વૈશ્વિક અર્થતંત્રની ઊથલપાથલમાં ભારતીય રૂપિયાને સૌથી ઓછી અસર

વૈશ્વિક અર્થતંત્રની ઊથલપાથલમાં ભારતીય રૂપિયાને સૌથી ઓછી અસર

મુંબઈઃ પહેલાં કોરોના અને લૉકડાઉનને કારણે અને ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્ર ડામાડોળ થઈ ગયું છે. અમેરિકી ડૉલરની કિંમતમાં 20 વર્ષનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે, જેને પરિણામે બ્રિટન, જાપાન, ચીન અને સિંગાપોર સહિત દુનિયાના અનેક દેશના ચલણને ઘસારો પહોંચ્યો છે. ઊથલપાથલની આ સ્થિતિમાં ભારતીય રૂપિયાને પણ અસર થઈ છે પરંતુ એ અસર સાવ નજીવી છે. ભારતીય રૂપિયાને સાવ નજીવો અર્થાત માત્ર -0.2 ટકાનો ઘસારો પડ્યો છે.

એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ વૈશ્વિક અર્થતંત્રની આ અનિશ્ચિત સ્થિતિ દરમિયાન ભારતીય રિઝર્વ બેંકે સમયસર પગલાં લીધાં હોવાને કારણે ભારતીય રૂપિયાને સાવ નજીવો ઘસારો પહોંચ્યો છે. આ અહેવાલ મુજબ ભારત પાસે વિદેશી હુંડિયામણનો જથ્થો એટલી વિપુલ માત્રામાં છે કે હજુ ઓછામાં ઓછા બેથી ત્રણ વર્ષ ભારતના અર્થતંત્રને કોઈ આંચ આવે તેમ નથી.

વૈશ્વિક બજારમાં 31 જુલાઈથી 31 ઑગસ્ટના સમયગાળામાં અમેરિકી ડૉલરની સામે નબળા પડનારા ચલણમાં સ્વીડિશ ક્રોન સૌથી આગળ છે. સ્વીડિશ ક્રોનને સૌથી મોટો -5.2 ટકાનો ઘસારો પડ્યો છે. તો બીજા ક્રમે આ જ સમયગાળામાં બ્રિટિશ પાઉન્ડને -4.5 ટકાનો ઘસારો પહોંચ્યો હતો. દુનિયાના જે અગત્યના દેશોના ચલણને અસર પડી હોય તેવા અન્ય દેશોમાં જાપાનના યેન, દક્ષિણ કોરિયાના વોન, દક્ષિણ આફ્રિકાના રેન્ડ, યુરો, ચીનના રેનમિંબી, ફિલિપિન્સના પેસો, તાઇવાનના ડૉલર, તુર્કના ઈરા, સિંગાપોર ડૉલર, મલેશિયન રિંગિટનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૌથી ઓછી અસર થઈ હોય તો ભારતીય ચલણને જે -0.2 ટકા છે.

આ ઊથલપાથલની સૌથી ઓછી અસર ભારતીય રૂપિયાને થયું હોવાનું પ્રમાણ ગઈકાલે જ મળી ગયું હતું જ્યારે 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી દર 13.5 ટકા નોંધાયો હતો. ભારતીય અર્થતંત્રની મજબૂતીનું બીજું પ્રમાણ આજે મળ્યું જે અનુસાર ઑગસ્ટ મહિનાનું GST કલેક્શન રૂપિયા 1,46,612 કરોડ થયું છે.

દેશ ગુજરાત