આરોગ્યદૂત પિન્કીબેનઃ ખારપટમાં પાંચ-પાંચ કિ.મી. ચાલીને 70 બાળકોને પોલિયોની રસી પીવડાવી
September 23, 2022
ભુજઃ ભુજ તાલુકાના ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્ર હેઠળના હાજીપુર પેટા આરોગ્ય કેન્દ્રના કોમ્યુનિટી હેલ્થ ઑફિસર પિન્કીબેન પટેલે તેમના કાર્યક્ષેત્રનાં ગામોમાં એક પણ બાળક પોલિયોની રસી પીવાથી વંચિત રહી ન જાય તેવો નિર્ધાર તેમણે કર્યો છે.
દેશમાં ‘પોલિયો મુક્ત ભારત અભિયાન’ હેઠળ પાંચ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને પોલિયોની રસીના ટીપાં પીવડાવવામાં આવે છે. જેના ભાગરૂપે પિન્કીબેને ભુજ તાલુકાના ભારત-પાકિસ્તાન બોર્ડરની નજીક ધોરડો રણને અડીને આવેલા જ્યાં વાહનો જઈ શકતા નથી તેવા ખારોપાટ અને ખૂબ જ પાણી ભરાયેલા છે તેવા દુર્ગમ વિસ્તારના પીટારા મોટા અને પીટારા નાના, લુણા મોટા અને લુણા નાના, બુરખલ, ગારવાંટ ગામે ચાર થી પાંચ કિલોમીટરથી વધુ ચાલીને તેમણે બાળકોને પોલિયોની ટીપાં પીવડાવ્યાં છે.
પિન્કીબેન પાસેથી મળેલી માહિતી મુજબ આ ગામોમાં મોટાભાગે બન્ની વિસ્તારના જત, સુમરા અને શેખ સમુદાયના પરિવારો વસે છે. આ પરિવારો તેમની કેટલીક માન્યતાઓ, રિવાજો કે અન્ય કોઈ કારણોસર રસી કે આરોગ્ય સેવાઓ લેવાનું ટાળતા હોય છે. તેવા સમયે પિન્કીબેન સ્થાનિક પ્રા. શાળાના શિક્ષક અને સરપંચનો સહકાર લઈ સૌ મા-બાપને સમજાવી અને નવજાત બાળકથી શરૂ કરીને પાંચ વર્ષનાં ૭૦ જેટલા ભૂલકાંઓને શોધી શોધીને ખૂબ જ વ્હાલથી પોલિયોના બે બુંદ પીવડાવી પોલિયોથી રક્ષિત કરવામાં સફળતા મેળવી છે.
પિન્કીબેન મૂળ ગાંધીનગર જિલ્લાના સરઢવના વતની છે. તેમના પતિ અમદાવાદ ખાતે ફાયરમેન તરીકે ફ૨જ બજાવે છે. તેમના સંતાનને અહીંના વિપરીત વાતાવરણના લીધે સાથે રાખી શકતા નથી. તેમ છતાં તેમના વહાલસોયા બાળકથી અને વતનથી ખૂબ જ દૂર અહીં એકલા રહી હાજીપુર આરોગ્ય કેન્દ્રમાં સંવેદનશીલતા અને સેવાભાવ સાથે લોકોને આરોગ્ય સેવાઓ પહોંચાડવાની ફરજ બજાવે છે, જેમાં તેમને તેમના પતિ શ્રી યોગેશભાઈ પટેલ અને તેમના મિત્ર શ્રી જયંતીભાઈ શેખાણી તરફથી સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે. આરોગ્યદૂત સમાન કોમ્યુનિટી હેલ્થ ઑફિસર પિન્કીબેન કડિયાની ફ૨જનિષ્ઠા અનેક માટે પ્રેરણાદાયક છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
