ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું એક વર્ષ : સંકલ્પો અને સિદ્ધિઓ
September 12, 2022
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ, 80 દિવસમાં 3 લાખથી વધુ મહિલાઓને લાભ
પોષણસુધા યોજનાનો વધાર્યો વ્યાપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યની મહિલાઓના આરોગ્યમાં સુધાર લાવવા માટે તેમજ તેમને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે વિવિધ યોજનાઓ લાગુ કરી હતી. આ જ દિશામાં આગળ વધીને જૂન 2022માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ શરૂ કરવામાં આવી. 18 જૂન, 2022ના રોજ વડાપ્રધાન શ્રીન નરેન્દ્ર મોદીના હસ્તે આ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો. યોજના શરૂ કર્યાથી અત્યાર સુધીમાં (વર્ષ 2022-23) 3,38,000 માતાઓ આ યોજનાનો લાભ લઇ ચૂકી છે.
મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ, એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને ‘ફર્સ્ટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી’ કહેવામાં આવે છે, જે સમય દરમિયાન માતા અને બાળકનું પોષણસ્તર સુદૃઢ બનાવવું જરૂરી છે. આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના ‘પોષણ અભિયાન’ અંતર્ગત માતા અને બાળકના આ 1000 દિવસ ઉપર ફોકસ કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ 1000 દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ મંજૂર કરવામાં આવી.
વર્ષ 2022-23માં તમામ પ્રથમ સગર્ભા અને પ્રથમ પ્રસૂતા માતા તથા આરોગ્ય વિભાગના સોફ્ટવેરમાં સગર્ભા તરીકે અથવા જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે નોંધાયેલ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના અંતર્ગત દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સીંગતેલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પોષણસુધા યોજના
માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે પ્રાયોગિક ધોરણે ‘પોષણ સુધા યોજના’ ગુજરાતના આદિજાતિ વિસ્તારના પાંચ જિલ્લા (દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા) ના 10 તાલુકાઓમાં અમલી બનાવી હતી. તેનું વિસ્તરણ કરીને જૂન 2022માં રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના કુલ 106 તાલુકાઓમાં આ યોજના અમલી બનાવવામાં આવી.
આ યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે. યોજનાના મોનીટરિંગ અને રિવ્યુ માટે વિશેષ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. વર્ષ 2022-23માં દોઢ લાખથી વધુ મહિલા લાભાર્થીઓએ આ યોજના હેઠળ લાભ મેળવ્યો છે.
રાજ્યની માતાઓ અને બાળકોના પોષણની સ્થિતિમાં સુધાર લાવવા માટે અને એક સુદૃઢ અને તંદુરસ્ત સમાજની રચના કરવા માટે ગુજરાત સરકારનો મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત પ્રયત્નશીલ છે.
મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ થકી વલસાડના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 4.50 લાખ લોકો સુધી પહોંચાડ્યું પાણી
વર્ષ 2001ના સમયગાળા પહેલા ગુજરાત પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું હતું. જે દિવસથી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમણે ગુજરાતના દૂરના અંતરિયાળ વિસ્તારો સુધી પર્યાપ્ત પાણી પૂરું પાડવાને પોતાનું મિશન બનાવ્યું હતું અને પોતાના નક્કર પ્રયાસ થકી તેમણે આ મિશન સાકાર પણ કરી બતાવ્યું. આજે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર આ મિશનને આગળ ધપાવી રહી છે. રાજ્યના ખૂણેખૂણામાં પાણી પહોંચાડવાની નેમને અનુસરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જૂન 2022માં મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. 10 જૂન, 2022ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે એસ્ટોલ પ્રોજેક્ટ જનતાને સમર્પિત કરવામાં આવ્યો, જેના થકી વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોને પાણીનો લાભ મળી રહ્યો છે.
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટને પૂર્ણ કરવો એ રાજ્ય સરકાર માટે એક મોટો પડકાર હતો, પરંતુ એ તમામ પડકારોનો સામનો કરીને સફળતાપૂર્વક આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એસ્ટોલ પ્રોજેક્ટ એક મોટી ચમત્કારિક સિદ્ધિ છે. આ પ્રોજેક્ટ દ્વારા લગભગ 200 માળ (1875 ફીટ)ની ઉંચાઈ સુધી પાણીને ઉપર પહોંચાડીને પહાડી વિસ્તારમાં પાણીનું વિતરણ શક્ય બન્યું છે.
શું છે એસ્ટોલ પ્રોજેક્ટ
- મધુબન બંધ (વોટર હોલ્ડિંગ ગ્રોસ કેપેસિટી 567 મિલિયન ક્યુબિક મીટર) ના પાણીને પંપિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) લોકોના ઘરો સુધી પાણી પહોંચાડવાની યોજના છે.
- આ પ્રોજેક્ટ હેઠળ 28 પંપિંગ સ્ટેશન્સ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમની ક્ષમતા 8 મેગાવોટ વોલ્ટ એમ્પિયર (MVA) છે, જેના દ્વારા દરરોજ લગભગ 5 કરોડ લીટર પીવાના પાણીને 4.50 લાખ લોકો સુધી પહોંચાડવામાં આવે છે.
- આ પ્રોજેક્ટ અંતર્ગત 81 કિમીની પંપિંગ લાઇન, 855 કિમીની ડિસ્ટ્રિબ્યુશન લાઇન અને નાની-નાની વસાહતો સુધી પાણી પહોંચાડવા માટે 340 કિમી લાંબી પાઇપલાઇન બિછાવવામાં આવી છે.
- પીવાના શુદ્ધ પાણીને ઉપલબ્ધ કરાવવા માટે બે ફિલ્ટર પ્લાન્ટ (બંનેની દરરોજની 3 કરોડ લીટર પાણીની ક્ષમતા) ની સ્થાપની, જેમની કુલ ક્ષમતા પ્રતિદિન 6.6 કરોડ લીટર પાણીની છે.
- પાણીનો સંગ્રહ કરવા માટે આ વિસ્તારોમાં 6 ઉંચી ટાંકીઓ (47 કરોડ લીટરની ક્ષમતા), 28 અંડરગ્રાઉન્ડ ટાંકીઓ (7.7 કરોડ લીટરની ક્ષમતા) અને ગામડાઓ તેમજ ફળિયાઓમાં જમીન સ્તરની 1202 ટાંકીઓ (4.4 કરોડ લીટરની ક્ષમતા)નું નિર્માણ કરવામાં આવ્યું છે.
પાઇપલાઇનને બિછાવવામાં પણ કરવામાં આવ્યો છે વિશિષ્ટ ટેક્નિકનો ઉપયોગ
- અહીંની જમીનની રચના અનુસાર જ અહીંયા પાઇપલાઇન બિછાવવામાં આવી છે, જે ક્યાંક ઊંચી છે તો ક્યાંક નીચી છે.
- આ કારણે આ પાઇપોમાં કેટલાક સ્થળોએ પાણીનું દબાણ સામાન્ય છે, તો કેટલાક સ્થળોએ પાણીનું દબાણ સામાન્ય કરતા ઘણું વધારે (40 પ્રતિ કિગ્રા સેન્ટિમીટર સ્કૉયર) છે. આ દબાણ એટલું વધારે છે કે તેનાથી પાઇપલાઇનોને ઘણું નુકસાન પહોંચી શકે છે.
- આ તમામ મુશ્કેલીઓના સમાધાન તરીકે મુખ્ય પાઇપની અંદર 12 મિલિમીટર જાડાઈની માઇલ્ડ સ્ટીલ પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી મુખ્ય પાઇપને ફાટવાથી બચાવી શકાય.
ડ્રોન ટેક્નોલોજીથી જંતુનાશક દવાઓના છંટકાવ માટે રૂ. 35 કરોડની ફાળવણી
માત્ર 20 મિનિટમાં 1 હેક્ટર વિસ્તારમાં છંટકાવ થશે, સ્પ્રેયરથી 7 કલાકનો સમય લાગે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ગુજરાતના ખેડૂતોની સ્થિતિ સુધારવા પર ખૂબ ભાર મૂક્યો હતો. ખેડૂતોને સબસીડી આપવાથી માંડીને વીજળીનો અવિરત પુરવઠો પૂરો પાડવા સુધી તેમણે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ શરૂ કર્યા.
ગુજરાત સરકારે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીનો વ્યાપ વધારીને ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં વિવિધ યોજનાઓ અને નિર્ણયો લાગૂ કર્યા છે. ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થાય અને જંતુનાશક દવાઓના છંટકાવામાં સમયની પણ બચત થાય તે હેતૂથી, રાજ્ય સરકારે નેનો યુરીયા ખાતરને ડ્રોનની મદદથી છંટકાવ કરવા માટે રૂ. 35 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ જોગવાઇ દ્વારા ખેડૂતોને ડ્રોનના ભાડાની ચૂકવણીમાં સહાયતા કરવામાં આવશે. તેમાં ખર્ચના 90 ટકા અથવા રૂ. 500, એ બેમાંથી જે ઓછું હશે તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે. પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે જાહેર થયેલા ડાંગ સિવાય સમગ્ર રાજ્યમાં આ યોજના લાગૂ રહેશે. કૃષિ વિભાગે તેના માટે ડ્રોન ઓપરેટર્સ પાસેથી સેવાઓ લેવા માટે અરજીઓ પણ મંગાવી છે . લાભાર્થીઓને નાણાકીય સહાય ડીબીટીના માધ્યમથી તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
ડ્રોન દ્વારા છંટકાવના ફાયદા
સ્પ્રેયર દ્વારા છંટકાવ કરવામાં આવે તો 1 હેક્ટર વિસ્તારમાં સાત કલાકનો સમય લાગે છે. તેમાં ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે તો તે કામગીરી 2 કલાકમાં પૂર્ણ થાય છે. પરંતુ ડ્રોનની મદદથી આ કામગીરી માત્ર 20 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે. પરંપરાગત સ્પ્રેમાં 300થી 500 લીટર પાણીનો ઉપયોગ થાય છે જ્યારે ડ્રોનના ઉપયોગથી હેક્ટરદીઠ માત્ર 25 લીટર પાણીમાં કામ પૂર્ણ થાય છે. આ રીતે 90 ટકા પાણીની બચત થાય છે. ખેડૂતોના સ્વાસ્થ્ય પર માઠી અસર થતી નથી તેમજ ઉંચા પાકોમાં ડ્રોનની મદદથી સ્પ્રે કરવામાં સરળતા રહે છે. કામદારોની ઉપલબ્ધિ ન હોય તો પણ છંટકાવની કામગીરી પૂર્ણ કરી શકાય છે.
રાજ્યના 4 હજાર ગામમાં ફ્રી વાઇફાઇ પહોંચાડવા કવાયત
ડીજીટલ ક્રાંતિથી ગામડાઓને સશક્ત કરવાની દિશામાં સરકાર પ્રયત્નશીલ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ડીજીટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરવામાં ગુજરાતે આગેવાની લીધી
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડીજીટલ ઇન્ડિયા અભિયાનને સાકાર કરવા માટે ગુજરાતમાં નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હવે રાજ્યના ૪૦૦૦ ગામમાં ફ્રી વાઇ ફાઇની સુવિધા પહોંચતી કરવા માટે નેમને સાકાર કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેના માટે રાજ્યના આ વર્ષના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં વિકાસકાર્યોના લોકાર્પણ પ્રસંકે કહ્યું કે છેવાડાના માનવી સુધી યોજનાના લાભોની સાથે વિકાસનું કાર્ય પહોંચે તેનો સંનિષ્ઠ પ્રયાસ સરકાર કરી રહી છે. સરકારે છેવાડાના અંતરિયાળ વિસ્તારો સુધી રસ્તા, વીજળી, પાણી સહિતની અનેકવિધ પ્રાથમિક અને આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે.
તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ગુજરાતના વિકાસની યાત્રા અમે છેવાડાના સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને આગળ વધારી રહ્યા છીએ. ગુજરાતને છેલ્લા આઠ વર્ષથી ડબલ એન્જીન સરકારનો લાભ મળી રહ્યો છે. જેને પરિણામે ગુજરાત બમણી સ્પીડે આગળ વધી રહ્યું છે. , બે દાયકા પૂર્વે રાજ્યમાં રસ્તા, વીજળી, પાણી જેવી પાયાની સુવિધાના અભાવે ઉદ્યોગ ધંધા તાલુકા – ગ્રામ્ય કક્ષાએ પહોંચ્યા નહોતા અને ઉદ્યોગોનો વિકાસ રૂંધાયો હતો. આ સરકારે ખૂટતી કડીઓ જોડીને તે સમસ્યા દૂર કરી છે. કોવિડ મહામારી બાદ ગુજરાત રાજ્યે સૌથી મોટું બજેટ આપ્યું છે. નીતિ આયોગ પ્રમાણે દેશભરમાં ગુજરાત નાણાકીય વ્યવસ્થાપનમાં પ્રથમ ક્રમાંકે છે અને તીવ્ર ગતિથી આગળ ધપી રહ્યું છે.
કચ્છની વિકાસયાત્રા: ધ્વસ્ત ઈમારતો થી વિકાસની બુલંદી સુધી
26 જાન્યુઆરી 2001ના અચાનક ત્રાટકેલા ભયાવહ ભૂકંપથી કચ્છમાં શું ઉથલપાથલ મચી તેનાથી આપણે સૌ વાકેફ છીએ. એક પછાત શ્રેણીમાં આવતા જિલ્લામાં તે સમયે દેશ વિદેશના મીડિયાએ ધામા નાખીને ધ્વસ્ત થયેલી ઈમારતો અને ચકનાચૂર થયેલા સપનાઓની જીવંત તસવીરો રજૂ કરીને માનવીય પીડાની પરાકાષ્ઠા વિશ્વ સમક્ષ મૂકી હતી. તે સમયે કચ્છને બેઠું કરવા માટે દેશ વિદેશથી સહાયનો ધોધ વહ્યો હતો. રાજ્યભરમાંથી મદદ માટે સરકારના અધિકારીઓ, સમાજસેવી સંસ્થાઓના પ્રતિનિધિ તેમજ સેવાભાવી નાગરિકો કચ્છની ગલીઓમાં ફરી રહ્યા હતાં. પક્ષના જનરલ સેક્રેટરી તરીકે નરેન્દ્ર મોદીએ ગ્રાઉન્ડ ઝીરો પર હાજર રહીને કચ્છની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. સ્કૂટર પર તેઓ કચ્છના ગામડાઓ ફરી વળ્યા હતા અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સ્વીકારીને કચ્છને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટેનો સ્ટરપ્લાન ઘડી નાખ્યો હતો.
કેન્દ્રની મોદી સરકારના સતત મળતા સહયોગથી, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારેશ્રી નરેન્દ્ર મોદીના વિકાસ તરફી વિઝન, ચોક્કસ પ્લાનીંગ અને સૂઝના લીધે અત્યારે કચ્છ વિકાસના હાઇવે પર દોડી રહ્યું છે. શ્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઇને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં પણ કચ્છે રોડ રસ્તા, ઔદ્યોગિક ક્ષેત્ર, પર્યટન, શહેરી વિકાસ અને ખેતી ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. પછાત જિલ્લાઓની યાદીમાં જેની ગણના થતી હતી તે જિલ્લો હવે નવા રંગરૂપમાં વિશ્વક્ષેત્રે ઓળખ બનાવી રહ્યો છે. આ જ્વલંત સફળતા પાછળ હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો કચ્છ પ્રત્યેનો પ્રેમ અને દૂરંદેશી નેતૃત્વ કારણભૂત છે. તેમણે ભૂકંપ બાદ કચ્છના લોકોને હિંમત આપીને વિકાસ કામગીરીની આગેવાની હાથમાં લીધી હતી. તેના લીધે જ ભૂકંપ બાદ તુરંત જે ઘરોની અછત સર્જાઇ હતી તેમાં સ્થાનિકો લોકોનો સહયોગ મેળવીને તેમણે નાની ટીમોનું નિર્માણ કરીને ઘરોના નિર્માણ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. એક એક હાથના સહયોગથી તે સમસ્યામાંથી છૂટકારો મળ્યો હતો. સ્થાનિક જરૂરિયાત પ્રમાણે ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું જે પહેલા કરતા મોટા હતા અને તેમની સંખ્યા પણ વધારે હતી.
કચ્છના વિકાસને સાચા અર્થમાં દિશા આપવા માટે શિક્ષણ ક્ષેત્રે માતબર કામ થાય તે પણ નક્કી કરવાનું હતું. તેથી મુખ્યમંત્રી તરીકે શ્રી મોદીએ શાળા નિર્માણ અને ભણતર માટેની સંસ્કૃતિને મજબૂત કરવાનું કામ કર્યું. તેમણે કહ્યું હતું કે કોઇ પણ ભોગે શાળાઓની સુવિધાને ફરી મોટાપાયે શરૂ કરવી જરૂરી છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે કચ્છના ગામડાઓમાં ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે શાળાઓનું માળખું ઉપલબ્ધ છે અને અગરિયાના બાળકો, જેઓ સમય સંજોગોના લીધે શાળાએ પહોંચવામાં પરેશાની અનુભવે છે, તેમના માટે ‘સ્કુલ ઓન વ્હિલ’ની સુવિધા શરૂ છે. અત્યારે કચ્છના વિદ્યાર્થીઓને ઘર આંગણે મેડિકલ કોલેજની સુવિધા પણ ઉપલબ્ધ છે અને યુવાનોના શિક્ષણ માટે એક સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થયું છે.
શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કચ્છમાં ખેતીની સ્થિતિની પણ કાયાપલટ કરવામાં આવી છે. ભૂકંપ પછીના વર્ષોમાં, કચ્છમાંથી કેરી, ખજૂર અને દાડમની નિકાસ થવા માંડી હતી. સિંચાઈનું એક વ્યાપક નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે અને અત્યારે નર્મદાનું પાણી કચ્છની બોર્ડર સુધી પહોંચાડીને, રણના પ્રહરી એવા આપણા જવાનોની સમસ્યાનું કાયમી સમાધાન કરી દીધું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 28 ઓગસ્ટના રોજ રૂપિયા 1745 કરોડના ખર્ચે નિર્મિત કચ્છ ભુજ બ્રાન્ચ કેનાલ(માંડવી)નું લોકાર્પણ કર્યુ અને તેની સાથે જ કચ્છ શાખા નહેરની સાંકળ 214.45 કિ.મી. સુધી બાંધકામ પુર્ણ થયુ. કચ્છ શાખા નહેરમાં સાંકળ 214.45 કી.મી. પછીના કામો જુદા-જુદા પ્રશ્નોના કારણે અટકેલા હતા. જેમાં ખાસ કરીને શિણાય ગામમાંથી નહેર પસાર કરવાનો પ્રશ્ન, જમીન સંપાદનના વિવિધ પ્રશ્નો, ફળાઉ ઝાડનો પ્રશ્ન, નેશનલ હાઇવે, રેલ્વે, ઓઇલ અને ગેસની પાઇપલાઈનોના ક્રોસિંગનો સમાવેશ થતો હતો. જે તમામ પ્રશ્નોનું સરકારે નિવારણ લાવીને મે-2022માં આ કેનાલનું કાર્ય પૂર્ણ કર્યું. તો બગાયતી ખેતીમાં પણ કચ્છ જીલ્લો 56,581 હેક્ટર વિસ્તારમાં વાવેતર સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે.
કચ્છને એક નવી ઓળખ મળે તે માટે પણ સુનિયોજિત પ્રયાસો શરૂ કરવામાં આવ્ય હતા. એક સમયે કચ્છની વાત આવે ત્યારે સૂકાભઠ્ઠ વિસ્તાર અને સજાના જિલ્લા તરીકેની ઓળખ પ્રચલિત હતી. લોકો કહેતા, ‘ત્યાં જોવા જેવુ શું છે ?’ પણ અત્યારે એ જ રણ દેશ વિદેશથી લોકોને ખેંચી રહ્યું છે. ‘રણોત્સવ’ના આગમનથી કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને ખાણીપીણી દેશના સીમાડાઓ પાર પહોંચી છે. તેનાથી કચ્છની છવિ બદલાવાની સાથે સ્થાનિક રોજગાર અને આર્થિક ક્ષેત્રે પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2001ના ભૂકંપની આપદાને યાદ કરતા સ્મૃતિવન ભૂકંપ મેમોરીયલ અને મ્યુઝિયમનું લોકાર્પણ કરતા આ સ્મારકો પોતાના સ્વજનો ગુમાવનારા લોકોને સમર્પિત કર્યા હતા. આ સાથે જ સ્થાનિક વણાંટકામ ઉદ્યોગને પણ પૂરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. તેના લીધે અર્થતંત્રમાં ભારે ઉછાળ જોવા મળ્યો. ઉદ્યોગોને એક્સાઇઝ ફ્રી જેવી સવલતો આપવાની સાથે સાનુકૂળ વાતાવરણ નિર્માણ કરીને જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ માટેનો પાયો નાખી દેવાયો હતો. તેના માટે રોડ, રેલવે અને હાઇવે બાંધકામની કામગીરીને ખૂબજ ટૂંકા ગાળામાં પૂર્ણ કરીને નાગરિકોને અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ આપવામાં આવી હતી. એક દાયકામાં જ, ભૂકંપથી ઘાયલ થયેલું કચ્છ, એક ભડવીરની જેમ તલવારો ચાવીને બેઠું થઇને વિકાસશીલ જિલ્લાઓની યાદીમાં આવી ગયું હતું.
ભૂકંપ બાદ શ્રી મોદીએ કચ્છના આપદા પ્રબંધનના માળખાને પણ બદલી નાખ્યું હતું. અગાઉ તે પૂર અને દુષ્કાળ પૂરતું મર્યાદિત હતું પરંતુ તેમણે એવી પ્રક્રિયાઓ નક્કી કરી જેનાથી આપદા સમયે સરકારને તેનો સામનો કરવામાં વધુ સહાયતા મળે. વર્ષ 2003માં, ગુજરાત વિધાનસભામાં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ પસાર કરવામાં આવ્યો અને તે સાથે જ આપદા પ્રબંધન માટે કાયદાકીય અને નિયમનકારી માળખું સ્થાપિત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું.
કચ્છમાં અત્યારે 30 હજાર મેગાવોટની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટો રિન્યૂએબલ એનર્જી પાર્કનું નિર્માણ ચાલી રહ્યું છે જેમાં સોલાર અને વિન્ડ પાવરની મદદથી ઉર્જા પેદા કરવામાં આવશે. 2022 સુધી દેશની રિન્યુએલબ ઉર્જાની ક્ષમતા 175 ગીગાવોટ સુધી લઇ જવામાં આ પાર્કની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેવાની છે. સાથે જ ડિસેલીનેશન પ્લાન્ટની કામગીરી પણ ચાલી રહી છે જેનાથી 10 કરોડ લિટર પાણીનું દરરોજ ડિસેલીનેશન કરવાની ક્ષમતા છે. વડાપ્રધાન બન્યા પછી શ્રી મોદીએ આ પ્રકારના વિકાસકાર્યોની ભેટ આપીને તેમના કચ્છ પ્રેમને ઉજાગર કર્યો છે. નાગરિકોને કેન્દ્રમાં રાખીને સમગ્ર જિલ્લાનો વિકાસ કેવી રીતે કરી શકાય તે હંમેશા તેમની નીતિઓનું મહત્વપૂર્ણ પાસું રહ્યું છે. આગામી દિવસોમાં કચ્છની આ વિકાસયાત્રાને વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવશે. તે ફરી કચ્છની ભૂમિકાને એક અલગ રીતે બદલી નાખશે.
હવે નાગરિકો ઘરે બેઠા નોંધવી શકશે પોલીસ ફરિયાદ
કોઇ પણ રાજ્યની સમૃદ્ધિ અને વિકાસના પાયામાં સૌથી મહત્વની વાત રાજ્યની શાંતિ, સુરક્ષા અને નાગરિકોની સલામતી છે. ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન ગણાય છે. તેના પાયામાં રાજ્યમાં પ્રવર્તતી શાંતિ અને સુરક્ષા રહેલી છે. ગુજરાત રાજ્યની ગણના દેશના શાંત અને સુરક્ષિત રાજ્યમાં થાય છે. આટલી મજબૂત રાજ્યની સુરક્ષાનો પાયો રાજ્યમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાખ્યો હતો, જેને આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાળવી રાખ્યો છે. કેન્દ્રની મોદી સરકારના સતત મળતા સહયોગથી, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે સરહદી એવા ગુજરાત રાજ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરથી ડ્રગ્સને ઘૂસતું અટકાવ્યું છે.
લોકોની સુરક્ષા વધારવા માટે રાજ્યમાં સીસીટીવીનું મોટુ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. મહિલાઓની સુરક્ષા માટે ખાસ “શી-ટીમ”ની રચના કરવામાં આવી છે. રાજ્યમાં બાળકો વિરૂદ્ધ થતા ગુન્હાઓ ડામવા માટે સરકારે પોક્સો હેઠળ ઝડપથી કેસીઝ ચલાવ્યા છે. તો રાજ્યની ડબલ એન્જિન સરકાર દ્વારા લોકોની સુવિધા માટે ઈ-એફ.આઇ.આર. શરૂ કરવામાં આવી છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમા વાહન ચોરી અને મોબાઇલ ચોરી માટે e – FIR સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરી થાય ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં નાગરિકોને કેટલી મુશ્કેલી પડતી એ વાતથી સૌ કોઈ વાકેફ છે. આવી ફરિયાદો કરવામાં થતી તકલિફોને કારણે ચોરીના કેસની સંખ્યા પણ ઓછા પ્રમાણમાં નોંધાતી હતી અથવા નોંધાવવામાં આવતી હતી. સરકાર દ્વારા આ વીશે હવે નાગરિકો પોતાના વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકે તે માટે નાગરીકોને વાહન ચોરી તેમજ મોબાઇલ ચોરી અંગેની ફરીયાદ માં સરળતા રહે તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા નવો અભિગમ વિકસાવી ઈ-એફ.આઇ.આરની શરુઆત કરવામાં આવી. e – FIR અંતર્ગત છેલ્લા બે માસમાં 656 ફરીયાદ નોંધવામાં આવેલ છે જેમાંથી વાહન ચોરીની 332 અને મોબાઈલ ચોરીની 324 ફરીયાદ નોંધાઈ છે.
આ અંગે વાત કરતા સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ, ડિજીપી, અનિલ પ્રથમ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજયના નાગરીકોની સુખાકારીના હિત માટે આ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરીકોને વાહન ચોરી અને મોબાઈલ ચોરી જેવા કિસ્સાઓમાં એફ.આઇ.આર કરવા માટે હવે પોલિસ સ્ટેશન આવવુ પડતુ નથી અને માત્ર સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે જ ઓનલાઇન એફ.આઈ.આર. (e-FIR) ની સુવિધા માટે પોલીસ વિભાગને પણ સજજ કરવામાં આવ્યુ છે. ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ આશીર્વાદ રૂપ સાબિત થયેલ છે કારણ કે આવા કિસ્સાઓમાં મહિલાઓ પોલીસ સ્ટેશને ગયા સિવાય ઓનલાઇન એફ.આઇ.આર. ની નોંધણી કોઇ પણ જગ્યાથી કરી શકાય છે. તપાસ અધિકારી તપાસની પ્રક્રિયા ૩૦ દિવસમાં જ પુર્ણ કરી કોર્ટને મોકલે છે જેથી નાગરીકોને વિમાની રકમ પણ ઝડપથી મેળવવામાં સરળતા રહે છે. e-FIR પ્રત્યે નાગરિકોમાં પણ હકારાત્મક અભિગમ કેળવાયો છે.”
નાગરિકે નોંધાવેલ ઇ-એફ.આઇ.આર.ની તપાસની અંગેની સ્થિતિ તેઓના પોતાના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર એસ.એમ.એસ થી મોકલવામાં આવશે.૪૮ કલાકમાં પોલીસ ફરીયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે. વાહન ચોરીના કિસ્સામાં ચોરાયેલ વાહન અંગેની જાણ વિમા કંપનીને પણ કરવામાં આવશે. ગરીકની ફરીયાદ ની તપાસ ૨૧ થી 30 દિવસમાં પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે. જેથી નાગરિકોના ચોરાયેલ વાહનના વીમાની રકમ ઝડપથી મેળવી શકશે.
2 લાખ 44 હજાર કરોડ રૂપિયાનું ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું, કોઇ જ નવા કરવેરા વિનાનું પુરાંતવાળું બજેટ જાહેર
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર વર્ષ 2012થી સતત સરપ્લસ બજેટ રજૂ કરતી આવી છે. આ જ પ્રણાલીને આગળ ધપાવતા વર્ષ 2022માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતના ઇતિહાસનું સૌથું મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું. 3 માર્ચ, 2022ના રોજ 2 લાખ 44 હજાર કરોડ રૂપિયાનું, કોઇપણ નવા કરવેરા વગરનું પુરાંતવાળું બજેટ જાહેર કરવામાં આવ્યું. આ બજેટ ગત વર્ષની તુલનામાં રૂ.17,000 કરોડ વધારે છે.
ગુજરાત બજેટ 2022-23માં ખેડૂતો, વનબંધુઓ, ગરીબો અને વંચિતો સહિત સમાજના તમામ વર્ગોના ઉત્થાન અને સશક્તિકરણને પ્રાથમિકતા આપવામાં આવી. રોજગાર સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે-સાથે ત્વરિત વિકાસ માટેની યોજનાઓ પણ આ બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
સર્વ સમાવેશી બજેટ
કોઇપણ બજેટ એ સરકારની નીતિઓ અને વિઝનનું નાણાકીય દર્પણ હોય છે. આ વર્ષના ગુજરાત બજેટનું વિશ્લેષણ કરતા જણાય છે કે આ બજેટ સંપૂર્ણપણ સર્વ સમાવેશી છે. આ બજેટ સમાજના દરેક વર્ગની જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને સાથે જ મજબૂત અર્થતંત્ર માટે તેમાં દરેક સંભવ પાસાઓ પર વિચાર કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીના કારણે અર્થવ્યવસ્થા પર પડેલી ખરાબ અસરો છતાંપણ ગુજરાત સરકારે પોતાના આ બજેટમાં કોઈપણ નવા કરવેરા લગાવ્યા નથી, પરંતુ લોકોને રાહત આપવાનું કામ કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે પોતાના બજેટમાં ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને વધારાની રાહત આપતા પ્રતિમાસ રૂ.12,000 કમાનારા લોકોને કરવેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવાની જોગવાઈ કરી છે. ગુજરાત સરકારનું આ બજેટ એક જનહિતૈષી બજેટ છે, જેમાં સમાજના દરેક વર્ગના લોકોના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા જાહેર કરાયેલ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ (GGI) 2021 કમ્પોઝિટ રેન્ક સ્કોરમાં ગુજરાતે ટોચનું સ્થાન મેળવ્યું છે. ગુજરાતે 10 માંથી પાંચ ક્ષેત્રોમાં 5.66 (અગાઉના ઈન્ડેક્સ કરતાં 12.3% વધુ)ના સ્કોર સાથે મજબૂત પ્રદર્શન કર્યું છે. જેમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્ર, જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉપયોગિતાઓ, આર્થિક શાસન, સામાજિક કલ્યાણ અને વિકાસ, ન્યાયતંત્ર અને જાહેર સુરક્ષાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુશાસનનો મજબૂત પાયો નાખ્યો હતો જેથી નાગરિકો સુધી સુવિધાઓ સરળતાથી પહોંચે. અત્યારે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ માં ગુજરાતે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાત તે દિશામાં મકક્મતાથી આગળ વધી રહ્યું છે.
GGI વિશે
- GGI એ સમગ્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાસનની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટેનું એક વ્યાપક અને અમલીકરણ માળખું છે જે રાજ્યો/જિલ્લાઓની રેન્કિંગને સક્ષમ કરે છે.
- GGI નો ઉદ્દેશ્ય એક એવું સાધન બનાવવાનો છે જેનો ઉપયોગ કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવેલા વિવિધ હસ્તક્ષેપોની અસરનું મૂલ્યાંકન કરી શકે.
- GGI માળખાના આધારે, આ ઇન્ડેક્સ એ રાજ્યો વચ્ચે તુલનાત્મક ચિતાર આપે છે અને સુધારણા માટેની સ્પર્ધાત્મક ભાવના વિકસાવે છે.
- GGI 2021 કહે છે કે 20 રાજ્યોએ GGI 2019 ઇન્ડેક્સ સ્કોર્સ કરતાં તેમના સંયુક્ત GGI સ્કોર્સમાં સુધારો કર્યો છે. 2021ના GGI અનુસાર, 2019ની સરખામણીએ 20 રાજ્યોએ તેમના સંયુક્ત GGI સ્કોર્સમાં સુધારો કર્યો છે.
ગુજરાતનું સર્વ સમાવેશી ગવર્નન્સ મોડલ
ગુજરાત રાજ્યનું ગવર્નન્સ મોડલ સમાવિષ્ટ અને અસરકારક નિર્ણયો દ્વારા લોકોને સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે. 2001માં આવેલા વિનાશક ધરતીકંપ પછી અને પાણીની અછત ધરાવતું રાજ્ય હોવાને કારણે, કોઈએ સપનામાં પણ વિચાર્યું નહોતું કે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૃષિ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરશે. પરંતુ આજે, શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય કુદરતી ખેતી તકનીકોમાં વિકાસનો નવો માર્ગ બતાવી રહ્યું છે જે નફાકારક હોવાની સાથે ટકાઉ પણ છે.
રાજ્ય સરકારની વેપાર સાનુકૂળ નીતિઓના લીધે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સહાયતા મળી છે. રાજ્યમાં આપવામાં આવાતા વિવિધ પ્રોત્સાહનોના લીધે સરળતાથી ઉદ્યોગ સ્થાપિત કરવામાં મદદ મળી રહી છે. કોવિડ-19ના સમયે, જ્યારે પબ્લિક હેલ્થ સેન્ટર્સ (PHCs) ખાતે ડોકટરોની ઉપલબ્ધતામાં ઘટાડો થવાનું ચિંતાજનક વલણ જોવા મળી રહ્યું હતું, ત્યારે ગુજરાતે સક્ષમ વ્યાવસાયિકોની સંખ્યામાં સુધારો કર્યો હતો. ગુજરાતમાં, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ, 50,000 થી વધુ માસિક રૂટિન ઇમ્યુનાઇઝેશન/મમતા સત્રો દ્વારા રાજ્યભરમાં વાર્ષિક 12 લાખથી વધુ બાળકો અને 13.5 લાખ સગર્ભા સ્ત્રીઓને રસી આપવામાં આવે છે.
વધુમાં, ગુજરાત આર્થિક શાસનમાં અન્ય રાજ્યો કરતાં ઘણું આગળ હતું જે દર્શાવે છે કે રાજ્યએ વિકાસ યોજનાઓ હાંસલ કરવા માટે સંસાધનોનો વધુ સારી રીતે ઉપયોગ કર્યો છે. જીએસડીપીમાં રાજકોષીય ખાધ અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછી રહી છે. તે દર્શાવે છે કે સરકાર તેની ક્ષમતા કરતાં વધુ ખર્ચ નથી કરી રહી.
નોંધનીય છે કે ગુજરાતે આ સિદ્ધિ તે સમયે હાંસલ કરી હતી જ્યારે વિશ્વભરમાં કોવિડ-19 રોગચાળો ફેલાયો હતો અને આર્થિક રાહત અને વાયરસના ફેલાવાને રોકવા માટે લોકો તેમની સરકારો તરફ જોઈ રહ્યા હતા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ હંમેશાથી ‘પ્રો-પીપલ’ અને ‘સિટિઝન ફર્સ્ટ’ અભિગમ માટે પ્રતિબદ્ધ છે. ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં ટોચના સ્થાને રહેલા ગુજરાતે સાબિત કર્યું છે કે વિપરિત સંજોગોમાં પણ રાજ્ય સરકાર રોગચાળાને સંભાળવામાં અને યોગ્ય નીતિનિર્માણથી નાગરિકોનું રક્ષણ કરવામાં સફળ રહી છે.
ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકારનું પ્રોત્સાહન
રાજ્યનો ડાંગ જિલ્લો બન્યો સૌપ્રથમ 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો
ગુજરાતે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કૃષિ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. છેલ્લા 20 વર્ષોમાં રાજ્ય સરકારે કરેલા પ્રયાસોને પરિણામે આજે ગુજરાતના કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિ દર ડબલ ડિજિટમાં છે. કૃષિ ક્ષેત્રે આ જ પ્રયાસોને આગળ વધારતા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આજે પ્રાકૃતિક ખેતીની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી પ્રાકૃતિક ખેતી એક જન આંદોલનમાં રૂપાંતરિત થઈ રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતીની હિમાયત કરી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે ખેડૂતોની રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ પરની નિર્ભરતાને ઘટાડીને તેના સ્થાને તાજા ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, કઠોળનો લોટ, પાણી અને માટીનું મિશ્રણ જેવા પ્રાકૃતિક તત્વોના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. આ પ્રકારે ખેતી કરવાથી એકંદર ઇનપુટ ખર્ચમાં પણ ઘટાડો આવે છે, જે ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવામાં મદદરૂપ છે. રાજ્ય સરકાર પશુઓની જાળવણી માટે 900 રૂપિયાની માસિક નાણાકીય સહાય પણ પૂરી પાડે છે, જે એક રીતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
ગત વર્ષે પ્રાકૃતિક ખેતી પરની રાષ્ટ્રીય કોન્ક્લેવને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ખેડૂતોને રાસાયણિક ખાતરથી જમીનને થઈ રહેલા નુકસાનને ટાળવા માટે તેમની કૃષિ પદ્ધતિઓમાં ફેરફાર કરવા જણાવ્યું હતું. તેમણે ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધિત કરતી વખતે પણ આ વાતને ફરી એક વખત દોહરાવી હતી અને કહ્યું હતું કે દરેક ગામમાંથી ઓછામાં ઓછા 75 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. વડાપ્રધાનની આ અપીલે રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહન આપ્યું અને તેમને આ જન-આંદોલન તરફ પ્રેરિત કર્યા.
આદિવાસી પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લાને સૌપ્રથમ 100 ટકા પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે સુરત જેવા જિલ્લાઓએ પણ આ પડકાર સ્વીકારીને જિલ્લાના દરેક ગામમાંથી 75 ખેડૂતોને પસંદ કરવા માટે ગ્રામ, તાલુકા અને જિલ્લા સમિતિઓની રચના કરી છે. કુદરતી ખેતી કેવી રીતે કરવી તે વિશે મૂળભૂત જ્ઞાન આપવા માટે, નેતા અને નોડલ અધિકારી સાથે ટીમો બનાવવામાં આવી જેમના દ્વારા નિયમિત તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. ખૂબ જ ટૂંકા ગાળામાં, સુરતની 556 પંચાયતોના 41,700 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી. આજે સુરત દૈનિક ધોરણે આશરે 56,000 લિટર જીવામૃતનું ઉત્પાદન કરે છે અને આ કુદરતી પ્રવાહી ખાતરનું માર્કેટિંગ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રએ સુરત મિલ્ક યુનિયન લિમિટેડ (SUMUL) સાથે એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ પ્રયાસોની સરાહના કરી હતી. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી રાજ્ય જમીનની ગુણવત્તાનું રક્ષણ કરીને ધરતી માતાની પણ સેવા કરી રહ્યું છે અને ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી અપનાવતા ખેડૂતોને ગાયોની જાળવણી માટે રૂપિયા 213 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરી છે. આ સામૂહિક પ્રયાસો અને ફેરફારોનું અનુકૂલન કરવાની ખેડૂતોની ઇચ્છાએ રાજ્યને છેલ્લા એક વર્ષમાં પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવામાં ખરેખર મદદ કરી છે.
ગુજરાતના યાત્રાધામો બન્યા વધુ સુવિધાયુક્ત
અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉ
પાવાગઢ શિખર પર 500 વર્ષો બાદ ધ્વજારોહણ
તારંગા હિલથી અંબાજી સુધી નવી રેલવે લાઇનને મંજૂરી
ગુજરાતના પ્રવાસન વિભાગે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અનેકવિધ પગલાં લીધા છે. છેલ્લા 20 વર્ષોમાં પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે કાઠું કાઢ્યું છે. કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને નિહાળવા માટે વિશ્વભરમાંથી લોકો આવે છે. સાથે જ કચ્છમાં યોજાતો રણોત્સવ, વાયબ્રન્ટ ગુજરાત, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, ગિર અભયારણ્ય વગેરે જેવા પ્રવાસન આકર્ષણો અનેક પ્રવાસીઓને ગુજરાત ખેંચી લાવે છે.
ગુજરાત સરકાર હવે રાજ્યના યાત્રાધામોમાં પ્રવાસી સુવિધાઓ વિકસિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં છેલ્લા એક વર્ષમાં યાત્રાધામોના વિકાસ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજી મંદિર સહિતનાં યાત્રાઘામના સ્થળોએ સુવિધાઓ વિકસાવામાં આવી છે.
અંબાજી ખાતે એક જ સ્થળે 51 શક્તિપીઠની પરિક્રમા
ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. અંબાજી ખાતે રાજ્ય સરકાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ઉપક્રમે 51 શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લાભ મળતો થયો છે. આ સાથે જ ગબ્બર ખાતે રૂ.13.35 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેમજ સાંસ્કૃતિક વિલેજનું પણ નિર્માણ કરાયું છે. આ ઉપરાંત, અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવાયેલી મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે.
પાવાગઢ ખાતે મા કાલિકાના મંદિર પર 500 વર્ષ બાદ ધ્વજારોહણ
પાવાગઢ ખાતે કાલિકા માતાના નવનિર્મિત મંદિરના સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. પાંચ શતાબ્દી પછી મહાકાળીના શિખર પર ધજા ચઢી છે. આ કાયાકલ્પ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. વિકાસકાર્યોમાં ખાસ વાત એ છે કે, મહાકાળી મંદિરને ભવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું છે, પણ ગર્ભગૃહનું મૂળ સ્વરૂપ એવું જ રખાયુ છે.
આ સાથે જ પાવાગઢ ધામમાં આવતા શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો થાય તે માટે રાજ્ય સરકારે રૂ.121 કરોડના ખર્ચે મંદિર પરિસરનો વિસ્તાર કર્યો છે. તળેટીના માચી વિસ્તારમાં યાત્રિકોને પાયાની સગવડો આપવા રૂપિયા 37 કરોડના ખર્ચે વિકાસ કામો થઈ રહ્યા છે.
તારંગા હિલથી અંબાજી સુધી નવી રેલવે લાઇનને મંજૂરી
પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ દ્વારા દેશના રેલવે તેમજ રોડવેના માળખાને એક સુસંગત રીતે જોડીને વિકાસની નવી યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે. તેના ભાગરૂપે વડાપ્રધાનના વડપણ હેઠળ 13 જુલાઈ, 2022ના રોજ કેબિનેટ દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઇનને મંજૂરી આપવામાં આવી. રૂ. 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલ્સથી આબુ સુધી રેલવે લાઇન સ્થાપિત કરવાને કેબિનેટે મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકાર તેમજ રેલવે વિભાગે કામગીરી શરૂ કરી દીધી છે.
આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામાં આવશે અને પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવવામાં આવશે. આ પ્રોજેક્ટને આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુ સુધીની 116.654 કિમીની રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામા આવશે જે 60 ગામડાઓમાંથી પસાર થશે. આ રેલવે લાઈનના નિર્માણથી ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામડાઓને ફાયદો થશે.
કુલ વીજળીના 43% ઉત્પાદન પુનઃપ્રાપ્ય સ્ત્રોતો દ્વારા
રાજ્યની તમામ સરકારી વીજ વિતરણ કંપનીઓને A+ની શ્રેણીમાં સ્થાન
આજે વિશ્વમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ગ્રીનહાઉસ ગેસ ઘટાડવાના મિશન પર વિવિધ દેશની સરકારો દ્વારા કામ કરવામાં આવી રહ્યુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 2070 સુધીમાં ‘નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન’ના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે બદલાતા સમયની સાથે ચાલતા નવી નીતિઓ અને પ્રોજેક્ટ્સ દ્વારા તમામ ક્ષેત્રે સ્વચ્છ અને હરિયાળી ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. તાજેતરમાં જ ગુજરાત સરકારે વિવિધ પહેલો દ્વારા નાગરિકોમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી જાહેર કરી હતી.
આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા પણ રિન્યુએબલ એનર્જીના ઉપયોગ પર સતત ભાર મુકવામાં આવી રહ્યો છે. મહત્વપુર્ણ છે કે 27% થી વધુ યોગદાન સાથે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં ગુજરાત દેશભરમાં મોખરે છે. છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકાર દ્વારા 76,732 થી વધુ લોકોને કુલ રૂ. 528 કરોડની સબસીડી આપવામાં આવી છે. તો છેલ્લા એક વર્ષમાં કુલ 309 મેગાવોટ સૌર ક્ષમતા સ્થાપિત કરાઈ છે. અત્યાર સુધીમાં, ગુજરાત સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન દ્વારા 1923 મેગાવોટ સોલાર પાવર ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
હાલ, ગુજરાતમાં તેની કુલ ઊર્જાના લગભગ 43% ઉત્પાદન પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો દ્વારા કરવામાં આવે છે. ગુજરાતના પ્રથમ સોલાર પાર્કની સ્થાપના 2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ 730 મેગાવોટની ક્ષમતા સાથે કરવામાં આવી હતી. આજે, રાજ્ય સરકાર એક ધોલેરા ખાતે 5000 મેગાવોટની ક્ષમતા સાથે અને બીજો રાધનેસડા ખાતે 700 મેગાવોટની ક્ષમતા સાથે વધુ બે સોલાર પાર્ક સ્થાપીને તેની પ્રતિબદ્ધતાને આગળ ધપાવી રહી છે.
ગુજરાતમાં 28,000 મેગાવોટની ક્ષમતા સાથે કચ્છમાં ‘વિશ્વના સૌથી મોટા વિન્ડ-સોલર હાઇબ્રિડ પાર્ક’નું પણ નિર્માણ કરવામાં આવ્યુ છે. તો છેલ્લા એક વર્ષમાં કુલ 482 મેગાવોટની ક્ષમતાના વિન્ડ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી છે.
ગ્રીન એનર્જી કોરિડોર હેઠળ 8 EHV સબ-સ્ટેશન (એક્સ્ટ્રા હાઇ વોલ્ટેજ) અને 1908 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇનના 1962.12 કરોડના ખર્ચે છેલ્લા એક વર્ષમાં સ્થાપિત કરવામાં આવી છે.
હાલમાં જ ગુજરાતની ચારેય વીજ વિતરણ કંપનીઓ, યુજીવીસીએલ, પીજીવીસીએલ, ડીજીવીસીએલ અને એમજીવીસીએલને વર્ષ 2021 માટે ‘ડિસ્કોમના 10માં સંકલિત રેટિંગ’માં A+ ગ્રેડ પ્રાપ્ત થયો છે. તો સાથે જ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) એ વર્ષ 2021-22 માટે એસોસિયેશન ઓફ રિન્યુએબલ એનર્જી એજન્સીઝ ઓફ સ્ટેટ્સ (AREAS) ખાતે છ એવોર્ડ પણ મેળવ્યા છે.
સરકારના આ તમામ પ્રયાસો અને લોકોમાં પુન:પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતને લઈને આવેલી જાગૃતિના કારણે આજે ગુજરાતની હવાની ગુણવત્તા સમગ્ર ભારત કરતાં 15% વધુ સ્વચ્છ છે.
વડાપ્રધાનના ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા કાર્યક્રમ’ને સફળ કરવામાં ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અગ્રેસર
*****
રાજ્યોની સ્ટાર્ટઅપ રેન્કિંગમાં 2019થી ગુજરાત બેસ્ટ પર્ફોમર સ્ટેટ તરીકે અગ્રેસર
*****
જાન્યુઆરીથી જૂન 2022 સુધી 900થી વધુ સ્ટાર્ટઅપ નોંધાયા
******
2019 અને 2020માં ₹ 20 લાખથી વધુના એવોર્ડ યુવા સાહસિકોને આપવામાં આવ્યા
ભારતમાં આજે વિશ્વની સૌથી વધુ યુવા વસ્તી છે. ‘ન્યૂ ઈન્ડિયા’ના વિકાસને વેગ આપવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્રોગ્રામ’ શરૂ કર્યો હતો. તેનો ઉદ્દેશ્ય ઉદ્યોગસાહસિક કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો અને યુવાનોને ‘નોકરી શોધનાર’માંથી ‘નોકરી આપનાર’ બનાવવાનો હતો.
વડાપ્રધાનના વિઝનમાંથી પ્રેરણા લઈને, ગુજરાતે ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી’ રજૂ કરી હતી. દેશમાં આવું કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ‘સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0’ દ્વારા વડાપ્રધાનના વિઝનને આગળ વધારવામાં આવી રહ્યું છે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા વેબ ડેટા અનુસાર, ગુજરાતમાં 14,000 થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે. રાજ્યભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ પાસે 180 થી વધુ ઇન્ક્યુબેટરનું નેટવર્ક છે જે ‘નવા ભારત’ના ભાવિનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરિણામે, ‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’ કાર્યક્રમના સફળ અમલીકરણ માટે ગુજરાતને 2017માં જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પ્રાઇમ મિનિસ્ટર્સ એવોર્ડ મળ્યો છે.
2019 થી 2021 સુધીના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાતને ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સ્ટાર્ટઅપ્સમાં 70% થી વધુની વૃદ્ધિ થઈ છે. 2016માં, રાજ્યમાં માત્ર 24 સ્ટાર્ટઅપ્સ હતા. 2021 સુધીમાં, રાજ્યમાં 1717 સ્ટાર્ટઅપ્સ નોંધાઇ ચૂક્યા છે. જાન્યુઆરી 2022થી જૂન 2022 વચ્ચે 973 નવા સ્ટાર્ટઅપ્સ રાજ્યમાં નોંધાયા છે.
SSIP 1.0નો ઉદ્દેશ્ય ઓછામાં ઓછા 1000 વિદ્યાર્થીઓને ઇનોવેશન માટે તેમજ વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત 500 સ્ટાર્ટઅપને સહાયતા કરવાનો અને રાજ્યની યુનિવર્સિટી અને સંસ્થાઓમાં ઇન્ક્યુબેટર્સ વિકસિત કરવાનો છે. આ નીતિ દ્વારા ઇનોવેશન પર ભાર મૂકીને સ્નાતકો માટે રોજગાર પેદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
SSIP 1.0 અંતર્ગત આપવામાં આવેલ નાણાકીય સહાયની વિગત
| વર્ષ | રકમ |
| 2017-18 | ₹ 8,85,40,473 |
| 2018-19 | ₹ 2,50,60,560 |
| 2019-20 | ₹ 13,17,82,907 |
| 2020-21 | ₹ 27,74,32,873 |
| 2021-22 | ₹ 4,42,76,034 |
SSIP 1.0 હેઠળ, આજ સુધીમાં 1156 આઈપીઆર દાખલ કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં 2154થી વધુ વિદ્યાર્થી સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે. પ્રોટોટાઇપ વિકસાવવા માટે 6513 થી વધુ વિદ્યાર્થીઓને રૂ.2 લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવી છે. 2019 અને 2020માં ₹ 20 લાખથી વધુના 84 એવોર્ડ યુવા ઇનોવેટર્સને આપવામાં આવ્યા છે.
SSIP 2.0 હેઠળ, રાજ્ય સરકારે તેનો વ્યાપ પાંચ ગણો વધાર્યો છે. આ પોલિસી 1000 ઉચ્ચ અને ટેકનિકલ સંસ્થાઓ અને 10,000 ઈનોવેશન અને આંત્રપ્રિન્યોરશિપ સ્કૂલોના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેવાનું લક્ષ્ય રાખે છે. પોલિસી અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા 1000 પ્રુફ ઓફ કોન્સેપ્ટ્સ સહિત 10 હજાર પ્રુફ ઓફ કોન્સેપ્ટ્સ અને પ્રોટોટાઇપને મદદ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આગામી પાંચ વર્ષ માટે SSIP 2.0 હેઠળ કુલ ₹500 કરોડની સહાય આપવામાં આવશે.
SSIP 2.0 હેઠળ ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા બાળકોને પણ આવરી લેવામાં આવ્યા છે. શાળાના વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ (PoC)/પ્રોટોટાઇપ/ઇનોવેશનના પુરાવા દીઠ ₹20,000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે.
SSIP 2.0ના ઉદ્દેશ્ય:
- રાજ્યની ઓછામાં ઓછી 1000 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (HEIs) અને 10,000 શાળાઓને આવરી લેતા 50 લાખ વિદ્યાર્થીઓને નવીનતા અને ઉદ્યોગસાહસિકતા માટે પ્રોત્સાહિત કરવા.
- 10,000 વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના પ્રૂફ-ઓફ-કન્સેપ્ટ્સ (PoCs/પ્રોટોટાઇપ) ને સમર્થન.
- 5000 IP ફાઇલિંગ માટે સહાય
- રાજ્યમાં ઓછામાં ઓછી 500 શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓનીમાં લાભાર્થીઓ માટે એક મજબૂત પ્રિ- ઈન્ક્યુબેશન સપોર્ટ સિસ્ટમ હોય તેવી ક્ષમતા વિકસિત કરવી.
- 1500 વિદ્યાર્થી સ્ટાર્ટ-અપ્સ અને હાલના સ્ટાર્ટ-અપ્સને અપસ્કેલ કરવા.
- 500 સ્ટાર્ટઅપને ઇન્ક્યુબેટ કરવા ( ભૌતિક અને વર્ચ્યુઅલ )
સ્ટાર્ટઅપ સૃજન અંતર્ગત 500 સ્ટાર્ટઅપને સહાયતા (₹10 લાખ સુધી).
રાજ્ય સરકારે ગુજરાતની લગભગ 80% જનતાને આપ્યું કોવિડ વેક્સિનેશનનું સુરક્ષા કવચ
7 સપ્ટેમ્બર, 2022 સુધીમાં ગુજરાતને મળ્યા 12.43 કરોડથી વધુ વેક્સિનના ડોઝ
ટ્રાન્સજેન્ડર સમુદાયના વેક્સિનેશન માટે વિશેષ શિબિરોનું આયોજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે ગત 1 વર્ષમાં કોવિડ વેક્સિનેશન ડ્રાઇવ અસરકારક રીતે લાગુ કરવામાં સફળ રહી છે. ગુજરાતના દરેક નાગરિકને કોરોના વાયરસની સામે સુરક્ષા કવચ પ્રદાન કરવાના ઉદ્દેશથી છેલ્લા 12 મહિનાઓમાં રાજ્ય સરકારે એ સુનિશ્ચિત કર્યું છે કે ભારત સરકારના દિશા-નિર્દેશો અનુસાર રાજ્યના દરેક પાત્ર નાગરિકને કોવિડ વેક્સિન ઉપલબ્ધ થાય. આ માટે રાજ્ય સરકારે સંસ્થાકીય વ્યવસ્થાઓને વધુ બહેતર બનાવવાની સાથે સાથે જનતા સુધી વેક્સિનની પહોંચને પણ સરળ બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત કોવિડ-19 માટે વિશ્વની સૌથી મોટી રસીકરણ અભિયાનમાં સફળ રહ્યું છે. આ રસીઓ ‘આત્મનિર્ભર ભારત’ તરફ દેશને આગળ લઇ જવા મહત્વપૂર્ણ છે કારણ કે તે (COVISHIELD અને COVAXIN) ભારતમાં જ ઉત્પન્ન થાય છે.. ઉલ્લેખનીય છે કે પ્રત્યેક એક લાખ લાભાર્થીઓને વેક્સિનના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક છે, અને સાથે જ રાજ્યમાં 18 વર્ષની ઉંમરના 100% લોકોને વેક્સિનનો પહેલો તેમજ બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
ભૂપેન્દ્ર પટેલે કોરોનાના કારણે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 કરી રદ
કોરોનાના કેસીસમાં સતત વધારો થવાને કારણે અને નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમ વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022ને રદ કરવાનો બોલ્ડ નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણય માટે રાજ્યની જનતા તરફથી પણ ભૂપેન્દ્ર પટેલને સમર્થન મળ્યું હતું અને એક્સપર્ટ્સે પણ આ નિર્ણય માટે રાજ્ય સરકારની પ્રશંસા કરી હતી.
11 સપ્ટેમ્બર 2022 સુધીમાં ગુજરાતને મળ્યા 12.43 કરોડથી વધુ વેક્સિનના ડોઝ
હાલમાં રાજ્યમાં 12,000થી વધુ પ્રશિક્ષિત વેક્સિનેટર્સ ઉપલબ્ધ છે. 11 સપ્ટેમ્બરના આંકડા પ્રમાણે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 12.49 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 18 વર્ષથી વધુની ઉંમરના વર્ગમાં 4.92 કરોડથી વધુ લોકોને પહેલો ડોઝ, 4.93 કરોડથી વધુ લોકોને બીજો ડોઝ, 15-17 વર્ષની ઉંમરના વર્ગમાં 31 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ, 28 લાખથી વધુ લોકોને બીજો ડોઝ, 12-14 વર્ષની ઉંમરના વર્ગમાં 19 લાખથી વધુ લોકોને પહેલો ડોઝ, 16.08 લાખથી વધુ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ જ રીતે પ્રિકોશન ડોઝની વાત કરીએ તો 60 વર્ષથી વધુ ઉંરના લોકોમાં 56 લાખથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 18-57 વર્ષના ઉંમરના વર્ગમાં 1.11 કરોડથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો છે.
વેક્સિનના વ્યાપક કવરેજ માટે લેવામાં આવ્યા મહત્વપૂર્ણ પગલાંઓ
ગુજરાતના પ્રત્યેક નાગરિકોને કોવિડ સામે સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે અનેક મહત્વપૂર્ણ પગલાંઓ લીધાં છે. ઉદાહરણ તરીકે, રાજ્ય સરકારે ‘હર ઘર દસ્તક ફેઝ 2.0’ લાગુ કર્યો, જેના હેઠળ વેક્સિનનો બીજો ડોઝ, પ્રિકોશન ડોઝ અને 12-17 વર્ષના એજ ગ્રુપમાં વેક્સિન આપવામાં આવી છે. આ જ રીતે, 12-17 વર્ષના મહત્તમ લાભાર્થીઓને કવર કરવા માટે સ્કૂલમાં વિશેષ શિબિરો આયોજિત કરવામાં આવી. રવિવાર તેમજ અન્ય સાર્વજનિક રજાઓના દિવસે વેપારીઓ, દુકાનદારો તેમજ જાહેરાતો સાથે સંકળાયેલા પાત્ર લાભાર્થીઓના રસીકરણ માટે વિશેષ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત, વૃદ્ધો અને વિકલાંગ લાભાર્થીઓની સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને ‘નિયર ટુ હોમ’ (ઘરની નજીક) રણનીતિ દ્વારા પ્રાથમિકતાના આધારે કોવિડ રસીકરણ પર ભાર મૂકવામાં આવ્યો.
ટ્રાન્સજેન્ડર સમુદાયના વેક્સિનેશન માટે વિશેષ શિબિરોનું આયોજન
ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના પ્રત્યેક નાગરિકોને કોવિડ વેક્સિન આપવા માટે રાજ્ય સરકારે વિશેષ શિબિરોનું આયોજન કર્યું. ઉલ્લેખનીય છે કે 7 સપ્ટેમ્બર, 2022 સુધીમાં રાજ્યના ટ્રાન્સજેન્ડર સમુદાયને 22,483 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
નવી નીતિઓથી ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકે અગ્રેસર
આઇટી, બાયોટેક્નોલોજી અને રમતગમત ક્ષેત્રે નવી પોલિસીથી રોજગાર તેમજ ,કૌશલ્ય નિર્માણ થશે
ગુજરાતને વિકાસના પથ પર અગ્રેસર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, રાજ્યમાં અસરકારક નીતિઓ લાવીને એક નવી દિશા સ્થાપિત કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે, એક વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરીને ગુજરાતને પોલિસી આધારિત રાજ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
મુખ્યમંત્રી તરીકે કાર્યભાળ સંભાળ્યા બાદ એક વર્ષની અંદર જ CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે IT, બાયોટેક, સ્પોર્ટ્સ, સેમી કંડક્ટર, ડ્રોન, તેમજ SSIP 2.0 પોલિસી જાહેર કરીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. તેનાથી રોજગારીની નવી તકોનું નિર્માણ થશે અને સંબંધિત ક્ષેત્રનો વિકાસ થશે. રોકાણ માટે પણ આ નીતિઓમાં જરૂરી જોગવાઇઓ કરવામાં આવી છે.
ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી
- બાયોપ્લાસ્ટિકસથી લઇને જિન સ્પ્લાઇસીંગ અને સ્ટેમ સેલ થેરાપી જેવા ક્ષેત્રોમાં આ પોલિસી પ્રોત્સાહક બનશે. રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રે ₹20,000 કરોડથી વધારેનું મૂડી રોકાણ થવાની સંભાવના
- રાજ્યમાં ૫૦૦ થી વધારે ઉદ્યોગોને આ પોલિસીમાંથી સહાય અપાશે
- ૧ લાખ ર૦ હજારથી વધુ નવા રોજગાર અવસરોની સંભાવના
- ઇલેકટ્રીસીટી ડ્યુટી ઉપર ૧૦૦% વળતર
- સ્ત્રી સશક્તિકારણને પ્રોત્સાહન આપવા માટે મહિલા કર્મચારી માટે ૧૦૦% ઈ.પી.એફ. સહાય.
- નવી બાયોટેક્નોલોજી પોલિસી રાજ્યમાં ઇનોવેશન ઇકોસીસ્ટમને વધુ સુદ્રઢ બનાવશે
- નવા મૂડીરોકાણો માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવવાની નેમ
નવી IT પોલિસી
- IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક IT નિકાસ ૩ હજાર કરોડથી વધારીને રપ હજાર કરોડ સુધી લઇ જવાનો લક્ષ્ય
- તમામ પાત્ર IT-ITeS એકમોને ૧૦૦ ટકા ઇલેકટ્રીસિટી ડ્યુટીનું વળતર અપાશે
- રાજ્યમાં એક સુદ્રઢ કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરીને આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ-મશીન લર્નીંગ –ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ-બ્લોકચેન જેવી નવી ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ-ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ધ્યેય
- સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની આઇ.ટી પોલિસીમાં CAPEX-OPEX કેપિટલ એક્સપેન્ડીચર-ઓપરેશનલ એક્સપેન્ડીચર મોડલનો યુનિક કોન્સેપ્ટ
- ઇન્ફરમેશન ટેક્નોલોજી ઉદ્યોગો માટે તૈયાર કુશળ પ્રતિભાઓના અગ્રણી સ્ત્રોત બનવા રાજ્યમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ સ્કૂલ-આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાશે
- નવી પોલિસી દ્વારા આઇ.ટી ઇકોસિસ્ટમ માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવાશે
નવી રમતગમત નીતિ
- ગુજરાત સરકારની નવી સ્પોર્ટ્સ પોલિસીથી રગ્બી, બોલ હોકી, ઇસ્પોર્ટ્સ વગેરે જેવી ઓલિમ્પિક-સ્તરની વધારે રમતોને પ્રોત્સાહન મળશે.
- નવી ખેલકૂદ નીતિ અંતર્ગત ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસિત થશે
- એથ્લેટ અને પેરાએથ્લેટને રોકડ પુરસ્કાર આપવામાં ગુજરાત અગ્રણી બનશે
- ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપિત કરાશે
- ખેલ મહાકુંભ બનશે એશિયાનો સૌથી મોટો સ્પોર્ટ્સ આઇડેન્ટિફિકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ
- પેરાએથ્લિટ કેન્દ્રિત હાઈ પરફોર્મન્સ સેન્ટર સ્થાપિત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે
- ગુજરાતમાં 4 નવા વર્લ્ડ કલાસ હાઈ પરફોર્મન્સ સેન્ટર બનશે
- ગુજરાતના તમામ નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ હવે ઓલમ્પિકના માપદંડોના આધારે બનશે
- રાજ્યમાં આદિવાસી લોકોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વિશેષ કાર્યક્રમ શરૂ કરાશે
- આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ થકી ગુજરાત સ્પોર્ટ્સ ગવર્નન્સ બનશે પેપરલેસ, પારદર્શી અને સમયબદ્ધ
- સ્પોર્ટ્સ એશોશીયેશન સાથે મળીને થશે સ્પોર્ટ્સ લીગ અને કોમ્પિટિશનનું આયોજન
નવી ડ્રોન નીતિ
રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડીલીવરી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી મેન્યૂફેકચરીંગ અને ઇનોવેશન સહિતની વાયબ્રન્ટ ડ્રોન ઇકો સિસ્ટમનું નિર્માણ કરવાનો આ નીતિનો ઉદ્દેશ્ય છે. આ પોલિસીથી 25 હજાર જેટલી પ્રત્યક્ષ, પરોક્ષ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
સરકારના ગૃહ, ખેતી, ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, શ્રમ અને રોજગાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, શહેરી વિકાસ, આપત્તિ વ્યવસ્થાપ સત્તામંડળ, વન, મહેસૂલ, સિંચાઈ તેમજ માર્ગ અને મકાન વિભાગમાં વિવિધ કામગીરી માટે ડ્રોનનો અસરકારક ઉપયોગ કરવા માટે આ પોલિસીમાં જોગવાઇ કરવામાં આવી છે.
ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી
- આ નીતિથી ગુજરાતે ટેક્નોલોજીની ક્રાંતિ તરફ વધુ એક પગલું ભર્યું છે. “સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડિકેટેડ પોલિસીની જાહેરાત કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
- રાજ્યમાં સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી ૨૦૨૨થી ૨૦૨૭ જાહેર કરવામાં આવી છે. આ પોલિસી થકી આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે.
- આ પોલિસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝીયન(ધોલેરા સર) ખાતે ધોલેરા સેમિકોન સીટી સ્થાપવામાં આવશે અને પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ 200 એકર જમીન ખરીદી પર 75% સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ/ડાઉનસ્ટ્રીમ તથા ISM હેઠળ મંજૂર થયેલા અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન ઉપર 50 ટકા સબસિડી આપવામાં આવશે. તે સિવાય ઉદ્યોગોને પાણીની ઉપલબ્ધિ, યુનિટ દીઠ પાવર ટેરિફની જોગવાઇ, જમીનના વેચાણ/ટ્રાન્સફર માટે 100 ટકા સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના વળતરની જોગવાઇ પણ આ નીતિમાં કરવામાં આવી છે.
સ્ટુડન્ટ સ્ટાર્ટ–અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0)
આ વર્ષની શરૂઆતમાં “સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0)” લોન્ચ કરવામાં આવી છે. આ નીતિમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સક્રિય ઈનોવેશન અને ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના માટેની જોગવાઈઓ છે. નીતિનો ઉદ્દેશ્ય 1,000 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને 10,000 ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપ શાળાઓમાં 50 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાનો છે. આ નીતિનો હેતુ વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા 10,000 પ્રૂફ ઓફ કોન્સેપ્ટ્સ અને પ્રોટોટાઈપ્સ તેમજ શાળાના બાળકો દ્વારા વિકસિત કરવામાં આવેલા 1,000 પ્રૂફ ઓફ કોન્સેપ્ટ્સને આર્થિક સહાયતા પૂરી પાડવાનો છે.
સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027
- ફિલ્મ ક્ષેત્રે રોજગારી તેમજ અન્ય તકો વધે, તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય અને ખાનગી ભાગીદારી દ્વારા ફિલ્મ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે વહીવટી પ્રક્રિયા સરળ થાય, તે આ પોલિસીનો ઉદ્દેશ્ય છે.
· આ યોજના ગુજરાતમાં મોટા બજેટની ફિલ્મોના શૂટિંગ માટે ₹25 કરોડથી વધુ ન હોય તેવા નિર્માણ ખર્ચ પર 25% સુધીની વળતર ઓફર કરે છે. ઉપરાંત, ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મેગા ફિલ્મ એવોર્ડ ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે ખર્ચ પર 20% વળતરની જોગવાઇ છે.
- ફિલ્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના કિસ્સામાં, કોઈપણ ઉચ્ચ મર્યાદા વિના પાત્ર પ્રોજેક્ટ્સ માટે 20% સુધીની મૂડી સબસિડીની જોગવાઇ છે. આ પ્રોજેક્ટ્સમાં ફિલ્મ સિટી, ફિલ્મ અને ટીવી સ્ટુડિયો, ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અને પોસ્ટ પ્રોડક્શન સુવિધાઓની સ્થાપના થઈ શકે છે. તેઓ લીઝ પર 100 એકર સુધીની સરકારી જમીન મેળવી શકે છે, અને નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટી પર 100% વળતર મેળવી શકે છે.
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
