ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં 6630 કરોડનાં કામોનાં લોકાર્પણ અને શિલાન્યાસ
September 29, 2022
ભાવનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લામાં વિવિધ 23 યોજનાઓ માટે રૂપિયા 6630 કરોડનાં કામોનાં લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. આ યોજનાઓમાં મુખ્યત્વે દુનિયાના પ્રથમ સીએની ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ બંદરની આધારશિલાનો સમાવેશ થાય છે જે બંદરનો વિકાસ 4000 કરોડના ખર્ચે કરવામાં આવશે. ઉપરાંત સૌની યોજના લિંક બેના પેકેજ નવ, દુનિયાની ચોથા નંબરની સૌથી મોટી લૉક ગેસ્ટ સિસ્ટમ માટે પણ શિલાન્યાસ કરવામાં આવ્યો.
પોતાના વક્તવ્યના પ્રારંભે વડાપ્રધાને કહ્યું હતું કે મારે ભાવનગરની ક્ષમા માગવી છે. હું ભૂતકાળમાં કદી આટલા લાંબા સમયે ભાવનગર આવ્યો હોઉં એવી આ પહેલી ઘટના છે. વચ્ચે આવી ન શક્યો એટલા માટે ક્ષમા માગું છું. છતાં તમે જે પ્રેમ – આશીર્વાદ વરસાવ્યા છે તેને કદી ભૂલી નહીં શકું. આપને શત શત નમન કરું છું.
વડાપ્રધાને કહ્યું કે, આજની ભાવનગરની મુલાકાત વિશેષ છે. દેશ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ભાવનગર તેની સ્થાપનાના 300 વર્ષ પૂરા કરશે. આ ત્રણ સદીમાં ભાવનગરે પોતાની ઓળખ બનાવી છે. આ વિકાસયાત્રાને નવો આયામ આપવા આજે અહીં કરોડો રૂપિયાના લોકાર્પણ અને શિલાન્યાસ થયા છે. રિજનલ સાયન્સ સેન્ટર બનવાથી શિક્ષણ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભાવનગરની ઓળખ વિશિષ્ટ બનશે.
ભાવનગર સમુદ્ર કિનારે વસેલો જિલ્લો છે. ગુજરાત પાસે સૌથી લાંબો દરિયા કિનારો, છતાં સ્વતંત્રતા પછી તટીય વિકાસ ઉપર ધ્યાન આપવામાં આવ્યું નહોતું. પરિણામે આ વિશાળ કિનારો લોકો માટે પડકાર બની ચૂક્યો હતો. સમુદ્રનું ખારું પાણી અહીંના લોકો માટે અભિશાપ બન્યો હતો. લોકો પલાયન કરતા રહ્યા. સ્થળાંતર કરીને સુરત જતા અને ત્યાં મુશ્કેલીમાં રહેતા. આ સ્થિતિ દુઃખદ હતી તેમ જણાવી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા બે દાયકામાં કાંઠા વિસ્તારને ભારતની સમૃદ્ધિનું દ્વાર બનાવવા માટે અમે પ્રામાણિક પ્રયાસ કર્યો.
ગુજરાતમાં અમારી સરકારે અનેક બંદર વિકસિત કર્યા, અનેક બંદરનું આધુનિકરણ કર્યું છે. રાજ્યના કાંઠા વિસ્તારમાં અમે સેંકડો કોસ્ટલ ઈન્ડસ્ટ્રી વિકસાવી છે, નાના-મોટા વેપાર સ્થાપિત કરાવ્યા છે. પરિણામે આજે ગુજરાતના કાંઠા વિસ્તારમાં અનેક વીજ એકમો ઊભા થયા છે જે રાજ્ય ઉપરાંત દેશને પણ વીજળી આપે છે. હવે વીજળી નિયમિત મળવાથી વેપાર ઉદ્યોગ વધી રહ્યા છે.
તેમણે કહ્યું કે, અમે માછીમારો માટે ફિશિંગ હાર્બર બનાવ્યું. એ રીતે મત્સ્યોદ્યોગને વિકસાવ્યો છે. કાંઠા વિસ્તારમાં મેન્ગ્રુવ ઉગાડીને કાંઠા વિસ્તારોને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
અમદાવાદથી ધોલેરા અને ભાવનગરનો સમગ્ર વિસ્તાર વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરશે તેમ વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન દ્વારા ભાવનગરનું આ બંદર આત્મનિર્ભર ભારતની યોજનામાં મોટી ભૂમિકા નિભાવશે અને મોટી સંખ્યામાં રોજગારી ઊભી થશે. આ બંદર ગાડીઓની સ્ક્રેપિંગ, કન્ટેર ઉત્પાદન તથા ધોલેરા સ્પેશલ રિજન જેવાં સ્વપ્ન સાકાર કરશે.
કેન્દ્ર સરકારે જે નવી સ્ક્રેપિંગ નીતિ બનાવી છે તે લાગુ થશે ત્યારે આખા હિન્દુસ્તાનમાં સૌથી પહેલો અને સૌથી વધારે લાભ જો કોઇને મળશે તો તમને મળશે, કેમ કે અલંગ પાસે સ્ક્રેપિંગ કામગીરી સાથે સંકળાયેલી વિશેષતા છે. તેથી જહાજોની સાથે નાના વાહનોની સ્ક્રેપિંગનું પણ આ દેશનું મોટું કેન્દ્ર બની શકે છે. અહીંના સ્ક્રેપિંગના વેપારીઓ વિદેશમાંથી કાર લાવીને પણ સ્ક્રેપ કરવાનું શરૂ કરી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું.
નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, જહાજોમાંથી જે લોખંડ નીકળે છે તેનો ઉદ્યોગોમાં વપરાશ થાય છે. ભાવનગર માટે આ પણ એક નવી અને મોટી તક છે. દુનિયા વિશ્વાસપાત્ર કન્ટેનર સપ્લાયર શોધે છે. આથી ભાવનગરમાં બનનાર કન્ટેનર આત્મનિર્ભર ભારતને ઊર્જા આપશે અને રોજગારીના વિકલ્પો ખોલશે.
ઈચ્છાશક્તિ હોય તો કોઈપણ મોટા લક્ષ્યાંક હાંસલ કરી શકાય છે તેમ જણાવી વડાપ્રધાને કહ્યું કે- ઘોઘા-દહેદ, ઘોઘા-હજીરા ફેરી સર્વિસને કારણે નાણા, પેટ્રોલની બચત થઈ છે અને અકસ્માતોનું જોખમ ઘટ્યું છે. આ ફેરી સર્વિસનો અત્યાર સુધીમાં ત્રણ લાખ લોકોએ લાભ લીધો છે અને 80,000 ગાડીઓને એકબીજા શહેરમાં પહોંચાડી છે. ફેરી સર્વિસને પરિણામે 40 લાખ લીટર પેટ્રોલની બચત થઈ હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું અને ઉમેર્યું કે, આજથી આ રૂટ પર મોટા જહાજો માટે રસ્તો સાફ થયો. તેનો કેટલો લાભ થશે એ સમજી શકાય તેમ છે.
માત્ર જાહેરખબર ઉપર નભતા રાજકીય પક્ષોની આડકતરી રીતે ટીકા કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, અમારી પ્રેરણા અને લક્ષ્ય કદી સત્તાસુખ નથી, અમે હંમેશાં સત્તાને સેવાનું માધ્યમ માનીએ છીએ. આ અમારો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. મોટી જાહેરાતો વિના અમે ચૂપચાપ કામ કરી રહ્યા છીએ.
વડાપ્રધાને જણાવ્યું કે, લોથલમાં મેરીટાઈમ મ્યુઝિયમ બની રહ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીએ એક ઓળખ બનાવી છે તેમ આ મ્યુઝિમ પણ ઓળખ ઊભી કરશે. લોથલ આપણા વારસાનું એક મહત્ત્વનું કેન્દ્ર રહ્યું છે. તેને દુનિયાના નકસા ઉપર લાવવા માટે મહેનત કરવામાં આવી રહી છે.
ભૂતકાળને યાદ કરતા તેમણે જણાવ્યું કે, હું મુખ્યપ્રધાન હતો ત્યારે અહીંના માછીમારોને એક લાલ બાસ્કેટ આપવામાં આવી હતી જેમાં અલગ અલગ બટન હતા. દુર્ઘટનાના સમયે બટન દબાવે ત્યારે કોસ્ટગાર્ડને સંદેશ મળે અને લોકો બચી શકે. હવે આ યોજના સમગ્ર દેશના માછીમારો માટે લાગુ કરવામાં આવી છે તેમ તેમણે માહિતી આપી હતી.
સૌની યોજના આજે દરેક જગ્યાએ પહોંચી રહી છે. આજે જે યોજનાનું લોકાર્પણ થયું છે તેનાથી ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક ગામોના ખેડૂતોને લાભ થશે. આજે એ સાથે જ અન્ય અનેક જિલ્લાના ગામોને પાણી પહોંચાડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.
પોતાની શરુઆતની વાતનું અનુસંધાન સાધતા તેમણે જણાવ્યું કે, હું મોડો આવ્યો પણ ખાલી હાથે નથી આવ્યો. પાછલાં વર્ષોનું બાકી હતું એ બધું લઇને આવ્યો છું. વિકાસની અનેક યોજનાઓ આપવામાં આવી રહી છે. ભાવનગરની યુવાપેઢીનું ભવિષ્ય ઉજાળે એવી યોજનાઓ છે. તેનો લાભ સૌરાષ્ટ્રને, ગુજરાતને અને દેશને પણ મળવાના છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
