ભારતની સૌપ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલનો કેજરીવાલનો દાવો પણ સદંતર ખોટો નીકળ્યો

ભારતની સૌપ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલનો કેજરીવાલનો દાવો પણ સદંતર ખોટો નીકળ્યો

નવી દિલ્હીઃ જાહેરાત-જીવી અરવિંદ કેજરીવાલે વધુ એક પોકળ દાવો કર્યો કે પોતે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરશે. તેમની આ જાહેરાતને જાહેરખબરો ઉપર નભતાં મીડિયાએ પણ કશી ખરાઈ કર્યા વિના ફેલાવવાનું શરૂ કરી દીધું. પરંતુ સોશિયલ મીડિયાના આ જમાનામાં અનેક એવા રાષ્ટ્રવાદીઓ છે થોડી મિનિટમાં કે થોડા કલાકમાં જ કેજરીવાલનાં જૂઠાણાં પકડી પાડે છે.

આશ્ચર્યની વાત એ છે કે, કેજરીવાલ ભારતના ઈતિહાસની પહેલી વર્ચ્યુઅલ સ્કૂલ દિલ્હીમાં શરૂ થશે એવા ખોટા દાવાને જે મીડિયાએ ચગાવ્યા છે એ જ મીડિયાએ આજથી બે વર્ષ પહેલાં એટલે કે 2020માં ઉત્તરાખંડમાં દેશની પ્રથમ વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ થયા હોવાના સમાચારો પ્રકાશિત કર્યા હતા.

વાસ્તવમાં, ઑક્ટોબર 2020માં ભાજપ શાસિત ઉત્તરાખંડમાં દેશની પ્રથમ સંપૂર્ણ વર્ચ્યુઅલ સ્કૂલનો પ્રારંભ થયો હતો. ઉત્તરાખંડના તે સમયના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે આ સ્કૂલનું ઉદ્દઘાટન કર્યું હતું.

એટલું જ નહીં પરંતુ ઑગસ્ટ 2021માં, અર્થાત આજથી પૂરા એક વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી સરકારે વર્ચ્યુઅલ સ્કૂલની દિશામાં કામગીરી શરૂ કરી દીધી હતી. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ અંગેની જાહેરાત કરી હતી કે નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત દેશમાં વર્ચ્યુઅલ સ્કૂલ શરૂ કરવામાં આવશે.

ઉત્તરાખંડની આ વર્ચ્યુઅલ સ્કૂલમાં કેજીથી લઇને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્કૂલમાં અભ્યાસના પરંપરાગત વિજ્ઞાન, ગણિત સહિતના વિષયો ઉપરાંત સંસ્કૃત અને વૈદિક ગણિતના વિષયો પણ પસંદ કરવાની સ્વતંત્રતા છે. ઉત્તરાખંડની આ વર્ચ્યુઅલ સ્કૂલ સીઝ ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂટ કરે છે જેનું જોડાણ કેમ્બ્રિજ બોર્ડ સાથે છે.

સ્કૂલના સ્થાપક રીના પ્રકાશ ત્યાગીએ ત્યારે મીડિયાને કહ્યું હતું કે, ભારતમાં આ અમારી સૌપ્રથમ સંપૂર્ણ વર્ચ્યુઅલ હોમ સ્કૂલ છે. આવી સ્કૂલ પરંપરાગત શાળા શિક્ષણનો વિકલ્પ પૂરો પાડે છે અને વિદ્યાર્થીઓને તેમને ગમતા વિષયો પસંદ કરવાનો વિકલ્પ હોવાથી તેમનામાં અભ્યાસ માટે આત્મવિશ્વાસ જાગે છે.

આ ઉપરાંત ભારતમાં ઓછામાં ઓછી બે ખાનગી સંસ્થાઓ- K-8 સ્કૂલ અને 21-K સ્કૂલ છે જે વર્ચ્યુઅલ હોમ સ્કૂલિંગના ક્ષેત્રમાં કાર્યરત છે. 21-K સ્કૂલ ફાઉન્ડેશન કર્ણાટકના બેંગલુરુમાં સંચાલિતછે જ્યારે K-8 સ્કૂલનું સંચાલન દિલ્હીથી થાય છે.

દેશ ગુજરાત