“આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૨” ગુજરાતને ફાળે : ૨૦૨૧-૨૨માં આયુષ્માન કાર્ડ કાઢવામાં ગુજરાત મોખરે
September 29, 2022
— ૫૦ લાખ આયુષ્માન કાર્ડ કાઢી ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢની તુલનામાં ગુજરાતે કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
ગાંધીનગરઃ આયુષ્માન ભારત ”પી.એમ.જે.એ.વાય.–મા” યોજના અંતર્ગત ગુજરાતનો રાષ્ટ્રીય સ્તરે ડંકો વાગ્યો છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન સૌથી વધુ આયુષ્માન કાર્ડ કાઢી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ NHA, નવી દિલ્હી ખાતે તા. ૨૬.૦૯.૨૦૨૨ ના રોજ “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૨” એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ૫૦ લાખ આયુષ્માન કાર્ડ કાઢી ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢની તુલનામાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે એમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. શ્રી મનસુખભાઇ માંડવીયાના વરદહસ્તે ગુજરાતના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અને કમિશ્નર શ્રીમતી શાહમીના હુસૈને આ ગૌરવપ્રદ એવૉર્ડ સ્વીકાર્યો હતો.
ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૨ થી જનહિતાર્થે કાર્યરત “મા” અને ”મા વાત્સલ્ય” યોજનાનો વ્યાપ વધારવા રાજ્ય સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાનો સમન્વય કરીને “પી.એમ.જે.એ.વાય.–મા” યોજના કાર્યન્વિત બનાવી છે. નિયત માપદંડો ધરાવતા પરિવારોને નિયત પ્રોસીજર/ઓપરેશન માટે કુટુંબદીઠ વાર્ષિક રૂ.૫ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.
રાજ્યની ૧૮૮૪ સરકારી અને ૮૦૩ ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સામાન્ય બીમારીથી લઇને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર તેમજ ખર્ચાળ બીમારીઓ માટે કુલ ૨૭૧૧ જેટલી નિયત પ્રોસીજરો/ઓપરેશનોનો લાભ મળવાપાત્ર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના પ્રથમ બે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં અમદાવાદ કિડની હોસ્પિટલ ખાતે થયા છે એટલું જ નહીં જેને માતા બનવું અસંભવ હતું એવી બે યુવતીઓને “પી.એમ.જે.એ.વાય.–મા” યોજના થકી “મા” બનવાના આશીર્વાદ મળ્યા છે.
ગુજરાતના અંદાજિત ૮૦ લાખ કુટુંબો એટલે કે, ત્રણ કરોડ વ્યક્તિઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવા એક નવી પહેલ “આપ કે દ્વાર-આયુષ્માન મહાઝુંબેશ” પણ આરંભવામાં આવી છે. મહત્તમ લોકો આયુષ્માન કાર્ડથી લાભાન્વિત થાય તે પ્રકારનું વ્યવસ્થાપન હાથ ધરાયું છે. આ યોજનાનો મહત્તમ પરિવારોને લાભ મળે તે માટે રાજ્યની આશા બહેનો, આંગણવાડી વર્કર્સ, પંચાયતી રાજ સંસ્થાઓ જેવા પાયાના કાર્યકરો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે.
આ અગાઉ એક કાર્ડ ઉપર એક પરિવારને લાભ મળતો હતો પરંતુ હવે પરિવારના દરેક સભ્યને PMJAY-MA કાર્ડનો લાભ મળે તે પ્રકારનું સુદ્રઢ આયોજન ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે હાથ ધર્યું છે. જેના ફળ સ્વરૂપે આજે ગુજરાતે, સૌથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરી, “આયુષ્માન ઉત્કૃષ્ટતા પુરસ્કાર ૨૦૨૨” પોતાના નામે કર્યો છે.
હાલ “આપ કે દ્વાર-આયુષ્માન” ઝુંબેશ અંતર્ગત નેશનલ હેલ્થ મિશન-ગુજરાતના તમામ પાત્ર લાભાર્થીઓને આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરવાની નેમ સાથે સમગ્ર રાજ્યમાં આયુષ્માન કાર્ડ માટેના કેમ્પ પૂરજોશમાં ચાલી રહ્યા છે.
ગુજરાત રાજ્ય સહિત દેશના અનેક જરૂરિયાત મંદ પરિવારો માટે“પી.એમ.જે.એ.વાય.–મા” યોજના આશીર્વાદરૂપ સાબિત થઇને કરોડો ગરીબ કુટુંબોના મુખે બહોળી પ્રસિદ્ધિ પામતી જાય છે ત્યારે અણીના સમયે અગવડ ન પડે તે માટે વહેલી તકે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કઢાવી/રિન્યુ કરાવી લેવા અપીલ છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
