સિંચાઇથી વંચિત નળકાંઠાના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧૫ હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ મળશે

સિંચાઇથી વંચિત નળકાંઠાના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧૫ હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ મળશે

ગાંધીનગરઃ  નળકાંઠાના સિંચાઇ વંચિત ૧૧ ગામોના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧પ હેક્ટર જમીન વિસ્તારને પણ સિંચાઇ માટે નર્મદા જળ મળતું થશે. સિંચાઈના પાણીથી વંચિત આ 1700 ખેડૂતોની મુશ્કેલીને હલ કરવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહે જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી આ બાબતે વિચારણા કરી હતી. બેઠકમાં નળકાંઠાના ૩ર જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લેવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અભિગમ દાખવીને આ સમસ્યાના ત્વરિત નિવારણ માટે રાજ્ય સરકારને યોગ્ય વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી. તેને પગલે  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠાના આ બધા જ ‘નો સોર્સ વિલેજ’ ને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે.

ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણયના પરિણામ સ્વરૂપે હવે નળકાંઠાના સિંચાઇ વંચિત ૧૧ ગામોના ૧૭૦૦ ખેડૂતોની ૯૪૧પ હેક્ટર જમીન વિસ્તારને પણ સિંચાઇ માટે નર્મદા જળ મળતું થશે.

રાજ્ય સરકારે તાજેતરમાં જ ફતેવાડી-ખારીકટ યોજનાઓના પિયત વિસ્તારના ૧૧૧ ગામોને નર્મદા યોજના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરેલો છે. આ ૧૧૧ ગામોમાં નળકાંઠાના ૨૧ ગામોનો પણ સમાવેશ થઇ ગયો છે. નળકાંઠાના કુલ ૩ર ગામોમાંથી પિયત વિસ્તારથી બાકાત રહી ગયેલા ૧૧ ગામોને પણ હવે નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દેશ ગુજરાત