આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય રમખાણો અને પોલીસ પર હુમલો કરવાના કેસમાં દોષિત

આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય રમખાણો અને પોલીસ પર હુમલો કરવાના કેસમાં દોષિત

નવી દિલ્હીઃ  દિલ્હીના રોઝ એવન્યુ કોર્ટના સહાયક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે દિલ્હીમાં આપ-ના બે ધારાસભ્યો અખિલેશ પાતિ ત્રિપાઠી અને સંજીવ ઝાને રમખાણો અને હિંસામાં સંડોવણી બદલ દોષિત ઠેરવ્યા છે. 2015માં તોફાનો દરમિયાન આ બંને હિંસામાં સક્રિય રીતે સામેલ હતા એટલું જ નહીં પરંતુ દિલ્હીમાં પોલિસ સ્ટેશન ઉપર હુમલો કરીને પોલીસકર્મીઓને ઘાયલ પણ કર્યા હતા. એ કેસમાં કેજરીવાલની પાર્ટીના બંને ધારાસભ્યો સહિત 15 તોફાનીઓ દોષિત ઠર્યા છે.

ફેબ્રુઆરી 2015માં એક અપહરણ કેસમાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી તેવી અફવા ફેલાવાને પગલે ટોળાએ બુરારી પોલિસ સ્ટેશનમાં પોલિસકર્મીઓ ઉપર હુમલો કર્યો તેમાં આ બંને ધારાસભ્ય સક્રિય રીતે સામેલ હતા.

મામલો એવો હતો કે, પોલીસે અપહરણ કેસના શકમંદોને કસ્ટડીમાં રાખ્યા હતા ત્યાં ટોળું પહોંચી ગયું હતું અને એ શકમંદોને તેમને સોંપી દેવા પોલીસ સમક્ષ માગણી કરી હતી જેથી ટોળું પોતે “ન્યાય” કરી શકે. પોલીસે એ ટોળાની એ માગણી નહીં સ્વીકારતા આપ-ના ધારાસભ્યો સહિત ટોળાએ ફરજ પરના પોલીસ અધિકારીઓ ઉપર હુમલો કર્યો હતો.

અદાલતે તેના ચુકાદામાં નોંધ્યું કે, આ બંને ધારાસભ્યો ટોળાનો ભાગ હતા એટલું જ નહીં પરંતુ સક્રિય રીતે ટોળાને હિંસા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા. ચુકાદામાં અદાલતે કહ્યું કે, ફરિયાદ પક્ષે સફળતાપૂર્વક એ વાત સાબિત કરી છે કે, બંને ધારાસભ્યો- સંજીવ ઝા અને અખિલેશ પાતી ત્રિપાઠી સ્થળ ઉપર હાજર હતા એટલું જ નહીં પરંતુ હિંસા કરવા માટે ટોળાની સક્રિય રીતે ઉશ્કેરણી કરી હતી.

આ બંને ધારાસભ્યોની સાથે અદાલતે બીજા પણ 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ આરોપીઓને સજાની સુનાવણી 21 સપ્ટેમ્બરે થશે.

દેશ ગુજરાત