રશિયાથી રાહત દરે ઑઈલની આયાત થતાં ભારતને રૂપિયા 35,000 કરોડનો ફાયદો થયો
September 19, 2022
નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ઑઈલના ભાવમાં વધારો થવા છતાં ભારત સરકારના એક નિર્ણયને કારણે દેશને ઓછામાં ઓછા રૂપિયા 35,000 કરોડનો લાભ થયો હોવાનું જાણવા મળે છે. ભારત સરકારનો એ નિર્ણય હતો રશિયા પાસેથી રાહતના દરે ઑઈલ ખરીદવાનો, જેનો દેશને ઘણો મોટો લાભ થયો છે.
યુદ્ધને પગલે અમેરિકા અને યુરોપ સહિત અનેક દેશોએ રશિયન ઑઈલની ખરીદી ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. આંતરરાષ્ટ્રીય સમુદાયના આ નિર્ણયને કારણે રશિયામાં ઑઈલનો ભરાવો થતાં તેણે ડિસ્કાઉન્ટની ઑફર કરી હતી અને ભારતે એ તક ઝડપી લીધી હતી.
યુક્રેન-રશિયા યુદ્ધ પહેલાં ભારતની મોટાભાગની ઑઈલની આયાત અખાતના દેશોમાંથી થતી હતી, પરંતુ મોસ્કોએ ડિસ્કાઉન્ટ ઑફર કરતાં ભારતે રશિયા પાસેથી ઑઈલ ખરીદવાનો નિર્ણય લીધો હતો.
યુદ્ધ પહેલાં ભારત તેની જરૂરિયાતના એક ટકા કરતાં ઓછું ઑઈલ રશિયા પાસેથી ખરીદતું હતું, પરંતુ બદલાયેલા સંજોગોમાં ભારતે તેની જરૂરિયાતના 12 ટકા જેટલું ઑઈલ રશિયા પાસેથી મગાવવાનું શરૂ કરી દીધું, જે રાહતના દરે મળતાં દેશને ઘણો મોટો આર્થિક લાભ થયો છે. જોકે હવે ધીમે ધીમે સ્થિતિ સુધરતાં ભારતે ફરીથી રિયાધ પાસેથી ઑઈલની ખરીદી અગાઉના સ્તરની કરી છે, સાથે રશિયા પાસેથી પણ ખરીદી ચાલુ રાખી છે જે ત્રીજા સ્થાને આવ્યું છે.
યાદ રહે, રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ભારતે લીધેલા આ નિર્ણય સામે અમેરિકા સહિત વિકસિત દેશોએ ભારત ઉપર રશિયન ઑઈલ ન ખરીદવા દબાણ કર્યું હતું પરંતુ ભારતે એ દબાણ સામે ઝૂકવાનો ઈનકાર કરી દીધો હતો.
વિદેશપ્રધાન એસ. જયશંકરે ભારત સરકારના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું કે, દરેક દેશને પોતાના અર્થતંત્રના લાભમાં હોય તેવા નિર્ણયો લેવાની છૂટ હોવી જોઇએ. આ સંદર્ભે ભારતે રશિયન ઑઈલ ખરીદવાનો નિર્ણય કર્યો હતો, અને એવું જ અન્ય દેશો પણ કરતા હતા.
થોડા સમય પહેલાં નાણાપ્રધાન નિર્મલા સિતારામને પણ એક સેમિનારને સંબોધતા કહ્યું હતું કે, રશિયા પાસેથી ઑઈલની ખરીદીનો નિર્ણય ભારત સરકારની ફૂગાવા નિયંત્રણ વ્યૂહરચનાનો ભાગ હતો અને અન્ય દેશો પણ એવું જ કરતા હતા.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
