દિલ્હીમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ કન્ટેનરમાંથી બનાવેલા કામચલાઉ વર્ગોમાં બેસવા મજબૂર!

દિલ્હીમાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ કન્ટેનરમાંથી બનાવેલા કામચલાઉ વર્ગોમાં બેસવા મજબૂર!

નવી દિલ્હીઃ દિલ્હીમાં કેજરીવાલ સરકારનું શિક્ષણ મોડલ સદંતર નિષ્ફળ છે એવું વધુ એક વખત દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું છે. દેશના અગ્રણી અખબારો પૈકી એક ટાઇમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર દિલ્હીની ઓછામાં ઓછી 11 સ્કૂલના વિદ્યાર્થીઓ કન્ટેનરોમાંથી બનાવેલા કામચલાઉ વર્ગોમાં અભ્યાસ કરવા મજબૂર છે.

પોર્ટા કન્ટેનર તરીકે ઓળખાતા આ વર્ગોમાં લાઇટ, પંખા જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે અને તેથી વિદ્યાર્થીઓ પરસેવાથી લથબથ સ્થિતિમાં ભણવા મજબૂર છે.

અખબારમાં આજે આ અહેવાલ પ્રકાશિત થયો તે સાથે દિલ્હી ભાજપના લગભગ તમામ અગ્રણી નેતાઓએ અહેવાલને ટૅગ કરીને કેજરીવાલ સરકાર ઉપર કાર્પેટ બોમ્બિંગ શરૂ કરી દીધું હતું.

દિલ્હી ભાજપના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ મનોજ તિવારીએ લખ્યું કે, વધુ એક વખત દિલ્હી મોડલનો પર્દાફાશ થયો છે. તેમણે આમ આદમી પાર્ટીના ખોટા દાવાઓને ખુલ્લા પાડવા બદલ અખબારનો આભાર માન્યો હતો. એ સાથે તેમણે ન્યૂયોર્ક ટાઇમ્સને ટૅગ કરીને કહ્યું કે તમે આ ચૂકી ગયા છો.

યાદ રહે, થોડા સમય પહેલાં ન્યૂયોર્ક ટાઇમ્સમાં દિલ્હીના શિક્ષણ મોડલ અંગે ભરપૂર પ્રશંસા કરતો એક લેખ પ્રકાશિત થયો હતો.

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા આર પી સિંહે પણ લખ્યું કે બાળકો પોર્ટા કેબિનમાં ભણવા માટે મજબૂર છે. કેજરીવાલ અને મનીષ સિસોદિયાનું આ જ શિક્ષણ મોડલ છે. (કેજરીવાલ) સરકાર ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે અને બાળકો નિઃસહાય છે. કેજરીવાલ સરકારની આ સ્થિતિ છે. આ ઉપરાંત ભાજપના નેતાઓ અમિત માલવિય તેમજ હરીશ ખુરાનાએ પણ અખબારી અહેવાલને ટાંકીને કેજરીવાલ સરકારની આકરી ટીકા કરી છે.

અખબારે તેના વિસ્તૃત અહેવાલમાં દિલ્હીની શાળાઓ અંગે વિગતવાર આંકડાકીય માહિતી આપીને કેજરીવાલ સરકારના દાવા સદંતર ખોટા હોવાનું પ્રસ્થાપિત કર્યું છે. આ અહેવાલમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે, સર્વોદય બાલ વિદ્યાલય, સર્વોદય કન્યા વિદ્યાલય તેમજ સરકારી બૉય્ઝ સિનિયર સેકન્ડરી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યાની સામે શિક્ષકોની સંખ્યા પણ ઘણી ઓછી છે. કેજરીવાલ સરકારના નાક નીચે સરકારી શાળાઓમાં મોટી સંખ્યામાં શિક્ષકો કાયમી અને નિયમિત નહીં પરંતુ ગેસ્ટ ટીચર તરીકે કામ કરતા હોવાનું પણ અખબારના અહેવાલમાં સ્પષ્ટ થાય છે.

દેશ ગુજરાત