ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે રૂપિયા ૧.૫૪ લાખ કરોડના મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ.; એક લાખ યુવાનોને રોજગારી મળશે
September 13, 2022
¤ સેમીકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે દેશના કોઇ રાજ્યમાં કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ ગુજરાતમાં થશે
¤ વેદાંતા-ફોક્સકોન ગ્રુપ ના આ MoU ના પરિણામે રાજ્યમાં ૧ લાખ જેટલા યુવાઓને રોજગારી અવસર મળશે
¤ ગુજરાત સરકારે તાજેતરમાં અમલી બનાવેલી સેમીકન્ડક્ટર પોલિસીની ફળશ્રુતિ
ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરતાં ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે રૂપિયા ૧ લાખ ૫૪ હજાર કરોડના મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય સાયન્સ ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
ભારતના કોઈ એક રાજ્યમાં કરવામાં આવેલું અત્યાર સુધીનું આ સૌથી મોટું મૂડીરોકાણ આ એમ.ઓ.યુ. અંતર્ગત ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા ગુજરાતમાં કરવામાં આવશે.
ગુજરાત સરકારે તાજેતરમાં ઘડેલી સેમીકન્ડક્ટર પોલિસીને પરિણામે સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાઈ છે. આ એમ.ઓ.યુ.થી આગામી દિવસોમાં રાજ્યના ૧ લાખ જેટલા યુવાઓને રોજગારી મળવાની દિશા ખૂલી છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમીકન્ડક્ટર પોલિસી સાથે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત કરાયું છે. આ મિશન પણ પ્રોજેક્ટની સફળતા માટે સહાયતા પૂરી પાડશે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ક્હ્યું કે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ છે તથા દેશ-વિદેશના રોકાણકારો માટે પસંદગીનું શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રોજેક્ટને રાજ્ય સરકારના સહયોગની ખાતરી આપી હતી.
કેન્દ્રીય IT મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને તેમની સરકારના સફળતાના એક વર્ષ નિમિત્તે અભિનંદન આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ વર્ષ પહેલા ડિજિટલ ઇન્ડિયા અભિયાન લોન્ચ કરીને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાનો નવો રાહ ચીંધ્યો હતો. ભારતમાં સ્ટાર્ટઅપ, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા થકી ભારત આજે વિશ્વમાં બીજો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક દેશ બન્યો છે.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તૈયાર થયેલી ટેકનોલોજી ક્ષેત્રે ઇકો સિસ્ટમના પરિણામે દેશમાં અંદાજે ૨૫ લાખ રોજગારી ઊભી થઈ છે. આગામી સમયમાં ઈલેક્ટ્રોનિક ઉત્પાદનમાં ૧ કરોડ રોજગારી ઉપલબ્ધ કરાવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ ક્ષેત્રે ભારતમાં હાલની ૮૦ બિલિયન ડોલરની ઇકોનોમી ૩૦૦ બિલિયન ડોલર સુધી લઈ જવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંકલ્પ કરાયો છે. તેમાં આજે ગુજરાતમાં સેમિ કન્ડકટર ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે થયેલાં MOUs ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
શ્રી વૈષ્ણવે કહ્યું હતું કે કોઈપણ ઈલેક્ટ્રીક સાધન જેવી કે મોબાઈલ, ટીવી, લેપટોપ, કાર વગેરેમાં ‘સેમિ કન્ડક્ટર’ મગજની ભૂમિકા ભજવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ડિસેમ્બર-૨૦૨૧માં સેમિ કન્ડકટર નીતિને મંજૂરી અપાઈ છે. આ નીતિનું જાન્યુઆરી-૨૦૨૨માં ખૂબ જ ટૂંકા સમયમાં અમલીકરણ કરીને ભારતે વિશ્વમાં નવી મિશાલ રજૂ કરી છે. ગુજરાત સરકાર અને વેદાંતા-ફોક્સકોન ગ્રુપ વચ્ચે સેમિ કન્ડક્ટરના ઉત્પાદન માટે થયેલા MOUના પરિણામે નવી ૧ લાખ રોજગારી ઉપલબ્ધ થશે. આ તો એકમાત્ર શરૂઆત છે આગામી સમયમાં વધુ ૧૦ કંપનીઓ રોકાણ માટે આવશે. જેનાથી લાખો યુવાનોને રોજગારી ઉપલબ્ધ થશે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આગામી સમયમાં વધુ હજારોની સંખ્યામાં વિવિધ યુનિવર્સિટીના માધ્યમથી સેમિ કન્ડક્ટર પ્રોફેશનલ્સ તૈયાર કરવામાં આવનાર છે.
મંત્રી શ્રી વૈષ્ણવે આજના આ ઐતિહાસિક રોકાણ માટે મુખ્યમંત્રીશ્રી, વેદાંતા અને ફોક્સકોન ગ્રુપને અભિનંદન આપ્યા હતા.
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સેમિ કન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં નક્કર આયોજનો સાથે આ ક્ષેત્રમાં ડેડીકેટેડ પોલીસી તૈયાર કરવામાં આવી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વિઝનને સફળ બનાવવાની દિશામાં આજે મહત્વપૂર્ણ પહેલ કરી ગુજરાતે બાજી મારી છે.
મંત્રી શ્રી વાઘાણીએ ઉમેર્યું કે, ડિજિટલ ક્રાંતિ માટે અતિ મહત્વના ગણાતા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ સેમિ કન્ડક્ટર છે. ગુજરાતમાં આ પ્રકારના ઉત્પાદનો શરૂ થાય અને માત્ર દેશને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને સેમિ કન્ડક્ટર પૂરા પાડી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યમાં અમલી બનાવાયેલી સેમિ કન્ડક્ટર પોલિસી આ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આજે વેદાંતા-ફોકસકોન ગ્રુપ સાથે ગુજરાત સરકારે એમ. ઓ.યુ કર્યા છે જેનાથી રૂ.૧.૫૪ લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં થશે અને તેના થકી એક લાખથી વધુ રોજગારીનું સર્જન થશે. સેમિ કન્ડક્ટર ક્ષેત્રમાં સૌથી મોટા રોકાણ સાથે આજનો દિવસ માત્ર ગુજરાત માટે જ નહિ, સમગ્ર દેશ માટે ઐતિહાસિક દિવસ છે.
મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને વેદાંતા-ફોક્સકોન ગ્રુપ વચ્ચે સેમિકેંડકટર ઉત્પાદન ક્ષેત્રે થયેલાં MOUએ ગુજરાત માટે ઐતિહાસિક દિવસ છે. મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વવાળી સરકારે આજે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે તે બદલ અભિનંદન આપતાં તેમણે કહ્યું હતું કે, આજે થયેલાં MOU થકી ગુજરાતમાં અનેકવિધ ક્ષેત્રે નવી રોજગારીનું સર્જન થશે.
વેદાંતા ગ્રુપના ચેરમેન શ્રી અનિલ અગ્રવાલે સેમિકન્ડકટરની અગત્યતા વિશે માહિતી આપતાં કહ્યું હતું કે, ટેકનોલોજીના યુગમાં સેમિ કન્ડકટર ચીપ્સ એ વિશ્વની સૌથી મોંઘી અને અત્યંત જરૂરી પાર્ટસમાંની એક છે. આ માટે છેલ્લાં ઘણા વર્ષોથી અમેરિકા, ચીન અને તાઈવાન વચ્ચે સ્પર્ધા યોજાઈ છે પરંતુ તાઈવાન ક્ષેત્રે મોનોપોલી ધરાવે છે. તાઈવાનના ફોક્સકોન ગ્રુપે ગુજરાત સરકાર સાથે આજે સેમિ કન્ડકટર બનાવવા MOU કર્યાં છે. જેનો માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને ટેકનોલોજી ક્ષેત્રે લાભ મળશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો
- જમીન સંપાદન પછી ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલાઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
- નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-૨૦૨૪’ જાહેર
- શાળામાં ચોક્કસ રંગનું કે નિર્ધારિત સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહીં: શિક્ષણ મંત્રી પાનશેરીયા
- ગુજરાત મુસદ્દારૂપ જંત્રી (Annual Statement of Rates)- 2024 જનતાના નિરિક્ષણ માટે વેબસાઈટ પર ઉપલબ્ધ કરાઇ
- રિવાઇઝડ બિનખેતી પરવાનગી અંગે ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય
- ખેતીથી બિન ખેતી હેતુફેર બાબતે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય