બ્રિટનને પાછળ છોડી ભારત પાંચમી આર્થિક મહાસત્તા

બ્રિટનને પાછળ છોડી ભારત પાંચમી આર્થિક મહાસત્તા

મુંબઈઃ  પાંચમી આર્થિક મહાસત્તા બનવાની દિશામાં ભારતે શુક્રવારે પહેલું ડગ ભર્યું હતું. આઈએમએફના આંકડાને ટાંકીને બ્લુમબર્ગે અહેવાલ આપ્યો હતો કે અર્થતંત્રના કદની દૃષ્ટિએ ભારત પાંચમા સ્થાને પહોંચી ગયું છે અને બ્રિટન છઠ્ઠા સ્થાને ધકેલાઈ ગયું છે.

ભારતીય અર્થતંત્રનો વિકાસદર આ વર્ષે સાત ટકા કરતાં વધુ રહ્યો છે. એ વિકાસદરને ડૉલરના એક્સચેન્જ રેટ અનુસાર ગણવામાં આવે તો છેલ્લા ત્રિમાસિક ગાળાના છેલ્લા દિવસે ભારતના અર્થતંત્રનું કદ 845.7 અબજ ડૉલરે પહોંચ્યું હતું, તેની સામે બ્રિટનના અર્થતંત્રનું કદ 816 અબજ ડૉલર હતું.

આ તમામ આંકડાને આધારે આઈએમએફે અગાઉ અંદાજ આપ્યો હતો કે આ વર્ષે ભારતનું અર્થતંત્ર બ્રિટનથી આગળ નીકળી જશે. અને તે સાથે ભારત હવે અમેરિકા, ચીન, જાપાન અને જર્મની પછી પાંચમા ક્રમે પહોંચ્યું છે.

ભારત સરકારનો અંદાજ છે કે 2022-23માં દેશના અર્થતંત્રનો વિકાસદર 7થી 7.5 ટકા રહેશે. ભારતે 2021-22માં 8.7 ટકાનો વિકાસદર હાંસલ કર્યો હતો. દેશના નાણાસચિવ ટી.વી. સોમનાથને જણાવ્યું હતું કે, ભારતનો વિકાસદર 7.4 ટકાનો રહેવાની અમારી ગણતરી છે. એટલો વિકાસદર હાંસલ કરી લઈશું.

યાદ રહે બે દિવસ પહેલાં જ ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જાહેર થયા હતા તે અનુસાર એપ્રિલથી જૂનના ગાળામાં ભારતને 13.5 ટકાનો સરેરાશ જીડીપી દર હાંસલ કર્યો હતો.

આ તમામ આંકડા અને વિકાસદરની ગતિને આધારે આઈએમએફ તેમજ બ્લુમબર્ગનો અંદાજ છે કે 2027માં ભારત નિશ્ચિતપણે બ્રિટનને હટાવીને પાંચમી આર્થિક મહાસત્તાનું સ્થાન હાંસલ કરી લેશે.

નાણાસચિવે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રના કદમાં 36.85 લાખ કરોડનો વધારો થયો હતો, જે ગત વર્ષની સરખામણીમાં 13.5 ટકા વધારે હતો જ્યારે 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળા કરતાં 3.8 ટકાનો વધારો નોંધાયો હતો.

દેશ ગુજરાત