કોઈપણ દેશ જ્ઞાનની બાબતમાં દિગ્ભ્રમીત થાય ત્યારે એ ભારતના દર્શન તરફ મીટ માંડે છેઃ ડૉ. મોહનરાવ ભાગવત
September 14, 2022
— ભારતીય વિચાર મંચ દ્વારા “સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઓર” વિમર્શ યોજાયો.
— ભારતીય વિચાર મંચની એપ્લિકેશન અને પુસ્તકોનું લોકાર્પણ થયું.
અમદાવાદ: ભારતીય વિચાર મંચ ગુજરાત દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં “સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઓર” વિષયે બહુઆયામી વિમર્શ યોજાયો હતો. જેનું ઉદ્દઘાટન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે કર્યું હતું. તેમણે ભારતીય વિચાર મંચની એપ્લીકેશન અને પુસ્તકોનું પણ આ પ્રસંગે લોકાર્પણ કર્યુ હતું.
સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતે ‘સ્વાધીનતા’ અને ‘સ્વતંત્રતા’નું તાર્કિક વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે એક પ્રાચીન બૌધ્ધિક પરંપરાનો આપણે સહુ હિસ્સો છીએ. દરેકનો વિકાસ તેની પ્રકૃતિ અને તેના ‘સ્વ’ ના વર્તુળમાં થાય છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આપણને સ્વાધીનતા મળી પણ આપણે ‘સ્વ’ ને સમજવામા કદાચ મોડા પડ્યા. દેશના બે ભૂભાગ સ્વતંત્ર થયા પણ ધીરે ધીરે ‘સ્વ’ ને સમજવાની પ્રક્રિયા શરૂ થઈ. ડૉ. આંબેડકરે પણ કહ્યું હતું કે સામાજિક, આર્થિક અને રાજનૈતિક સ્વાધીનતા અનિવાર્ય રહશે.
આપણે ભારતીય છીએ, આપણે ધ્યાનમાં રાખવા જેવી ‘સ્વ’ ની વિશેષતાઓ શું છે? સુખ બહારથી જ નથી મળતું. પશ્ચિમના દેશોએ ભૌતિક સુખની મર્યાદાને બહાર સુધી મર્યાદિત કરી દીધી. પરંતુ આપણા મનિષીઓએ તેને અંદર શોધી. બહારના સુખની મર્યાદા છે. આત્માના સુખની નહીં. આદ્યાત્મ એ આપણા ‘સ્વ’ મૂળનો આધાર છે, આપણે સર્વે સુખિનઃ ભવતુ, સર્વે સંતુ નિરામયા-માં માનનારી પ્રજા છીએ.
યુદ્ધો ક્યારેય ફળતાં નથી કારણ કે તેનાં માઠા ફળ ભોગવવાં જ પડે છે. મહાભારતના મહાપુરુષો તેનાં ઉદાહરણો છે. દેશકાળને ધ્યાનમાં રાખીને આપણી જાહેર વ્યવસ્થાઓ, વહીવટમાં ભારતીય મૂલ્યો અને ચિંતનને અમલીકૃત કરીએ તો યુગાનુકુલ પરિવર્તન આવશે. ગાંધીજીએ પણ કહ્યું હતું કે વિશ્વમાં બધાને જ મળી રહે એટલા પુરતાં સંસાધનો છે પરંતુ માણસના લોભનો થોભ નથી અને તેનાં જ દુષ્પરિણામો આપણે ભોગવવાં પડે છે તેમ ડૉ. ભાગવતે જણાવ્યું હતું.
આજે આપણે ટેક્નોલોજીના સમયમાં જીવી રહ્યા છીએ ત્યારે તન અને મનની નિર્મળતા જ અંતર્બાહ્ય સુખ આપી શકશે. ધર્મ આપણને પ્રેમ, કરુણા, સત્ય અને તપસ્યાના પાઠ શીખવે છે. કશું પણ પ્રાપ્ત કરવા તપસ્યા કરવી પડે છે. આપણે ક્યારેય જ્ઞાનને દેશી કે વિદેશી એવું કહ્યું નથી. “આ નો ભદ્રા ક્રત્વો યન્તું વિશ્વત:” આપણો મંત્ર છે સર્વે દિશાઓમાંથી આવતા સારા વિચારોને આપણે અપનાવીએ છીએ. જે દેશો પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે જલ્દી નાશ પામે છે.
ભારતીય જ્ઞાન પરંપરાના મનીષીઓનાં ઉદાહરણો આપતા ડૉ. ભાગવતે જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ દેશ જ્ઞાનની બાબતમાં દિગ્ભ્રમીત થયા છે ત્યારે એ દેશોએ ભારતના દર્શન તરફ મીટ માંડી છે. આપણા પ્રાચીન જ્ઞાનગ્રંથો અને સ્મૃતિઓ ચીરકાલિન છે. આજે પણ વિશ્વ ભારતના જ્ઞાન તરફ નજર માંડી રહ્યું છે એટલે જ આપણે ‘સ્વ’ ને ઓળખીને તેના આધારે આગળ વધવું પડશે. આપણી ન્યાયપ્રક્રિયામાં તેના આધારે જ પરિવર્તન કરવા અગ્રણી ન્યાયાધીશોએ અનુરોધ પણ કર્યો છે.
અંતમાં ડૉ. ભાગવતે કહ્યું હતું કે સિધ્ધાંતો ક્યારેય બદલાતા નથી ‘કોડ’ બદલાઈ શકે છે. આપણે પણ સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, રવીન્દ્રનાથ ઠાકુર સહિતના મનીષીઓના ગ્રંથોનો અભ્યાસ કરી તેના થકી ધર્મવૃધ્ધિ થાય તેવા પ્રયાસો કરવા જોઈએ. સરકારી વ્યવસ્થામાં પણ હવે આના કારણે પરિવર્તન આવી રહ્યું છે. નવા વિચારો, આયામોને સ્થાન મળી રહ્યું છે જે આવકાર્ય છે. આ પ્રસંગે ડૉ. મોહનરાવ ભાગવતે ભારતીય વિચાર મંચની નવી એપ્લિકેશન અને નવાં પ્રસિધ્ધ થયેલાં પુસ્તકોનું લોકાર્પણ કર્યું હતું.
આ વિમર્શના અન્ય સત્રોમાં રાજ્યસભા સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદી, રામજન્મભૂમિ મંદિર તિર્થક્ષેત્રના કોષાધ્યક્ષ પૂ. ગોવિંદદેવ ગિરિજી મહારાજ, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના ઉપાધ્યક્ષ સુશ્રી નિવેદિતા ભીડે તથા પુનરુત્થાન વિદ્યાપીઠના કુલગુરુ સુશ્રી ઈન્દુમતિ કાટદરે એ વિષયાનુરુપ ઉદ્દબોધન કર્યાં હતાં.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
