રેવડી અને અર્થતંત્રઃ મીડિયામાં કીરકીરી થતા પંજાબ સરકારે સાત દિવસ મોડા કર્મચારીઓનો પગાર ચૂકવ્યો

ચંડીગઢઃ આર્થિક દુર્દર્શા વહોરી રહેવા પંજાબમાં મફતની યોજનાઓ જાહેર કરીને અર્થતંત્રને શ્રીલંકા જેવી કંગાળ દશા તરફ દોરી રહેલી આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર રાજ્ય સરકાર કર્મચારીઓનું વેતન પણ સમયસર કરી શકી ન હતી. આ મુદ્દો મિડિયામાં ચમકી જતા દેશભરમાં મફતના રેવડી અર્થતંત્ર સામે હોબાળો થતાં આમ આદમી પાર્ટીની સરકારે છેવટે સાતમી તારીખે તાબડતોબ વેતનની રકમ છૂટી કરી હતી. પંજાબ સરકારનો પગાર ખર્ચ માહિક છવ્વીસસો કરોડની આસપાસ હોય છે.

સપ્ટેમ્બર મહિનાના છ દિવસ પસાર થઈ ગયા હતા છતાં કર્મચારીઓને ઑગસ્ટ મહિનોનું વેતન નહીં ચૂકવતા કર્મચારીઓએ રસ્તા પર આવીને દેખાવો કર્યા હતા. તેને પગલે મીડિયાએ પણ આ વાતની નોંધ લીધી હતી.

પંજાબ યુટી એમ્પલોઈઝ એન્ડ પેન્શનર્સ જોઇન્ટ ફ્રન્ટના કન્વીનર સુખચૈન સિંહ ખેરાએ ફરિયાદ કરી હતી રાજ્ય સરકાર દ્વારા વેતન ચૂકવવામાં વિલંબ થવાને કારણે તમામ કર્મચારીઓ મુશ્કેલીમાં આવી ગયા હતા. અનેક કર્મચારીઓને તેમના ઈએમઆઈ ચૂકવવાનું ચૂકી જાય એવી સ્થિતિ પેદા થઈ હતી. જેને પગલે અમુક કર્મચારીઓએ લોકો પાસેથી ઉધાર લઇને ઈએમઆઈ ચૂકવ્યા હતા. તેમણે જણાવ્યું કે પંજાબના ઈતિહાસમાં અગાઉ આવું કદી નહોતું બન્યું કે રાજ્યના કર્મચારીઓના વેતનના નાણા આપવા રાજ્ય સરકાર પાસે પૈસા ન હોય.

આ ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ કેજરીવાલના પક્ષની નીતિઓ અને વાયદા સામે પ્રશ્ન ઉઠાવીને પૂછ્યું હતું કે, જાહેરખબરો ઉપર કરોડો રૂપિયા ખર્ચી નાખતી આમ આદમી પાર્ટીની પંજાબ સરકાર સરકારી કર્મચારીઓને વેતન શા માટે નથી ચૂકવતી?

કેન્દ્રીય કાયદાપ્રધાન કિરણ રિજિજુએ કેજરીવાલને પ્રશ્ન કર્યો હતો કે, ભારતને નંબર વન બનાવવાનો દાવો કરો છો, પણ કર્મચારીઓને વેતન ચૂકવવા તમારી સરકાર પાસે નાણા કેમ નથી? રિજિજુએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીની સરકાર જાહેરાતો કરવામાં જ નંબર વન છે અને જાહેરખબરો પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે.

ઉલ્લેખનીય છે કે પંજાબ આખા ભારતમાં જીડીપી સંલગ્ન દેવાના રેશિયોની બાબતમાં અવ્વલ છે અને એ રીતે સૌથી દેવાદાર રાજ્ય છે. તેમ છતા ચૂંટણી જીતવા આમ આદમી પાર્ટીએ મફતના લાભોની જાહેરાતો કરી હતી. મફત વીજળી જેવી જાહેરાતોનો અમલ કરવા જતા પંજાબ આર્થિક દુર્દશા તરફ ધકેલાયું છે. બીજી તરફ ગુજરાત સહિત જ્યાં જ્યાં ચૂંટણી હોય ત્યાં ત્યાં મિડિયામાં પંજાબ સરકારની એક એક અને બે બે મિનીટની ટીવી પર છાશવારે જાહેરખબરો આવે છે. અને આપના ચૂંટણી પ્રવાસનો ખર્ચ પણ પંજાબ સરકારને ખાતે ચડે છે. આમ રુપિયાના દુર્વ્યયે પણ માઝા મૂકી છે.

દેશ ગુજરાત