જૂની પેન્શન યોજના રાજ્ય સરકારોની આર્થિક કમર તોડી નાખશેઃ આર્થિક નિષ્ણાતો નવી પેન્શન યોજનાની તરફેણમાં

જૂની પેન્શન યોજના રાજ્ય સરકારોની આર્થિક કમર તોડી નાખશેઃ આર્થિક નિષ્ણાતો નવી પેન્શન યોજનાની તરફેણમાં

ગાંધીનગરઃ  રાજસ્થાનમાં જૂની પેન્શન યોજનામાં રાજ્ય સરકારની આવકનો 56 ટકા હિસ્સો પેન્શનમાં જાય છે. આ રીતે રાજ્યની છ ટકા વસ્તી, જેમાં સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે તે રાજ્યની આવકના 56 ટકાનો લાભ લે છે.

રાજ્યમાં હાલ પેન્શન યોજનાને લઇને વિવિધ સંગઠનોએ, ખાસ કરીને શિક્ષક મંડળોએ બાંયો ચડાવી છે. જોકે, આ સ્થિતિ માત્ર ગુજરાતમાં જ નહીં અન્ય રાજ્યોમાં પણ પ્રવર્તી રહી છે. ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ સહિત દેશના અમુક રાજ્યોમાં કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માગણી સાથે આંદોલન કરી રહ્યા છે.

જોકે, જૂની પેન્શન યોજના રાજ્યો અને કેન્દ્ર સરકાર માટે લાંબાગાળે અસાધારણ આર્થિક બોજ સમાન બની શકે તેમ હતી. અને એટલે જ વર્ષ 2004માં તત્કાલીન અટલ બિહારી વાજપેયી સરકારે નવી પેન્શન યોજના લાગુ કરી હતી. તે સમયે આ યોજના સ્વૈચ્છિક હતી, અર્થાત દેશના વિવિધ રાજ્યોએ તે લાગુ કરવી કે નહીં અથવા ક્યારે કરવી તેનો વિકલ્પ આપવામાં આવ્યો હતો અને તેથી ઘણાં રાજ્યોએ તબક્કાવાર નવી પેન્શન યોજના લાગુ કરી હતી.

— બંને યોજના વચ્ચે તફાવત શું છે?

જૂની પેન્શન યોજનામાં કર્મચારીઓને એ વિકલ્પ ઉપલબ્ધ હતો કે તેઓ તેમના વેતનમાંથી પોતે ઈચ્છે એટલી રકમ પેન્શન માટે કપાવી શકે. અને તેમણે જે રકમ પસંદ કરી હોય એટલી રકમ સરકાર અથવા એમ્પ્લોયર તરફથી જમા કરાવવામાં આવે. જૂની યોજના હેઠળ કર્મચારી નિવૃત્ત થાય ત્યારે તેને તેની જમા થયેલી કુલ રકમનો 50 ટકા હિસ્સો તરત જ આપી દેવામાં આવે, જ્યારે બાકીની રકમ જમા રહે અને કર્મચારીના છેલ્લા વેતનના 50 ટકા લેખે તેને આજીવન પેન્શન મળે.

જ્યારે નવી યોજનામાં કર્મચારીના વેતનની લઘુતમ 10 ટકા રકમ પેન્શનમાં જમા થાય છે. અને કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે તેને જમા થયેલી કુલ રકમના 50 ટકા આપવામાં આવે અને બાકીની રકમ પેન્શન ફંડ તરીકે જમા રહે. અહીં અગાઉની યોજના કરતાં સૌથી મોટો તફાવત એ છે કે, કર્મચારીની જે 60 ટકા રકમ જમા રહી તેનું ઇક્વિટી બજારમાં રોકાણ કરવામાં આવે છે. એ રોકાણ ઉપર જે આવક થાય તે અનુસાર કર્મચારીને પેન્શન મળે છે. અર્થાત કર્મચારીના રકમના થયેલા મૂડીરોકાણ ઉપર નફો થયો હોય તો તેને વધારે પેન્શન મળે છે, અને નફો ન થયો હોય તો ઓછી રકમ મળે.

કોને લાભ, કોને નુકસાન?

જૂની અને નવી પેન્શન યોજનાઓની ચર્ચા આર્થિક લાભા-લાભના આધારે થાય છે. કર્મચારીઓ માત્ર પોતાનું જ હિત વિચારતા હોવાથી તેમને જૂની પેન્શન યોજના સારી લાગે છે. પરંતુ આર્થિક નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે, જૂની પેન્શન યોજના લાંબા ગાળે રાજ્યોની તેમજ કેન્દ્ર સરકારની આર્થિક કમર તોડી નાખી શકે એમ છે.

આ મુદ્દાને સરળ ભાષામાં એ રીતે સમજી શકાય કે, દર વર્ષે રાજ્યો અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોટી સંખ્યામાં નિવૃત્ત થાય છે. એટલે કે પ્રતિવર્ષ પેન્શન મેળવનારા લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે, તેની સામે રાજ્યોની અને કેન્દ્રની આવકનાં સાધનો તો નક્કી જ છે, તેમાં વધારો થતો નથી.

વર્ષો વર્ષ રાજ્યો અને કેન્દ્રના પેન્શન બિલમાં વધારો થતો જ રહે છે. ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ ભારતીય સ્ટેટ બેંકના અર્થશાસ્ત્રીઓએ ચાલુ વર્ષે એટલે કે માર્ચ 2022માં એક અહેવાલ તૈયાર કર્યો હતો તે અનુસાર (https://timesofindia.indiatimes.com/business/wealth/retirement-planning/explained-why-nps-is-better-than-indias-old-pension-scheme/articleshow/90424945.cms  ) જો જૂની પેન્શન યોજના ચાલુ રહે તો રાજ્યોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ શકે તેમ છે. અહેવાલ અનુસાર આજની તારીખે રાજ્યોના ખર્ચનો સરેરાશ 56 ટકા હિસ્સો પગાર, પેન્શન અને વ્યાજની ચૂકવણીમાં જાય છે. આ સંજોગોમાં રાજ્યો પાસે વિકાસની મોટી યોજનાઓ શરૂ કરવા પૂરતા નાણા રહેતા નથી. અમુક રાજ્યોમાં તો આ રકમનું પાણી નાકથી ઉપર જઈ રહ્યું છે. અર્થાત પંજાબ, કેરળ, પશ્ચિમ બંગાળ તથા આંધ્રપ્રદેશ જેવાં રાજ્યોમાં રાજ્ય સરકારોની આવકનો 70 ટકા કરતાં વધુ હિસ્સો પગાર, પેન્શન અને વ્યાજની ચૂકવણીમાં જ વપરાઈ જાય છે.

આ સંદર્ભમાં ફર્સ્ટઈન્ડિયાનો એક અહેવાલ જણાવે છે કે, રાજસ્થાન સરકાર જૂની યોજના લાગુ કરવા માગે છે પણ તેનાથી રાજસ્થાન સરકારની તિજોરી ઉપર રૂપિયા 39,000 કરોડનો બોજ આવી શકે તેમ છે કેમ કે કર્મચારીઓના જમા થયેલા નાણા તેણે ચૂકવવા પડે.

આઉટલૂક ઈન્ડિયાએ બેંકબજાર.કૉમના સીઈઓ અદીલ શેટ્ટીને એમ કહેતા ટાંક્યા છે કે, જૂની પેન્શન યોજના ચાલુ રાખવામાં આવે તો સરકારોએ વિકાસ કામો માટેની પ્રાથમિકતાઓ અંગે ફેરવિચારણા કરવી પડે, કેમ કે મોટાભાગની રકમ પગાર, પેન્શન અને વ્યાજની ચૂકવણીમાં ચાલી જાય. એથી વિરુદ્ધ નવી પેન્શન યોજનામાં રાજ્ય સરકારો પાસે વિકલ્પ પસંદ કરવાની છૂટ રહી શકે છે.

દેશ ગુજરાત