરકાર સ્થાનિક સત્તામંડળોની પડખે છે. તેમણે સ્ટેટ હાઇ વે, નેશનલ હાઇ-વે, મુખ્ય જિલ્લા માર્ગો તથા પ્લાન વિલેજ માર્ગોની સ્થિતિની પણ માર્ગ મકાન વિભાગના સચિવ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ એવું પણ સૂચન કર્યું કે, માર્ગોની સંપૂર્ણ વિગતો ઓનલાઇન કરવામાં આવે જેથી નાગરીકોને પારદર્શી રીતે સમગ્ર કામગીરીનો ખ્યાલ આવી શકે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વરસાદ રહી જાય કે ઓછો થાય કે તુરત જ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડીયામાં જ માર્ગ મરામતના કામો હાથ ધરાય અને નવરાત્રી સુધીમાં નગરો-મહાનગરોમાં માર્ગોની સ્થિતિ પૂર્વવત થઇ જાય તેવી સ્પષ્ટ સૂચના આપી હતી.

દેશ ગુજરાત