અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

— આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના

— સરદાર સરોવર જળાશયમાં સંગ્રહ શકિતના ૯૪.૭૦% પાણીનો સંગ્રહ

ગાંધીનગરઃ આગામી પાંચ દિવસમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ તથા અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે તેમ રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC વેધર વૉચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગના નિયામક સુશ્રી મનોરમા મોહંતીએ વરસાદની વિગતો હતી.

સિંચાઈ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૩,૧૬,૩૮૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૯૪.૭૦% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૪,૫૩,૫૯૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૮૧.૨૬% છે. હાલમાં રાજ્યમાં કુલ ૧૦૨ જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ ૨૩ જળાશય એલર્ટ ૫ર તેમજ ૧૧ જળાશય વોર્નિંગ ૫ર છે.

બેઠકમાં કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પાંચ સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત ૮૩,૨૩,૨૨૦ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષના સમયગાળા દરમ્યાન ૮૧,૫૫,૨૨૦ હેક્ટર વાવેતર થયું હતું.

રાજ્યમાં હાલ NDRF ની ત્રણ ટીમ તહેનાત છે, જેમાં કચ્છ-૧, નવસારી-૧, રાજકોટ-૧ NDRFની ટીમ તહેનાત છે. ઉપરાંત ગાંધીનગરમાં બે અને વડોદરામાં ૧૦ એમ કુલ-૧૨ ટીમ રીઝર્વ રખાઈ છે. તે સિવાય રાજ્યમાં SDRFની કુલ ૧૧ પ્લાટુન રીઝર્વ છે.

આ બેઠકમાં ઊર્જા, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, CWC, કોસ્ટ ગાર્ડ, પશુપાલન, ફોરેસ્ટ, શહેરી વિકાસ સહિત વિવિધ વિભાગના અઘિકારીઓએ ઉપસ્થિત રહી વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

દેશ ગુજરાત