ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક વિધાનસભામાં સર્વાનુમતે પસાર
September 22, 2022
ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંધવી એ જણાવ્યું છે કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે એ માટે રાજ્ય સરકારે સંગઠિત ગુનાઓને ડામવા મક્કમ નિર્ધાર કરીને આતંકવાદ સામેની લડાઈમાં કડક કામગીરી કરવાનો નિર્ણય કર્યો છે.
બુધવારે ગુજરાત વિધાનસભામાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ કરતા ગૃહરાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડ્યો હતો એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે.
ગૃહરાજ્ય મંત્રી શ્રી એ ઉમેર્યું કે, રાજ્યના નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે જેના પરિણામે કેન્દ્ર સરકારના NCRBના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ, ખૂન સંબંધી ગુનાઓ, મહિલા સંબંધી ગુનાઓમાં દેશના ૩૬ રાજ્યોમાં ગુજરાત છેલ્લી હરોળમાં છે જે ગુજસીટોક કાયદાને આભારી છે.
ગૃહરાજ્ય મંત્રી શ્રી એ આ સુધારા વિધેયકના ઉદ્દેશોની વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે, આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે વિશેષ જોગવાઇઓ કરવા અને સંગઠિત ગુના સિન્ડિકેટ્સની ગુનાઈત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા તેમજ તેની સાથે સંકળાયેલી અને તેને આનુષંગિક બાબતો માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, ૨૦૧૫થી રાજ્યમાં અમલમાં છે.
આ અધિનિયમના અમલ દરમિયાન કોઇપણ જોગવાઇનું રાજ્યમાંની વ્યક્તિઓને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે, સરકારે આ અધિનિયમની કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ), કલમ ૪ અને કલમ ૨૦ની પેટા-કલમ (૫) સુધારા કર્યા છે.
મંત્રી શ્રી એ ઉમેર્યું કે, આ નવી જોગવાઈ મુજબ, કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ)માં “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, મોટા પ્રમાણમાં જુગારના કૌભાંડ ચલાવવા, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની તેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને આતંકવાદી કૃત્ય ચાલુ રાખવું તે” એ શબ્દોને બદલે, “ખંડણી, જમીન પચાવી પાડવી, સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), આર્થિક ગુના, ગંભીર પરિણામોવાળા સાયબર ગુના, વેશ્યાવૃત્તિ માટે માનવ તસ્કરી કૌભાંડ (હ્યુમન ટ્રા઼ફિકીંગ રેકેટ) ચલાવવા અથવા બાનની રકમ લેવા સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી તે” એ શબ્દો મૂકવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, આ અધિનિયમની કલમ-૪માં, “અથવા કોઈપણ સમયે” એ શબ્દોને બદલે, “અથવા આ અધિનિયમના આરંભની તારીખ પછી કોઈપણ સમયે” એ શબ્દો મૂકવામાં આવ્યાં છે. તેમજ મુખ્ય અધિનિયમમાં કલમમાં પેટા-કલમ(૫)માં, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ અથવા બીજા અધિનિયમ હેઠળના” એ શબ્દોને બદલે, “ગુનાની તારીખે આરોપી આ અધિનિયમ હેઠળના” શબ્દ નો ઉપયોગ કરાશે.
આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે સર્વ સંમતીથી પસાર કરાયું હતું.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
