જૂની પેન્શન યોજનાની લાલચ કોઈ રાજકીય પક્ષને ચૂંટણી જીતાડી શકે તેમ નથી

જૂની પેન્શન યોજનાની લાલચ કોઈ રાજકીય પક્ષને ચૂંટણી જીતાડી શકે તેમ નથી

નવી દિલ્હીઃ  ગુજરાતમાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટી મતદારોને આકર્ષવા માટે જૂની પેન્શન યોજના (ઓપીએસ) ફરી શરૂ કરવાની વાતો કરે છે, પરંતુ એ જૂની પેન્શન યોજના અર્થતંત્ર તેમજ રાજકારણ બંને માટે સારી નહીં હોવાનું પુરવાર થયેલું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા થોડા વખતથી ભારપૂર્વક એ વાત કહી રહ્યા છે કે, મફતની યોજનાઓ કે મફતની વહેંચણીથી વિકાસપ્રક્રિયા ઉપર કેવી અવળી અસર પડી શકે છે.

નવી પેન્શન યોજનાની શરૂઆત 2004માં થઈ હતી અને અત્યાર સુધીમાં 27 રાજ્યોમાં તેનો અમલ શરૂ થયો છે.

જૂની પેન્શન યોજના અનુસાર સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી જીવે ત્યાં સુધી પેન્શન મળતું હતું અને તેમના મૃત્યુ પછી તેમના જીવનસાથીને પેન્શન મળતું હતું. કર્મચારી નિવૃત્ત થાય પછી કામગીરીમાં કે સરકારી તિજોરીમાં તેના તરફથી કોઈ પ્રદાન રહેતું નહોતું. આમ સમગ્ર નાણાકીય બોજ કાંતો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર ઉપર રહેતો હતો.

નવી પેન્શન યોજના (એનપીએસ)માં કર્મચારી અને સરકાર બંને દ્વારા ભંડોળ જમા કરાવવામાં આવે છે. ઓપીએસ પહેલી દૃષ્ટિએ આકર્ષક લાગે, પરંતુ યાદ રહે- આકર્ષક લાગતી દરેક બાબત લાભદાયક કે પોષાય એવી હોય એ જરૂરી નથી.

રાજકીય રીતે આ બાબતને જોવામાં આવે તો ઓપીએસ મતદારોના સાવ નાના વર્ગને અસર કરે છે, પરંતુ તેની સામે રાજ્યોના અર્થતંત્ર ઉપર તેનો ઘણો મોટો બોજ પડે છે.

સેન્ટર ફૉર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સી એમ આઈ ઈ)ના આંકડા દર્શાવે છે કે, પેન્શન પાછળ થતા ખર્ચને બાદ કરતાં રાજ્યોને થતી આવક (બચત) જે 10 ટકા હતી તે વધીને 2020-21માં 25 ટકા થઈ છે.

આ બાબતને રાજકીય રીતે જોઇએ તો ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાનું વચન આપ્યું હતું. હવે તેમના આ વચનના આધારે માત્ર પોસ્ટલ મત (ટપાલથી મળેલા સરકારી કર્મચારીઓના મત)ની જ સંખ્યા ધ્યાનમાં લેવામાં આવે તો અખિલેશ યાદવ સરળતાથી ચૂંટણી જીતી ગયા હોત. પરંતુ ઉત્તરપ્રદેશનાં પરિણામ આપણે જાણીએ છીએ. ઉપરાંત પોસ્ટલ મત એ કુલ મતદારોની સામે માત્ર 0.48 ટકા હતા, વિશાળ સમુદ્રમાં એક બુંદ સમાન ગણાય.

જોકે, સરકારમાં અનૌપચારિક નોકરીઓની સંખ્યા વધી રહી છે, પણ એનપીએસમાં વધારો થયો નથી. સર્વેક્ષણના આંકડા દર્શાવે છે કે 2004-2005માં સરકારમાં અનૌપચારિક નોકરીઓની સંખ્યા 23 ટકા હતી તે 2019માં વધીને 35 ટકા થઈ છે. આમ આ સંજોગોમાં વિપક્ષો માત્ર સરકારી પેન્શનરો ઉપર આધાર રાખીને આગળ વધે તો પણ તેમને સાવ જૂજ માત્રામાં મતદારો મળી શકે.

આમ, આમ આદમી પાર્ટી અને તેમના જેવા બીજા રાજકીય પક્ષો જો ઓપીએસ અને અન્ય મફતની યોજનાઓ ઉપર જ આધાર રાખતા હોય તો તેમને સફળતા મળવાની નથી.

દેશ ગુજરાત