સ્નાતક – અનુસ્નાતક કક્ષાએ જનરલ નોલેજનો મરજિયાત વિષય દાખલ થશે

સ્નાતક – અનુસ્નાતક કક્ષાએ જનરલ નોલેજનો મરજિયાત વિષય દાખલ થશે

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી શૈક્ષણિક વર્ષથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જનરલ નોલેજનો વિષય દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત આજે રાજ્યના શિક્ષણપ્રધાન જિતુભાઈ વાઘાણીએ કરી હતી. જોકે, આ વિષય મરજિયાત વિષય તરીકે રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

જિતુભાઈએ આ જાહેરાત કરતાં ટ્વિટ કરી હતી કે, “વિદ્યાર્થીઓ GPSC, UPSC, SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરી શકે, યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમાં શૈક્ષણિક વર્ષ 2023-24થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.”

ગુજરાત સરકારનો આ નિર્ણય મહત્ત્વનો સાબિત થઈ શકે છે કેમ કે તેને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસના ભાગરૂપે જ જનરલ નોલેજ મેળવીને યુપીએસસી તેમજ જીપીએસસીની તૈયારી કરી શકશે.

અત્યારે આ બંને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને અલગથી તૈયારી કરવી પડે છે. એટલું જ નહીં પરંતુ એ માટે અલગથી સમય ફાળવવો પડતો હોવાથી તેમની પાસે અન્ય પ્રવૃત્તિઓ માટે સમય રહેતો નથી. જોકે, હવે રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના વિદ્યાર્થીઓને રાહત મળશે એવું માનવામાં આવે છે.

દેશ ગુજરાત