આમ આદમી પાર્ટીના નેતાઓના 3 કલાક હોટેલ રોકાણનું રૂ. 2.18 લાખનું બિલ પંજાબ સરકારે ચૂકવ્યું

આમ આદમી પાર્ટીના નેતાઓના 3 કલાક હોટેલ રોકાણનું રૂ. 2.18 લાખનું બિલ પંજાબ સરકારે ચૂકવ્યું

જલંધરઃ આમ આદમી પાર્ટીના નેતાઓ કઈ હદે પ્રજાના નાણા વેડફે છે તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. કટ્ટર ઈમાનદારીના પ્રમાણપત્રો જાતે જ બનાવીને જાતે જ વહેંચતા આમ આદમી પાર્ટીના નેતાઓ કઈ હદે વૈભવી જીવનશૈલી ભોગવે છે એનું પ્રમાણ પંજાબને મળી ગયું છે.

અહેવાલ મુજબ ગત 15 જૂને જલંધરથી એરપોર્ટ સુધીની લક્ઝરિયસ વોલ્વો બસને લીલી ઝંડી બતાવવા કેજરીવાલ ઉપરાંત પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન સહિત નેતાઓ પહોંચ્યા હતા. ત્યાં એક ફોરસ્ટાર હોટેલમાં ત્રણ કલાક માટે રોકાણ કર્યું હતું. આટલા ટૂંકા સમયનું હોટેલ રોકાણનું બિલ રૂપિયા 2.18 લાખ આવ્યું હતું જેની ચૂકવણી કરવા આમ આદમી પાર્ટીએ એ બિલ પંજાબ સરકારને મોકલી આપ્યું હતું.

હોટેલે જે બિલ આપ્યું છે તેનો એક ફોટો વાયરલ થયો છે, તે અનુસાર કેજરીવાલે હોટેલમાં પીધેલા સૂપની કિંમત રૂપિયા 3059 હતી.

પંજાબના આરટીઆઈ એક્ટિવિસ્ટ જસપાલ માન દ્વારા ફોર સ્ટાર હોટેલમાં આપ-ના નેતાઓના રોકાણના ખર્ચ બાબતે માહિતી માગવામાં આવી હતી. આ આરટીઆઈના જવાબમાં જલંધર જિલ્લા વહીવટીતંત્રે માત્ર હોટેલ બિલની જ માહિતી આપી હતી. તે અનુસાર હોટેલે કેજરીવાલ સહિત નેતાઓના ત્રણ કલાકના રોકાણ માટે રૂપિયા 2.18 લાખનું બિલ આપ્યું હતું.

બિલની વિગતો અનુસાર, છ રૂમનું ભાડું રૂપિયા 1.27 લાખ તથા 28 વ્યક્તિઓના લંચના રૂપિયા 80,902 નું બિલ થયું હતું. હોટેલે આપેલા બિલ અનુસાર કેજરીવાલના રૂમ અને રૂમ સર્વિસનો ચાર્જ રૂપિયા 17,788, ભગવંત માનના રૂમનો ચાર્જ રૂપિયા 22,788, દિલ્હીના ટ્રાન્સપોર્ટ મંત્રી કૈલાસ ગેહલોતના રૂમનો ચાર્જ રૂપિયા 15,460, પર્વેશ ઝાના રૂમનો ચાર્જ 22,416 અને કેજરીવાલના અંગત સચિવના રૂમનો ચાર્જ રૂપિયા 8,602 દર્શાવવામાં આવ્યો હતો.

આરટીઆઈ એક્ટિવિસ્ટે આ વિગતો શૅર કરતાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ જે ફોરસ્ટાર હોટેલમાં રોકાયા હતા ત્યાંથી સાવ નજીક સરકારી ગેસ્ટહાઉસ છે. છતાં આમ આદમીના નામે બણગાં ફૂંકતા કેજરીવાલ – ભગવંત માન તથા અન્યો ફોરસ્ટાર વૈભવી હોટેલમાં રોકાયા હતા.

દેશ ગુજરાત