મફતની યોજનાઓ અર્થતંત્રના વિનાશનો પાસપોર્ટ છે

મફતની યોજનાઓ અર્થતંત્રના વિનાશનો પાસપોર્ટ છે

નવી દિલ્હીઃ  ભારત રાજ્યોનો એક સંઘ છે, વિવિધ રાજ્યોનું સંગઠન નહીં. પરિણામે કેન્દ્રની આર્થિક સ્થિરતાનો આધાર કેન્દ્ર અને રાજ્યો– એમ બંનેના સંયુક્ત અર્થતંત્ર ઉપર રહેલો છે. આ વિષય ઉપર પંદરમા નાણાપંચના અધ્યક્ષ એન.કે.સિંહ એક લેખ દ્વારા એ બાબત સાબિત કરી છે કે, અમુક રાજકીય પક્ષો દ્વારા મફત વીજળી, મફત પાણી, મહિલાઓ અને બેરોજગારોને નાણાકીય સહાય જેવાં વચનો આપવામાં આવે છે એ પગલાં નિશ્ચિતપણે આર્થિક બેહાલી તરફ લઈ જશે.

એન.કે.સિંહ કહે છે કે, હમણાં થોડ સમયથી અમુક રાજકીય પક્ષો મફતની યોજનાઓની વાતો કરે છે પણ તેમાં ઘણાં જોખમ રહેલાં છે. મફતની યોજનાઓ શબ્દ બાબતે ઘણો ગૂંચવાડો પ્રવર્તે છે. આપણે વિશે સામગ્રી અને જાહેર સામગ્રી વચ્ચેનો તફાવત સમજવો પડશે. આવી સામગ્રી ઉપર થતા ખર્ચથી સર્વગ્રાહી લાભ થતો હોય છે. તેનાં ઉદાહરણો જોઇએ તો જાહેર વિતરણ વ્યવસ્થાને મજબૂત કરવી અને વધુ વ્યાપક બનાવવી, રોજગાર ગેરન્ટી યોજનાઓ, શિક્ષણ માટે મદદ તથા આરોગ્ય માટે ફાળવણી વધારવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

વાત એમ છે કે, મફતની વહેંચણીની યોજનાઓ કેટલી સસ્તી છે એ મુદ્દો નથી પરંતુ ખરો મુદ્દો એ છે કે લાંબા ગાળે આવી મફતની યોજનાઓ અર્થતંત્રને, જીવનની ગુણવત્તાને તથા સામાજિક સંવાદિતાને કેટલીક નુકસાનકારક સાબિત થાય છે. આપણે મફતની યોજનાઓની સ્પર્ધાના રાજકારણનો ત્યાગ કરવો પડશે. આપણે ઊંચો આર્થિક વિકાસદર હાંસલ કરવાની દિશામાં આગળ વધવું પડશે. ક્ષમતાની સ્પર્ધા થશે તો એ સમૃદ્ધિની દિશામાં આગળ લઈ જશે.

આ માટેનાં કેટલાંક કારણ છે. એક, મફતની યોજનાઓથી અર્થતંત્રની સ્થિરતાના મૂળભૂત માળખાને નુકસાન પહોંચે છે. મફતની યોજનાઓનું રાજકારણ ખર્ચની પ્રાથમિકતાઓને ખોરવી નાખે છે. મફતના રાજકારણમાં મોટાભાગની રકમ મુખ્યત્વે એક યા બીજા પ્રકારની સબસિડી ઉપર ખર્ચાઈ જાય છે. આ સંજોગોમાં પહેલેથી દેવા હેઠળ દબાયેલાં રાજ્યોની નાણાકીય સ્થિરતાનું શું થશે?

આ વાતને ઉદાહરણ સાથે સમજીએ તો, પંજાબના કિસ્સામાં કેટલાક લોકોએ ધારણા બાંધી હતી કે મફતની યોજનાઓનો અમલ કરવાનો ખર્ચ રૂપિયા 17,000 કરોડ થશે. પંજાબના ડેટ રેશિયો ઉપર તેની અસર વિશે વિચારીએ તો રાજ્ય સરકારની જીડીપી ઉપર ત્રણ ટકાનું વધારાનું ભારણ પડે. હવે આપણે તો જાણીએ છીએ કે 2021-22 માટે પંજાબનો ડેટ-જીડીપી રેશિયો 53.3 ટકાએ પહોંચી જ ગયો છે, તેના ઉપર નવી મફતની યોજનાઓથી હજુ વધુ ભારણ વધી જશે.

બીજું, મફતની યોજનાઓ એ ખર્ચની પ્રાથમિકતાઓને ખોરવી નાખે છે. દા.ત. જૂની પેન્શન યોજનાને બદલે નવી પેન્શન યોજનાનું ઉદાહરણ લઇએ. રાજસ્થાને જૂની પેન્શન યોજના તરફ પાછા વળવાની જાહેરાત કરેલી છે. આ નિર્ણય નુકસાનકારક સાબિત થશે કેમ કે જૂની પેન્શન યોજનાનો ફરી અમલ કરવાથી રાજ્ય સરકાર ઉપર ભારણ વધી જશે. હાલની સ્થિતિએ રાજસ્થાન સરકારની આવકનો 56 ટકા હિસ્સો માત્ર વેતન અને પેન્શન ચૂકવવામાં જ વપરાઈ જાય છે. આ રીતે જોઇએ તો રાજ્યની વસ્તીના છ (6) ટકા લોકો રાજ્યની આવકના 56 ટકા રકમ લઈ જાય છે.

ત્રીજું, સામાજિક સમાનતા માટે પણ મફતની યોજનાઓ ઘાતક સાબિત થઈ શકે છે કેમ કે મફતની યોજનાઓ પાછળ મોટી રકમ ખર્ચાઈ જવાથી વિકાસલક્ષી યોજનાઓ અટકી પડે છે પરિણામે સામાજિક સમાનતાના સિદ્ધાંતને અવળી અસર પડે છે.

ચોથું, મફતની યોજનાઓથી પર્યાવરણને નુકસાનનું પણ જોખમ રહે છે. મફત વીડળી, મફત પાણી, ઉપરાંત અન્ય પ્રકારની ચીજો મફત આપવાનું શરૂ થાય તેનાથી સમાન અને સાતત્યભર્યા વિકાસમાં અવરોધ ઊભો થાય છે. સાથે રિન્યુએબલ ઊર્જા તેમજ જાહેર પરિવહન વ્યવસ્થાને પણ નુકસાન થાય છે.

પાંચ, કૃષિલક્ષી પ્રાથમિકતાઓ ખોરવાઈ શકે. મફતની યોજનાઓ કૃષિ વિકાસ માટે પણ અવરોધક બની શકે છે. કૃષિ વિકાસ નિરંતર જાળવી રાખવા માટે ભૂગર્ભ જળનાં સ્રોત તથા અન્ય સ્રોતો માટે ભંડોળની ફાળવણી કરવી જરૂરી હોય છે, પણ એ રકમ મફતની યોજનાઓ પાછળ ખર્ચાઈ જાય તો કૃષિ વેકાસ માટે જરૂરી રકમ બચતી નથી.

છ, ઉત્પાદન પ્રવૃત્તિના ભાવિ ઉપર પણ મફતની યોજનાઓ અસર કરી શકે છે. મફતની યોજનાઓની માનસિકતાને કારણે ઉત્પાદનોની ગુણવત્તા ઘટે છે પરિણામે સ્પર્ધાત્મકતા પણ જળવાઈ શકતી નથી.

સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે મફતની યોજનાઓ એ એક રીતે અધોગતિ તરફની સ્પર્ધા છે. જે રાજ્યો આવું કરે છે તે કરવેરા, ખર્ચ અને નિયમો સાથે બાંધછોડ કરે છે. સમાનતાલક્ષી અર્થતંત્રના વિકાસ માટે આ બાબતો જરૂરી છે, પણ મફતની યોજનાઓને કારણે તેની પ્રાથમિકતાઓ સાથે બાંધછોડ થાય છે.

એન.કે. સિંહ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, આ જ કારણે મફતની યોજનાઓ મૂળભૂત રીતે ખોટી છે. આવી યોજનાઓ અગાઉ કહ્યું તેમ અધોગતિ તરફની સ્પર્ધા સમાન છે. વાસ્તવમાં આવી યોજનાઓ કુશળતા, સક્ષમતા કે સમૃદ્ધિ તરફની નહીં પરંતુ અર્થતંત્રના વિનાશનો પાસપોર્ટ છે.

દેશ ગુજરાત