દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા કેજરીવાલ સરકાર સામે છ મુદ્દાનું “આરોપનામું”

દિલ્હીના ઉપરાજ્યપાલ દ્વારા કેજરીવાલ સરકાર સામે છ મુદ્દાનું “આરોપનામું”

નવી દિલ્હીઃ  ખોટા દાવા, ફેક ન્યૂઝ, ભ્રષ્ટાચાર સહિત કેટલાય મુદ્દે બધી બાજુથી ઘેરાઈ ગયેલી કેજરીવાલ સરકાર સામે હવે દિલ્હીના જ ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ પણ જાહેરમાં મોરચો ખોલી દીધો છે. ઉપરાજ્યપાલ સક્સેનાએ સોશિયલ મીડિયા દ્વારા છ (6) મુદ્દા ઉપસ્થિત કરીને કેજરીવાલને તેના વિશે સ્પષ્ટતા કરવા પડકાર ફેંક્યો છે.

સામાન્ય રીતે ઉપરાજ્યપાલો કે રાજ્યપાલો શાસન સાથેના વિવાદમાં પોતે સીધા જાહેરમાં વિવાદી મુદ્દા ઉપસ્થિત નથી કરતા પરંતુ કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીએ એક્સાઇઝ નીતિમાં ફેરફાર કરીને કરેલા શરાબ કૌભાંડ અંગે પોતાનો પક્ષ રજૂ કરવાને બદલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને નિશાન બનાવ્યા, અને તેનાથી છંછેડાયેલા સક્સેનાએ સીધા જ સોશિયલ મીડિયા પર આવીને કેજરીવાલ સરકાર સામે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે એટલું જ નહીં પરંતુ દિલ્હીની રાજ્ય સરકારની કામગીરી ઉપર અત્યાર સુધી ઢંકાયેલો રહેલો પડદો પણ ખોલી નાખ્યો છે.

શરાબ કૌભાંડમાં સપડાયેલી કેજરીવાલ સરકારે એ આક્ષેપમાંથી બચવા ઉપરાજ્યપાલ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી દીધો હતો. આમ આદમી પાર્ટીએ સક્સેના વિરુદ્ધ આક્ષેપ કર્યો હતો કે તેઓ ખાદી બોર્ડમાં હતા ત્યારે રૂપિયા 1400 કરોડનું કૌભાંડ કર્યું હતું. આવા આક્ષેપથી છંછેડાયેલા ઉપરાજ્યપાલે સોશિયલ મીડિયા મારફત કહ્યું કે, બંધારણ અનુસાર અને દિલ્હીના નાગરિકો પ્રત્યેની મારી ફરજને ધ્યાનમાં રાખીને હું કેટલાક મુદ્દા ઉપસ્થિત કરું છું.

સક્સેનાએ પહેલો મુદ્દો એ નોંધ્યો કે, એક્સાઈઝ નીતિમાં ગંભીર અનિયમિતતા હોવાથી મુખ્યપ્રધાનના વડપણ હેઠળની દિલ્હી સરકારની કેબિનેટે એ નીતિ પાછી ખેંચી.

બીજું, દિલ્હીની સરકારી શાળાઓમાં વર્ગોના નિર્માણમાં ગંભીર અનિયમિતતા અંગેના સીવીસી-ના રિપોર્ટ સંદર્ભે કોઈ કાર્યવાહી નહીં કરીને અઢી વર્ષનો વિલંબ કરી દીધો.

ત્રણ, નીતિ વિષયક નિર્ણયોની ફાઇલો પર મુખ્યપ્રધાન કેજરીવાલ પોતે સહી કરતા નથી.

ચોથું, રાજ્યની યુનિવર્સિટીઓમાં સમયસર સીએજી ઑડિટ કરવામાં આવતા નથી.

પાંચ, કેજરીવાલની કેબિનેટની બેઠકો પૂરી થઈ પછી જ હંમેશા મને મીટિંગ થવાની છે એ વિશે જાણકારી આપવામાં આવે છે.

છ, વિદેશી રાજદૂતોની ઓફિસોમાં પાણી પહોંચતું નથી. આ સિવાય પણ બીજા ઘણા મુદ્દા છે તેમ એલજીએ જણાવ્યું છે.

છેલ્લે તેમણે પોતાના પર આમ આદમી પાર્ટીએ લગાવેલા આક્ષેપ સંદર્ભે કહ્યું કે, એક જાહેર પ્રતિનિધિ તરીકે મુખ્યપ્રધાને પ્રજા સમક્ષ પોતાની એ “કળા” વિશે સ્પષ્ટતા કરવી જોઇએ કે નોટબંદી બાદ દિલ્હીના ખાદી ભવનના બે કર્મચારીઓએ રૂપિયા 17 લાખની હેરાફેરી કરવામાં આવી, જેની સીબીઆઈએ પણ નોંધ લીધી હતી તે રૂપિયા 1400 કરોડ કેવી રીતે થઈ ગયા.

દેશ ગુજરાત