દિલ્હીમાં શૈક્ષણિક સ્તર રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઘણું નીચેઃ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

દિલ્હીમાં શૈક્ષણિક સ્તર રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઘણું નીચેઃ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન

નવી દિલ્હીઃ દિલ્હીની કેજરીવાલ સરકાર વારંવાર સ્કૂલોનો મુદ્દો ઉપસ્થિત કરીને એવી રજૂઆત કર્યા કરે છે કે તેમણે દિલ્હીનું શૈક્ષણિક સ્તર બહુ ઊંચું લાવી દીધું છે. જોકે આ વાત અગાઉ પણ અનેક વખત ખોટી સાબિત થઈ છે અને હવે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે દેશની સરેરાશ શૈક્ષણિક સ્થિત અને દિલ્હીની શૈક્ષણિક સ્થિતિનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરીને કેજરીવાલના દાવા પોકળ સાબિત કરી દીધા છે.

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, આમ આદમી પાર્ટી સત્તામાં આવી તે પહેલાં દિલ્હીની સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પૂરતી હતી અને તેમાં દર વર્ષે નવા વિદ્યાર્થીઓ એડમિશન લેતા હતા. પરંતુ આપ-સરકાર સત્તામાં આવ્યા પછી છેલ્લા છ – સાત વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે.

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, 2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તેમના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે તેઓ 500 નવી શાળા બાંધશે. આ સંદર્ભમાં તેમણે 29 ઑગસ્ટનો ઈન્ડિયા ટુડેનો રિપોર્ટ પ્રસ્તુત કરતાં કહ્યું કે આ અહેવાલ અનુસાર એક આરટીઆઈ દ્વારા જાણવા મળ્યું છે કે, સાત-આઠ વર્ષના ગાળમાં માત્ર 63 સ્કૂલ શરૂ થઈ છે. વિદ્યાર્થીઓ ઘટ્યા છે, નવી સ્કૂલો ખોલી નથી. આ સંદર્ભમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, દિલ્હીના શિક્ષણ વિભાગની વેબસાઇટ દ્વારા જ જાણવા મળે છે કે જે સંખ્યાનું વચન આપવામાં આવ્યું હતું તેટલી નવી સ્કૂલો ખૂલી નથી.

વધારે ચિંતાજનક મુદ્દે સરકારી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓની સ્થિતિ શું છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેમણે શિક્ષણ સ્તર સુધારી દીધું. પરંતુ દિલ્હીની રાજ્ય સરકાર સહિત દેશના તમામ રાજ્યોની સંમતિથી નેશનલ એસેસમેન્ટ સરવે કરવામાં આવ્યો હતો. તેમાં 2021ની વિગતો છે. દિલ્હીની લગભગ 1602 સ્કૂલમાં આ સરવે થયો. તેમાં લગભગ 10,000 શિક્ષકોએ ભાગ લીધો. રેન્ડમ સેમ્પલિંગ હેઠળ 65,000 વિદ્યાર્થીઓનો સરવે કરવામાં આવ્યો.

સરવેમાં ઘણા પ્રકારના માપદંડ રાખવામાં આવ્યા હતા, જેમ કે ક્લાસ ત્રણ, ક્લાસ પાંચ, ક્લાસ આઠ, ક્લાસ દસ. આ ચાર ક્લાસના વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. આ ચારેય માપદંડમાં રાષ્ટ્રીય સરેરાશથી દિલ્હીની સરકારી શાળાઓના માપદંડ ઓછા છે.
સરવેમાં રાષ્ટ્રીય સ્કૂલોને 100માંથી 54 પોઇન્ટ મળે છે, જ્યારે દિલ્હીને 42 પોઇન્ટ મળ્યા છે. ક્લાસ પાંચમાં રાષ્ટ્રીય સરેરાશ 48 છે તેની સામે દિલ્હીની 37 ટકાની સરેરાશ છે. ક્લાસ આઠમાં રાષ્ટ્રીય સરેરાશ 38 છે, જ્યારે દિલ્હીની સરેરાશ 37 છે. ક્લાસ દસમાં રાષ્ટ્રીય સરેરાશ 40 છે તો દિલ્હીની સરેરાશ 39 છે.

ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે, સ્કૂલની ગુણવત્તાનો અંદાજ તેના પ્રિન્સિપાલને આધારે મળી શકે. 2020-21માં દિલ્હીમાં સ્કૂલ માટે એક પણ શિક્ષક કે એકપણ પ્રિન્સિપાલની નિયુક્તિ થઈ નથી. આ જાણકારી દિલ્હી સરકારના શિક્ષણ વિભાગે જ આપેલી છે. આ વિગતો કેન્દ્ર સરકારના યુડાઇસ પોર્ટલ ઉપર રાજ્ય સરકારના શિક્ષણ વિભાગોએ સ્વેચ્છાએ આપવાની હોય છે. અર્થાત દિલ્હીની સરકારે પોતે આપેલી એ વિગતો છે.

દેશ ગુજરાત