પંજાબમાં નિયુક્તિ માટે રઝળી રહેલા આંદોલનકારી સહાયક પ્રાધ્યપકો ઉપર પોલીસનો લાઠીચાર્જ

પંજાબમાં નિયુક્તિ માટે રઝળી રહેલા આંદોલનકારી સહાયક પ્રાધ્યપકો ઉપર પોલીસનો લાઠીચાર્જ

ચંડીગઢઃ  પંજાબમાં આંદોલનકારી શિક્ષકો ઉપર પંજાબ પોલીસે બરહેમીથી લાઠીચાર્જ કર્યો હોવાના વીડિયો વાયરલ થયા છે.

પંજાબના બે પત્રકાર ગગનદીપ સિંહ (પ્રોપંજાબ ટીવી) તથા નીલ કમલ (ટાઇમ્સ ઑફ ઈન્ડિયા)એ વીડિયો અને ફોટા શૅર કરીને લખ્યું છે કે, પંજાબના ઉચ્ચ શિક્ષણ પ્રધાન મીત હેયરના બરનાલાસ્થિત નિવાસસ્થાનની બહાર દેખાવો કરી રહેલા સહાયક પ્રોફેસરોને પંજાબ પોલીસે લાકડીઓથી મારી મારીને ભગાવ્યા હતા.

દેખાવો કરી રહેલા આ સહાયક પ્રાધ્યાપકોમાં મોટી સંખ્યમાં મહિલા પ્રાધ્યાપકો પણ છે જેમને પણ પોલીસે સખત માર માર્યો હતો.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર (https://indianexpress.com/article/cities/ludhiana/shortlisted-assistant-professors-on-way-to-minister-residence-lathi-charged-8161103/  ) આ સહાયક પ્રોફેસરો નોકરી માટે શોર્ટલિસ્ટ થયેલા હતા, પરંતુ હજુ સુધી તેમને નિમણૂક નહીં મળતા તેઓ પંજાબના શિક્ષણપ્રધાન હેયરને મળવા ગયા હતા. મહિલાઓ સહિત સહાયક પ્રાધ્યાપકો હેયરના નિવાસસ્થાથી દૂર આખો દિવસ તેમને મળવા માટે રાહ જોઈને ઊભા રહ્યા હતા પરંતુ સાંજ સુધી શિક્ષણપ્રધાને તેમને મળવા ન બોલાવતાં તેઓ તેમના નિવાસસ્થાન તરફ આગળ વધ્યા હતા. તે સમયે પોલીસે તેમને અટકાવવા ભારે લાઠીચાર્જ કર્યો હતો જેમાં અનેક સહાયક પ્રધ્યાપકો ગંભીર રીતે ઘવાયા હતા.

દલજીત કૌર નામની એક પ્રાધ્યાપકે પત્રકારોને કહ્યું હતું કે, તેઓ છેલ્લા એક મહિનાથી શિક્ષણપ્રધાનની મુલાકાત માટે સમય માગી રહ્યા હતા પરંતુ અમને સમય ફાળવવામાં આવતો નહોતો, તેથી આજે અમે બધા અહીં તેમને મળવા આવી પહોંચ્યા હતા. પરંતુ શિક્ષણપ્રધાને મળવાને બદલે પોલીસે બેરહેમીથી લાઠીચાર્જ કર્યો.

પંજાબમાં છેલ્લા એક વર્ષથી લગભગ 1158 સહાયક પ્રાધ્યાપકો તેમની નિમણૂક માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના રાજકારણ તથા અદાલતી કેસોને કારણે નોકરી વિના રઝળી રહ્યા છે.

 

આ અંગે વિજય પટેલ નામના યુઝરે પ્રાધ્યાપકો પરના પોલીસના લાઠીચાર્જના વીડિયોની સાથે અરવિંદ કેજરીવાલનો પંજાબની ચૂંટણી પહેલાંનો એક વીડિયો પણ શૅર કર્યો હતો જેમાં કેજરીવાલને એવું કહેતા સાંભળી શકાય છે કે, શિક્ષકોને હેરાન કરનાર સિસ્ટમ સામે પોતે નારાજ છે અને આવી સિસ્ટમ બદલવા માગે છે. વાસ્તવમાં તે સમયે એક શિક્ષિકાએ પંજાબમાં કોંગ્રેસ શાસન દરમિયાન તેને થતી હેરાનગતિથી કંટાળીને પાણીની ટાંકી ઉપર ચઢી જઇને દેખાવો કર્યા હતા. પંજાબમાં તે સમયે ચૂંટણી નજીક હોવાથી કેજરીવાલ ત્યાં હાજર હતા અને તેમણે માઇક દ્વારા શિક્ષિકા સાથે વાત કરીને તેને કહ્યું હતું કે શિક્ષણક્ષેત્રના લોકો આ રીતે હેરાન થાય એ ન ચાલે.

જોકે, પછી તરત જ આ વીડિયોમાં ગઇકાલની બરનાલા શહેરની ઘટના દર્શાવી છે જ્યાં સહાયક પ્રાધ્યાપકો પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે.

ટાઇમ્સ ઑફ ઈન્ડિયાના સ્થાનિક પત્રકાર નીલ કમલે એક ફોટો શૅર કરીને લખ્યું છે કે, જે સહાયક પ્રાધ્યાપકોને પોલીસે માર્યા તેમાં જસપ્રીત સિવિન નામનો યુવાન છે જે એમ.એ. અંગ્રેજીમાં ગોલ્ડ મેડલિસ્ટ છે અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 2014માં જસપ્રીતને સ્વતંત્રતા દિવસે નિમંત્રણ પણ આપ્યું હતું.

દેશ ગુજરાત