કેજરીવાલના રેવડી અને જાહેરખબર મોડેલનું પરિણામ: કર્મચારીઓને વેતન ચૂકવવા પંજાબ સરકાર પાસે નાણા નથી

કેજરીવાલના રેવડી અને જાહેરખબર મોડેલનું પરિણામ: કર્મચારીઓને વેતન ચૂકવવા પંજાબ સરકાર પાસે નાણા નથી

ચંડીગઢઃ કેજરીવાલની મફતની રેવડી સંસ્કૃતિની અસરો હવે દેખાવા લાગી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર પાસે હવે રાજ્ય સરકારના કર્મચારીઓને વેતન ચૂકવવા માટે પણ નાણા નથી. સપ્ટેમ્બર મહિનાના સાત દિવસ પસાર થઈ ગયા છે અને હજુ સુધી પંજાબ સરકારના કર્મચારીઓને વેતન ચૂકવાયું નથી. આ અંગે પંજાબના સચિવાલયની લૉબીમાં એવી ચર્ચા છે કે, સરકારી કર્મચારીઓના વેતન ચૂકવવા માટે માન સરકાર પાસે નાણા જ નથી.

હજુ ગઈકાલે જ દેશના અગ્રણી માધ્યમોમાં સમાચાર હતા કે, દિલ્હીની કેજરીવાલ સરકાર પાસે દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન 12 કૉલેજોના અધ્યાપકો અને કર્મચારીઓને વેતન ચૂકવવા નાણા નથી. તે ઉપરાંત કૉલેજોમાં કોઈ નવાં વિકાસ કામો માટે પણ ભંડોળ નથી.

પંજાબ સરકારે દર મહિને સરકારી કર્મચારીઓને વેતન પેટે રૂ. 2,597 કરોડ ચૂકવવાના હોય છે. આ સંદર્ભમાં ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પોતાની ઓળખ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું કે, રાજ્ય સરકારે વ્યાજની રકમ કમાવા માટે રૂપિયા 1000 કરોડનું રોકાણ કરેલું છે તેથી કર્મચારીઓના વેતન ચૂકવવામાં મોડું થયું છે. એ રકમ પરત આવશે એટલે કર્મચારીઓનું વેતન ચૂકવાશે.

જોકે, મુદ્દાની વાત એ છે કે, શાસનમાં આવ્યાના પાંચ મહિનામાં પંજાબની ભગવંત માન સરકારની આ હાલત થઈ છે. અને તેનું દેખીતું કારણ મફતની યોજનાઓ જ છે. રાજ્ય સરકારે આગામી મહિનાઓમાં રૂપિયા 20,000 કરોડ વીજ સબસિડી પેટે ચૂકવવાના છે. તેમાં ખેતી માટેની નિઃશુલ્ક વીજળી, ઉદ્યોગોની સબસિડી તથા 300 યુનિટ વીજળી મફત, આ તમામ મળીને રૂપિયા 18,000 કરોડ ચૂકવવાના છે. તદ્દઉપરાંત સત્તામાં વતા પહેલાં કેજરીવાલે અને ભગવંત માને લોકોના અગાઉના વીજ બિલ પણ માફ કરવાની જાહેરાત કરી હતી, અને એ રકમ રૂપિયા 1298 કરોડ છે.

પગાર-ભથ્થાં અને વીજ સબસિડી ઉપરાંત પંજાબ સરકાર ઉપર બીજો સૌથી મોટો બોજો લોનના વ્યાજ પેટે ચૂકવવાના થતા રૂપિયા 20,122 કરોડ, પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભ પેટે રૂ. 15,145 કરોડ ચૂકવવાના છે. આ ઉપરાંત ભગવંત માન સરકારે રૂ. 27,927 કરોડ લોનની મૂળ રકમની ચૂકવણીનો હપ્તો અને રૂ. 20,000 કરોડ એડવાન્સ પેટે ચૂકવવાની થતી રકમ છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીએ આપેલાં વચનોની અસર રાજ્યની તિજોરી ઉપર દેખાવા લાગી છે અને અમને આશંકા છે કે, આવતા મહિને તો અમે 15 તારીખ સુધી પણ સરકારી કર્મચારીઓના પગાર ચૂકવી નહીં શકીએ.

દેશ ગુજરાત