કેજરીવાલની નવી શરાબ નીતિ બદલ પક્ષને રૂપિયા 235 કરોડથી 500 કરોડ ચૂકવાયા હોવાનો આરોપીનો દાવો

કેજરીવાલની નવી શરાબ નીતિ બદલ પક્ષને રૂપિયા 235 કરોડથી 500 કરોડ ચૂકવાયા હોવાનો આરોપીનો દાવો

નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકારની નવી શરાબ નીતિ ભ્રષ્ટાચારના મહાદ્વાર સમાન હતી એ વાતનો ખુલાસો આ કેસના કેટલાક આરોપીઓ પૈકી એક આરોપીએ પોતે કર્યો છે. દિલ્હી ભાજપના નેતાઓ દ્વારા જારી કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનના વીડિયોમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે, આમ આદમી પાર્ટીના નેતાઓએ શરાબના વેપારીઓને લાભ કરાવી આપવાના બદલામાં જંગી રકમ માગી હતી અને એ તેમને આપવામાં પણ આવી છે.

જે સ્ટિંગ કરાયું છે તેમાં કેજરીવાલ સરકારની ભ્રષ્ટ એક્સાઈઝ નીતિનો ગેરલાભ ઉઠાવનાર આરોપીઓ છે તે પૈકીના સન્ની મારવાહના પિતા જ સમગ્ર નીતિ પાછળની ભ્રષ્ટ રમતનો પર્દાફાશ કરી રહ્યા છે.

સમગ્ર વીડિયોમાં સન્ની મારવાહના પિતા કુલવિન્દર સિંહ મારવાહ આમ આદમી પાર્ટી દ્વારા કેવી રીતે સમગ્ર નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો તેની વિગતો આપી છે. કુલવિન્દર મારવાહ કહે છે કે, નવી નીતિને કારણે તેમને દારુના વેચાણમાંથી 80 ટકા નફો મળતો હતો. તેમને માત્ર 20 ટકા રકમ ચૂકવવી પડતી હતી અને તેની સામે 80 ટકા નફો મળતો હતો.

તેમણે (આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓએ) અમને કહ્યું હતું કે અમે કોઇપણ કિંમતે દારુ વેચી શકીશું. શરત એટલી હતી કે અમારે તેમને એક નિશ્ચિત રકમ ચૂકવવાની હતી. અને એ શરતે જ અમે એક બૉટલ ઉપર એક બૉટલ ફ્રીની ઑફર આપી શકતા હતા. આ માટે એ લોકોએ અમારી પાસેથી રૂપિયા 235 કરોડ લીધા અને અમને જેટલી પણ દુકાનો ખોલવી હોય અને જે કરવું હોય એ કરવાની છૂટ આપી હતી.

મારવાહ એવું કહેતા સાંભળી શકાય છે કે, તેમણે તો રૂપિયા 235 કરોડ ચૂકવ્યા પરંતુ તેમને એવી પણ માહિતી મળી છે કે અન્ય લોકોએ રૂપિયા 500 કરોડ કે તેથી વધુ રકમ ચૂકવી છે. તેમણે કહ્યું કે, અમે આટલી નીચી રકમમાં લાઇસન્સ મળી ગયું કેમ કે અમે એ નીચા દરે ટેન્ડર ભર્યું હતું. જે લોકોએ ઊંચા દરે ટેન્ડર ભર્યાં હતાં તેમને ઊંચી રકમ ચૂકવીને લાઇસન્સ મળ્યાં.

નફાનો ગાળો પહેલાંની જૂની નીતિમાં પણ વધારે હતો કે કેમ તેવું સ્ટિંગ કરનારે પૂછ્યું ત્યારે મારવાહે કહ્યું હતું કે, જૂની નીતિમાં 100 પૈસામાં 20 પૈસા વસ્તુની કિંમતના (દારુની એક બૉટલના) હતા અને સરકાર 70 પૈસા લઈ જતી હતી, અમને માત્ર 10 પૈસાનો નફો મળતો હતો. પણ નવી નીતિમાં અમે 20 પૈસામાં વસ્તુ ખરીદીને જે કોઈ કિંમતે વેચવી હોય તે કિંમતે વેચી શકતા હતા. અમારે (પાર્ટીને) માત્ર નિશ્ચિત રકમ આપી દેવાની હતી.

મારવાહે કહ્યું કે, સૌથી પહેલાં અમે એ લોકોને રૂપિયા 60 કરોડ ચૂકવી દીધા. ત્યારબાદ બીજા 60 કરોડ અન્ય વ્યક્તિને આપ્યા.

આ તબક્કે વાતચીત કરનારે જ્યારે પૂછ્યું કે, શું આ રકમ સરકારમાં જતી હતી કે કેમ. તેના જવાબમાં મારવાહે કહ્યું તમે તો સમજદાર છો. અર્થાત એ રકમ તેમણે પાર્ટીને આપી હતી, સરકારમાં જમા નહોતી કરાવી.

મારવાહના મતે આપ- સરકારે ભૂલ એ કરી કે, બ્લેકલિસ્ટમાં જે વેપારીઓ હતા તેમને પણ નવી નીતિ અંતર્ગત લાઇસન્સ આપી દીધાં. આ સ્થિતિમાં આપ-ની સરકારે એવા લોકોને લાઇસન્સ આપ્યાં જે આમ આદમી પાર્ટીના ટેકેદાર હતા તેમજ જે લોકો લાઇસન્સ ફી ચૂકવવા તૈયાર હતા.

દારુના આ વેપારીએ કેજરીવાલ સરકારની ભ્રષ્ટ નીતિનો ભાંડો ફોડી કાઢતા કહ્યું હતું કે, આ રીતે ગેરકાનૂની પદ્ધતિથી નાણા આપવાનું ઘણું મુશ્કેલ પણ હતું. માની લો કે અમે રૂપિયા 100 કરોડનું વેચાણ કરીએ તો અમારે રૂપિયા છ કરોડ સીધેસીધા તેમને આપી દેવા પડતા. નાણા આપવામાં કોઈ વાંધો નહોતો, પરંતુ હવે આટલી મોટી રોકડ રકમની વ્યવસ્થા કરવાનું ઘણું મુશ્કેલ થઈ ગયું છે.

સીબીઆઈએ કેજરીવાલ-સિસોદિયા સરકારની ભ્રષ્ટ એક્સાઇઝ નીતિ બાદ જેમની સામે કેસ નોંધ્યા એવા 15 આરોપીઓ પૈકી સન્ની મારવાહ પણ એક છે. સ્ટિંગ કરનારે સન્નીના પિતા સાથે વાત કરીને સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો.

દેશ ગુજરાત