ગુજરાતની પહેલી ‘સીનેમેટિક ટુરિઝમ પૉલિસી’ લોન્ચ, 1022 કરોડના રોકાણ માટે MoU થયા

ગુજરાતની પહેલી  ‘સીનેમેટિક ટુરિઝમ પૉલિસી’ લોન્ચ, 1022 કરોડના રોકાણ માટે MoU થયા

— સીનેમેટિક ટુરિઝમ પૉલિસી 2022-27 થકી ગુજરાતમાં ફિલ્મ સર્જનની નવી ક્ષિતિજો ખુલી જશે

ગાંધીનગરઃ ગુજરાતની સૌ પ્રથમ ‘સીનેમેટિક ટુરિઝમ પૉલિસી’નું લોન્ચિંગ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ  પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રકચરના  ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે.

મુખ્યમંત્રીશ્રીએ ક્હ્યું કે,  વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગદર્શનમાં દેશનું વિકાસ મોડલ બન્યું છે. ગુજરાત પૉલિસી ડ્રીવન સ્ટેટ છે અને  વિશ્વના રોકાણકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે. આત્મનિર્ભર ગુજરાતના નિર્માણથી આત્મનિર્ભર ભારત  માટે આ પૉલિસી  ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

તેમણે  કહ્યું કે આ પૉલિસી  ફિલ્મ મેકીંગ ક્ષેત્રના સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવી પ્રવાસન વિકાસને પણ અપ્રતિમ વેગ આપશે. તેમણે ઉમેર્યું કે આ નવી પૉલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ તકો ઊભી કરશે તેમજ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે.

આ પૉલિસીના લોન્ચિંગની સાથે સાથે પ્રવાસન વિભાગ સાથે કેટલાક રોકાણકારો દ્વારા મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટીંગ સ્કૂલ સહિતના વિવિધ વિષયોમાં રોકાણો માટેના કુલ રૂ.૧૦૨૨ કરોડના ચાર એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. અભિનેતા અજય દેવગણે પણ રાજ્યમાં ફિલ્મ મેકીંગ અને સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા

આ પ્રસંગે ખાસ હાજર રહેલા પ્રસિદ્ધ અભિનેતા અજય દેવગણે જણાવ્યું હતું કે, આ સીનેમેટિક ટુરિઝમ પૉલિસીના લોન્ચિંગ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો આનંદ છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે સીનેમેટિક ટુરિઝમ પૉલિસી જાહેર કરી તેની મને ખુશી છે. ગુજરાત સાથેના અનુભવો અંગે અજય દેવગણે જણાવ્યું હતું કે, અહીંની સંસ્કૃતિ, વિસ્તારો અને વિવિધ ગુજરાતી વાનગીઓ મને આકર્ષે છે. અહીંના લોકોનો પ્રેમ પણ ખૂબ સારો મળ્યો છે. હું ગુજરાત સાથે વર્ષોથી જોડાયેલો છું. આ પોલિસીના માધ્યમથી ફિલ્મ જગતને સારો સહકાર મળી રહેશે.

પ્રવાસન મંત્રી શ્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ એ ગુજરાતમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ સીનેમેટિક ટુરિઝમ પૉલિસી ગુજરાતના પર્યટનને આગળ વધારવામાં ખૂબ મહત્ત્વની બની રહેશે. તથા આ પૉલિસીથી ગુજરાતમાં રોજગારી ઉત્પન્ન થશે. ગુજરાત આગામી દિવસોમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

ટુરિઝમ વિભાગના સચિવ શ્રી હારીત શુક્લાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સિનેમાના પડદે દર્શાવતું સ્થળ લોકોને યાદ રહી જાય છે અને બાદમાં તે ટુરિઝમ સ્પોટ બની જાય છે. દેશ-વિદેશના આવાં અનેક સ્થળોનો પરિચય આપણને મુવીમાંથી મળે છે. ગુજરાતમાં કચ્છનું સફેદ રણ, શિવરાજપુર બીચ જેવા અનેક સ્થળો છે જ્યાં શૂટિંગ સ્પોટ બની શકે તેવી વ્યાપક તકો છે. તેમણે સીનેમેટિક ટુરિઝમ પૉલિસી થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાતમાં શૂટિંગની તકો વધશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

દેશ ગુજરાત