વિજય નાયર મોં ખોલશે તો કેજરીવાલ – સિસોદિયા અચૂક સપડાશે

વિજય નાયર મોં ખોલશે તો કેજરીવાલ – સિસોદિયા અચૂક સપડાશે

નવી દિલ્હીઃ  દિલ્હીની કેજરીવાલ સરકારની શરાબ વેચાણ માટેની ભ્રષ્ટ એક્સાઇઝ નીતિ (જે હવે પાછી ખેંચી લેવામાં આવી છે) ના સંદર્ભમાં સીબીઆઈએ વિજય નાયરની અને ઈડીએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી છે.

વિજય નાયર કેજરીવાના જૂના સાથીદાર છે અને એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના ભૂતપૂર્વ સીઈઓ છે. અહેવાલ અનુસાર નાયર કદી શરાબના બિઝનેસમાં નહોતા છતાં તેમણે દિલ્હીની કેજરીવાલ-સિસોદિયા સરકારની શરાબ નીતિ ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

નાયરની ધરપકડ સાથે જ આમ આદમી પાર્ટીએ જે રીતે અલગ અલગ થિયરી વહેતી કરવાની શરૂઆત કરી તેનાથી એ સ્પષ્ટ થાય છે કે નાયર ઘણુંબધું જાણે છે અને કેજરીવાલને શંકા છે કે નાયર તાજના સાક્ષી બની જશે તો શું થશે.

નાયરની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ સૌરભ ભારદ્વાજને ટૅક કરીને ટ્વિટ કરીને લખ્યું કે, વિજય નાયર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની તમામ કોમ્યુનિકેશન વ્યૂહરચના બનાવી રહ્યા હતા. તેમના ઘરે બે વખત દરોડા પડ્યા હતા પરંતુ કશું મળ્યું નહોતું. તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું હતું કે તેઓ મનીષ સિસોદિયાનું નામ લે, અન્યથા તેમની ધરપકડ કરવામાં આવશે.

આ ઉપરાંત આતિશી તેમજ સંજય સિંહે પણ વીડિયો સંદેશ દ્વારા નાયરની ધરપકડ અંગે પોતપોતાના અભિપ્રાય રજૂ કર્યા હતા.

પક્ષના અન્ય એક કાર્યકર અભિષેક તિવારીએ લખ્યું કે, ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. વિજય નાયર ગુજરાતમાં સરસ કામગીરી કરી રહ્યા હતા અને ભાજપ ગુજરાતમાં હારી રહ્યો હતો તેથી તેમની ધરપકડ કરવામાં આવી.

દરમિયાન, ભાજપના નેતા અમિત માલવિયએ ટ્વિટ કરીને લખ્યું કે, એવું લાગે છે કે, આપ-એ મીડિયાને વિજય નાયરને, જે જાતીય સતામણી કેસના આરોપી છે તેને સિસોદિયાના નજીકના સાથીદાર તરીકે જાહેર કરવાની સૂચના આપી હશે. હકીકતે તે (નાયર) સિસોદિયાના ગાઢ સાથીદાર નથી. તેમણે તો કેજરીવાલ માટે કામ કર્યું હતું અને તેમની જ સૂચના મુજબ બધું કરતા હતા. ભાજપના નેતાએ મીડિયા ઉપર આડકતરો કટાક્ષ કરતાં છેલ્લે લખ્યું કે, નાણાથી અમુક બાબતો ખરીદી શકાય છે…

હૉકઆઈ નામના હેન્ડલે નાયરની ધરપકડ અંગે વિગતવાર લખતાં કહ્યું કે, એક મહિના પહેલાં કપિલ મિશ્રા (દિલ્હી ભાજપના નેતા)એ પણ આશંકા વ્યક્ત કરી હતી કે, કોઈ નજીકના સાથીદાર સાક્ષી બની જવા તૈયાર છે. જો એ વ્યક્તિ નાયર હોય અને તે બધું બોલી જવા તૈયાર હોય તો આપ માટે, ખાસ કરીને કેજરીવાલ અને સિસોદિયા માટે ઘણી મુશ્કેલી ઊભી થશે.

આ યુઝરનું કહેવું છે કે, નાયર અને આપ વચ્ચેનું આ કોઈ હાલનું નવું જોડાણ નથી. નાયર તો આપ-ના જન્મ સમયથી જોડાયેલા છે. એ સાથે તેમણે 2014, 2015 અને 2016ના આમ આદમી પાર્ટીના વિવિધ ટ્વિટ પણ ટૅગ કર્યા છે. 2014માં હિન્દ ટાઇમ્સ મુંબઈએ 50 યુવા સ્ટારને નવાજ્યા હતા તેમાં વિજય નાયરનો પણ સમાવેશ થતો હતો. એ અંગે શ્રીમતી અંજલિ દમણિયાએ નાયરને અભિનંદન આપતાં ટ્વિટ કરીને લખ્યું હતું કે, તુ આપ સાથે છે તે ગૌરવ છે. એ ઉપરાંત પ્રીતિ શર્મા, વિશાલ દદલાની વગેરેએ પણ અલગ અલગ સમયે નાયરના સમર્થનમાં ટ્વિટ કર્યા હતા.

નાયરનું નામ મહિલાઓની જાતીય સતામણી કેસમાં પણ સંડોવાયું હતું અને ત્યારે જે મીટુ ટ્રેન્ડ ચાલ્યો હતો તેમાં અમુક મહિલાઓએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેરેવાન સામયિકે તે સમયે નાયર વિરુદ્ધ વિસ્તારથી લખ્યું હતું, તેનો ઉલ્લેખ પણ હૉકઆઈએ કર્યો છે.

દેશ ગુજરાત