નરેન્દ્ર મોદી હજુ ઓછામાં ઓછી બે મુદત સુધી વડાપ્રધાનપદે રહેવા જોઇએઃ દીપક પારેખ

નરેન્દ્ર મોદી હજુ ઓછામાં ઓછી બે મુદત સુધી વડાપ્રધાનપદે રહેવા જોઇએઃ દીપક પારેખ

મુંબઈઃ  કોંગ્રેસ સહિત વિરોધપક્ષો અને તેમના સમર્થકોને વર્તમાન કેન્દ્ર સરકારની કોઈ કીમત હોય કે ન હોય, પરંતુ અર્થતંત્રના ટોચના નિષ્ણાતો સારી રીતે જાણે છે કે નરેન્દ્ર મોદી સરકારે આ દેશનું ભાવિ બદલવાની દિશામાં કેટલી મોટી કામગીરી કરી છે.

આવા જ એક ટોચના આર્થિક બાબતોના નિષ્ણાત દીપક પારેખનું કહેવું છે કે, દેશમાં સંપૂર્ણ પરિવર્તન માટે નરેન્દ્ર મોદી હજુ બે મુદત સુધી વડાપ્રધાનપદે રહે એ જરૂરી છે. દેશની અગ્રણી ફાઇનાન્સ કંપની એચડીએફસીના ચેરમેન દીપક પારેખ સ્વીકારે છે કે, છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધપાત્ર કામગીરી કરી છે.

“માનનીય વડાપ્રધાને ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે. તેમનો એકમાત્ર રસ ભારતને પ્રગતિ કરતો જોવાનો છે અને એવું થાય તે માટે તેઓ તેમનો સંપૂર્ણ સમય આપી રહ્યા છે” તેમ દીપક પારેખે અભ્યુદય વાત્સલ્યમ્ સામયિક દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, લોકશાહીમાં મજબૂત વિરોધપક્ષ હોય એ જરૂરી છે, પરંતુ વર્તમાન સમયમાં આવું કશું દેખાતું નથી એવો તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો.

નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી- બેમાંથી એકની પસંદગી વિશેના પ્રશ્નના જવાબમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આ બાબતે વિચારવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. પસંદગી એકદમ સ્પષ્ટ જ છે.

દીપક પારેખના મતે સ્પષ્ટ બોલવા બાબતે લોકો ડરે છે એવી સર્વસામાન્ય ધારણા છે, પરંતુ વ્યક્તિનો અંતરાત્મા શુદ્ધ હોય તો ડરવાનું કોઈ કારણ નથી.

એચડીએફસીના ચેરમેને જણાવ્યું કે, વર્તમાન સમયનું ભારત મને આશાવાદી બનાવે છે અને આગામી 25 વર્ષ દેશ માટે શ્રેષ્ઠ સાબિત થશે. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયેલા ઘણા યુવાનો દેશમાં પરત આવવા તત્પર છે કેમ કે હવે તેમને અહીં તકો દેખાય છે.

ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલાં જ દીપક પારેખે એક બિઝનેસ ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર બાબતે પોતે હાલ જેટલા આશાવાદી છે એટલા અગાઉ ક્યારેય નહોતા.

દેશ ગુજરાત