જૂનાગઢમાં રાજ્યકક્ષાના કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું લોકાર્પણ

જૂનાગઢમાં રાજ્યકક્ષાના કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડ ઓફિસનું લોકાર્પણ

જૂનાગઢઃ  “વિશ્વ કોકોનેટ ડે” નિમિત્તે કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા જૂનાગઢમાં આજે કોકોનટ બોર્ડની પ્રથમ રાજ્ય કક્ષાની કચેરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ વિશ્વ નાળિયેર દિવસ પર કોચી, કેરળ ખાતે ખેડૂતોને સંબોધિત કર્યા હતા. બાદમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્રના નાળિયેરનું ઉત્પાદન કરતા ખેડૂતોને કેન્દ્રીય તેમણે સંબોધિત કર્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે દેશે અનેક ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર વધે તે માટે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગ દ્વારા કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ દ્વારા દરિયાઇ વિસ્તારમાં વધુને વધુ નાળિયેરનું ઉત્પાદન થાય, નાળિયેરના પાકનું વાવેતર થાય અને નાળિયરેના પાક માટેની વિવિધ સરકારી યોજનાનો લાભ ખેડૂતો મળે તે માટે કામ થઇ રહ્યું છે. આખા દેશમાં ગુજરાતમાં સૌથી મોટો ૧૬૦૦ કિમિનો દરિયા કિનારો હોઇ ભારત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ જૂનાગઢ ખાતે કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે. જેનાથી ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં નાળિયેરીનો પાક વધશે, તેમજ ખેડૂતોને તેનો ફાયદો મળશે. બોર્ડ દ્વારા નાળિયેરીના ખેડૂતોને સહાય આપવા સહિતની યોજનાઓનો લાભ આ અહીંના ખેડૂતોને મળશે. બોર્ડ દ્વારા વધુને વધુ ખેડૂતો સુધી પહોંચી શકાશે. નાળિયેર વિકાસ બોર્ડ એ ખેડૂતો માટે વરદાન સાબિત થશે. નાળિયેર ઉત્પાદનમાં દેશ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાને છે.

જૂનાગઢમાં કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની કચેરી શરૂ થતાં ખેડૂતોને સંશોધનનો લાભ મળશે. વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતોનું સંવર્ધન થશે. ઘર આંગણે નાળિયેરીના સંવર્ધન અને વૃદ્ધિ માટે વિશેષ માર્ગદર્શન મળશે.

કેન્દ્રીય કૃષિપ્રધાને જણાવ્યું હતું કે, નાળિયેર ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં ભારત અગ્રણી દેશ છે. વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતમાં નાળિયેરનું ઉત્પાદન ૧૯૨૪.૭ કરોડ ફળનું હતું. વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનું યોગદાન ૩૧ ટકા છે. દેશમાં પ્રતિ હેકટર દીઠ ૯૪૩૦ ફળ થાય છે. દેશમાં નાળિયરેની ખેતી કુલ ૨૧.૧૦ લાખ હેકટર ક્ષેત્રમાં છે.

ગુજરાતના કૃષિ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ જૂનાગઢ ખાતે “કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડની” કચેરી કાર્યરત કરવાનો નિર્ણય કરાયો છે.

રાજ્યના નાળિયેર પકાવતા ખેડૂતો વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતના ૧૪ જિલ્લામાં દરિયાકિનારો છે. જેમાં માંગરોળ, ચોરવાડ, માળીયા, ગીરસોમનાથ અને પોરબંદર સહિતના દરિયાઈ વિસ્તારમાં નાળિયેરનો પાક  થાય છે. ગુજરાતમાં ૨૬ કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છે. હવે નાળિયેરી બોર્ડ ગુજરાતમાં કાર્યરત કરવાથી તેમાં વધારો થશે. નાળિયેરના ઉત્પાદનને વેગ મળશે. નાળિયેરના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. સાથે જ નાળિયેરના ખેડૂતોની આવક વધશે. ખેડૂતોએ નાળિયેર ક્ષેત્રમાં ઉપલબ્ધ સંભાવનાનો ભરપૂર ફાયદો લેવો જોઈએ. કેસર કેરી બાદ સોરઠ નાળિયેર ક્ષેત્રે પણ અગ્રેસર બનશે તેમ તેમણે જણાવ્યું હતું.

કૃષિમંત્રીએ માહિતી આપી કે, સમગ્ર ગુજરાતમાં નાળિયેરીના પાકનો વાવેતર વિસ્તાર ૨૫ હજાર હેકટર છે જેમાંથી ૨૧૩૧ લાખ કોકોનટનું ઉત્પાદન થાય છે. જે પૈકી ૧૫ હજાર હેકટર વાવેતર વિસ્તાર તો માત્ર જૂનાગઢ – ગીર સોમનાથમાં જ છે. નાળિયેરની ખેતીમાં સમગ્ર ગુજરાતમાં જૂનાગઢ- ગીર સોમનાથ જિલ્લો પ્રથમ સ્થાને છે. જૂનાગઢ જિલ્લામાં ફળોમાં પ્રથમ કેરી અને પછી નાળિયેરનો પાક સૌથી વધુ થાય છે. જિલ્લામાં નાળિયેરનો ૬૩૦૦ હેકટર વાવેતર વિસ્તાર છે. માંગરોળમાં નાળિયેરીના પાક માટેના રોપાઓ રોપ ઉછેર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવે છે. ગુજરાતમાં પ્રતિ હેકટર નાળિયેરની ઉત્પાદકતા ૮૫૪૨ છે.

કોકોનેટ ડેવલપમેન્ટ બોર્ડના જોઇન્ટ સેક્રેટરી ડો.વિજયા લક્ષ્મીએ વર્ચ્યુઅલ પ્રાસંગીક પ્રવચન કરતાં કહ્યું હતું કે, નાળિયેરના પાક માટે દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારો અગત્યના છે. શાસ્ત્રોમાં પુરાણકાળથી નારિયેળના વૃક્ષોનો ઉલ્લેખ જોવા મળે છે. લોકજીવનમાં લગ્ન ગીતોથી માંડી કહેવતોમાં નાળિયેર જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી સાથે રહેલા નાળિયેરને “શ્રીફળ” એટલે લક્ષ્મીજીનું ફળ શુકનવંતુ મનાય છે. આ વૃક્ષના તમામે તમામ ભાગોનો એક યા બીજી રીતે ઉપયોગ થતો હોય તેને “કલ્પવૃક્ષ” અથવા “સ્વર્ગનું વૃક્ષ” પણ કહેવાય છે. હવે નાળિયેર બોર્ડ દ્વારા દેશભરમાં નાળીયેરની ખેતીનો વ્યાપ વધારવાનું કામ થઈ રહ્યું છે.

ભારત સરકારના કૃષિ વિભાગના બાગાયત કમિશનર ડો. પ્રભાતકુમારે જણાવ્યું હતું કે નાળિયેર પકવતા ખેડૂતોને કેન્દ્ર સરકાર દ્વારા બોર્ડના માધ્યમથી ₹6,500 સુધીની પ્રતિ હેક્ટર સબસીડી મળે છે. ગુજરાતમાં 26 કરોડ નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન થાય છે.

દેશ ગુજરાત