ટાયર-ટુ, ટાયર-થ્રી શહેરોનો વિકાસ કરવાથી મહાનગરો પરનું ભારણ ઘટશેઃ વડાપ્રધાન
September 20, 2022
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ભાજપના મેયર સંમેલનને સંબોધતાં કહ્યું હતું કે, મહાનગરો પરનું ભારણ ઘટાડવું હશે તો ટાયર-ટુ અને ટાયર-થ્રી શહેરોના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. વડાપ્રધાને જણાવ્યું કે આમ કરવાથી નાનાં નગરોમાં રોજગારી ઉપલબ્ધ થશે પરિણામે એવાં નગરોનો વિકાસ થશે.
વડાપ્રધાને આ ઉપરાંત ગુજરાતનું ઉદાહરણ આપીને મહાનગરોની આસપાસ સેટેલાઈન ટાઉનશિપના વિકાસ ઉપર પણ ધ્યાન આપવા ભાજપ શાસિત શહેરોના મેયરોને હાકલ કરી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, દરેક કામગીરી હંમેશાં માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ન કરી શકાય. આ સંદર્ભમાં તેમણે ગુજરાતમાં પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માત્ર ચૂંટણીલક્ષી દૃષ્ટિકોણ ન રાખવો. શહેરના વિકાસમાં સારા નિર્ણયનો અમલ પણ નથી થતો. ગુજરાતમાં હતો ત્યારે વિવિધ બાબતો ઉપરાંત એન્ક્રોચમેન્ટ હટાવવાનો મુદ્દો હાથમાં લીધો હતો. આ અંગે ભાજપના નેતાઓ મળવા આવ્યા, મેં કહ્યું આપણે લોકોને સમજાવવા પડશે, લોકોનો વિશ્વાસ હાંસલ કરવો પડશે. દબાણ હટાવીએ ત્યારે લોકો નારાજ થાય એ ખરું. પણ પ્રામાણિકતાથી પ્રયાસ કર્યો તો લોકો સામે ચાલીને આગળ આવ્યા. કેમ કે તેમને વિશ્વાસ બેઠો હતો કે અહીં સગાવાદ નથી, બધા સાથે સરખો વ્યવહાર થાય છે. આમ, જો કામગીરી પ્રામાણિકતાથી કરીએ, ભેદભાવ વિના અમલ થતો જુએ ત્યારે લોકો પણ સાથ આપે છે.
નરેન્દ્ર મોદીએ આર્થિક ગતિવિધિ માટે શહેરોના વિકાસ પર ધ્યાન આપવું. ઈચ્છીએ કે ન ઇચ્છીએ, શહેરીકરણ વધતું જ જશે, તેમાં કોઈ શંકા નથી. આથી દરેક મેયરે મારું શહેર આર્થિક રીતે સમૃદ્ધ, મારું શહેર પ્રવાસન, મારું શહેર કોઈ ચીજ માટે પ્રખ્યાત એ વિશે આયોજન અને વિચારણા કરવી જોઇએ. આ વખતના બજેટમાં શહેરીકરણનું આયોજને મહત્ત્વ આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન કહ્યું કે, દરેક આયોજન આયોજન કેન્દ્રીય સ્તરે ન થાય, રાજ્ય સ્તરે આ થવું જોઇએ. દેશમાં ઘણા સેટેલાઇટ ટાઉનનો વિકાસ કરવા યોજનાબદ્ધ કામગીરી કરવી જોઇએ.
ગુજરાતમાં ભાજપે આ બાબતે ખરેખર સારો પ્રયાસ કર્યો છે. 1987-88માં પ્રથમ વખત અમદાવાદમાં સત્તામાં ભાજપ આવ્યો. તે સમયે રાજ્યમાં જે સરકાર હતી, તેમાં ભાજપ-જનસંઘની વિચારધારા ધરાવતા લોકો સત્તામાં હતા. ત્યારે રાજ્ય સરકાર સમક્ષ શહેરની આસપાસના વિસ્તારોમાં સિટી બસ શરૂ થાય તો યોગ્ય થશે એવો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. રાજ્ય સરકાર સાથે વાત કરી. સંમતિ મળી ગઈ. બસો દૂર દૂર સુધી જવા લાગી. પરિણામે નાના નાના સેટેલાઇટ ટાઉન વિકસ્યાં.
ટાયર-ટુ, ટાયર-થ્રી શહેરોનું આયોજન હવેથી કરવું જોઇએ. સ્ટાર્ટઅપ માટે પણ આ આયોજન અગત્યનું સાબિત થશે. પરિણામે મોટાં નગરો પર દબાણ ઓછું થશે. નાના નગરોમાં રોજગારી વધશે. નીતિ નિર્ધારિત કામગીરી કરવાથી વિકાસ થશે. પારદર્શિતા આવશે. ગ્રે એરિયા ઘટી જશે.
વડાપ્રધાને કહ્યું કે, મેયરો તથા અન્ય હોદ્દેદારોની ફરજ છે કે, વિદ્યાર્થીઓને શહેરના વિકાસકામોની જાણકારી આપવી જોઇએ. સામાન્ય લોકોને પણ આપણે જાણકારી આપતા નથી એ યોગ્ય નથી. આપણે સૌને પ્રશિક્ષિત કરવા જોઇએ. સમાજને જોડતા રહેવું જોઇએ.
શહેરી આયોજનમાં મોટાભાગના લોકોની જરૂરિયાતો નાના ખુમચાવાળા, વેપારીઓ પૂરી કરે છે તેમ જણાવી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમારાં શહેરોના દરેક ખુમચાવાળા પીએમ સ્વનિધિ યોજનામાં જોડાય સુનિશ્ચિત કરો. જેથી એ લોકોને સરકારી સહાય મળે, ખાનગી ફંડ લેવું ન પડે. સાથે દર વર્ષે ખુમચાવાળાઓના પરિવારોનું સંમેલન કરવું જોઇએ. તેમણે માહિતી આપી કે, 35 લાખ ખુમચાવાળાઓએ બેંકમાંથી લોન લીધેલી છે. પીએમ સ્વનિધિનો તમારાં શહેરોમાં વ્યાપક વિસ્તાર કરો.
આપણે આપણી ટેવો બદલવી પડશે. નાગરિકોના વર્તનમાં પરિવર્તન લાવવું પડશે. આપણે નાગરિકોનો સ્વભાવ બદલવો પડશે. સ્વચ્છતા, નિયમિતતા માટે કામગીરી કરવી પડશે. મેયરો આવું કામ સરળતાથી કરી શકે તેમ પણ વડાપ્રધાને કહ્યું હતું.
તેમણે બગીચામાં બાળકો, યુવાનો માટે સાહિત્ય-કળાની પ્રવૃત્તિઓ કરવાનું સૂચન કર્યું હતું, અને જણાવ્યું કે, બધાં કામ નાણાથી નથી થતાં, લોકભાગીદારીથી થાય છે. તેમણે શહેરનો જન્મદિવસ ઉજવીને લોકોને સામેલ કરવા જણાવ્યું હતું.
વડાપ્રધાને જણાવ્યું કે, શહેરોનું સૌંદર્યીકરણ કરવું જ જોઇએ. આ માટે વોર્ડ વાર “સિટી બ્યુટી” સ્પર્ધા હોવી જોઇએ. દરેક શહેરમાં પોતાનું એક મ્યુઝિયમ પણ હોવું જોઇએ. શહેરો તેમની કોઇને કોઈ ખાસિયતથી ઓળખાવાં જોઇએ તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે ભારત સરકાર કોઈ સ્મારક બનાવી દેઈને સંતોષ માનવાને બદલે અમે દરેક ગામોમાં 75 તળાવ બનાવવાનો કાર્યક્રમ લીધો. આ બાબત લાંબાગાળે માનવજાતને લાભ કરાવશે.
વડાપ્રધાને ભાજપ શાસિત શહેરોના મેયરોને ખાણીપીણીના વિસ્તારોમાં હાઇજિન વિશે ધ્યાન રાખવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે તમારાં શહેરોમાં ઓછામાં ઓછો એક વિસ્તાર આવો બનાવી શકાય જ્યાં આવીને લોકોને ભોજન લેવાનું મન થાય.
તેમણે જણાવ્યું કે, સ્વચ્છતાને સ્થાયી બનાવવી હશે તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની દિશામાં કામગીરી કરવી પડશે. શહેરોમાં કચરાના ઢગલામાંથી મુક્તિ મેળવવાની છે. નવી પેઢી સ્વચ્છતા સહિત કામગીરી કરવા તત્પર હોય છે, આપણે દિશા આપવી પડશે.
ભાજપ શાસિત સરકારોની કામગીરી વિશિષ્ટ લાગવી જ જોઇએ. પર્યાવરણ, ગ્લોબલ વોર્મિંગ, નગરપાલિકાની આવકની ચર્ચા થાય ત્યારે… આ બધી બાબતોમાં આપણે આગળ હોવા જોઇએ. લાઇટિંગની વ્યવસ્થા વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી શકાય. બચત કરવાથી લાભ થશે.
ભાજપના દરેક મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા અન્ય હોદ્દેદારો સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈને પોતપોતાના અનુભવો એકબીજા સાથે શૅર કરી શકે તેમ પણ નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
