સુરત સાચા અર્થમાં સેતુઓનું શહેર છે, આ શહેર એક પ્રકારે મીની હિન્દુસ્તાન છેઃ વડાપ્રધાન
September 29, 2022
— સુરતમાં વડાપ્રધાનના હસ્તે રૂપિયા 3400 કરોડ કરતાં વધુ રકમના વિકાસકામોનું લોકાર્પણ અને શિલાન્યાસ
સુરતઃ સુરત સાચા અર્થમાં સેતુઓનું શહેર છે અને હવે ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક વાહનોના હબ તરીકે પણ સુરત ઓળખાશે. વાસ્તવમાં સુરતને સમયાંતરે નવી નવી ઓળખ મળતી રહે છે અને આ શહેર એક પ્રકારે મીની હિન્દુસ્તાન છે, તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીં જણાવ્યું હતું.
રૂપિયા 3400 કરોડ કરતાં વધુની વિકાસ યોજનાઓના લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યા બાદ જંગી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે, ગુજરાતના લોકોનો, સુરતના લોકોનો આભાર માટે મારા શબ્દો ઓછા પડે છે. સુરતના વિકાસનો લાભ જે રીતે દરેક ઘરે પહોંચી રહ્યો છે એ જોઉં, સાંભળું ત્યારે મારો આનંદ અનેકગણો વધી જાય છે. એ જ ક્રમમાં આજે સુરતના વિકાસ સાથે જોડાયેલી અનેક યોજનાઓનું ઉદ્દ્ઘાટન, લોકાર્પણ થયું છે. તેનાથી સામાન્ય સુરતવાસીઓને, મધ્યવર્ગને, વેપારીવર્ગને લાભ આપશે તેમ તેમણે ઉમેર્યું હતું.
સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે સુરતમાં 75 અમૃત સરોવરનું કામ ઘણું ઝડપથી ચાલે છે તેમ જણાવી વડાપ્રધાને કહ્યું કે એ માટે જિલ્લાના તમામ લોકો અભિનંદનને પાત્ર છે.
નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, સુરત શહેર લોકોની એકતા અને જનભાગીદારીનું શાનદાન ઉદાહરણ છે. હિન્દુસ્તાનનો કોઈ પ્રદેશ એવો નહીં હોય જ્યાંના લોકો સુરતમાં રહેતા ન હોય. એક પ્રકારે મીની હિન્દુસ્તાન છે. આ શહેર શ્રમનું સન્માન કરનારનું શહેર છે. અહીં ટેલેન્ટની કદર થાય છે. પ્રગતિની આકાંક્ષા પૂરી થાય છે. આગળ વધવાનાં સ્વપ્ન સાકાર થાય છે. સૌથી મોટી વાત જે વિકાસની દોડમાં જે પાછળ છૂટી જાય તેને આ શહેર હાથ પકડીને આગળ લઈ જાય છે.
આ શહેરની વિકાસગાથાને યાદ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, સુરતનો આ મિજાજ વિકસિત ભારતના નિર્માણ માટે મોટી પ્રેરણા છે. આ સદીના પ્રારંભે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની ચર્ચા થાય ત્યારે હું કહેતો સુરત ચાર પી- પીપલ્સ, પબ્લિક, પ્રાઇવેટ પાર્ટનરશિપ – આ જ મોડલ સુરતને વિશેષ બનાવે છે. અહીં કુદરતી આફતોને અહીં અપ-પ્રચાર થતો હતો. એ ગાળામાં વેપારી સમાજના લોકોને મેં કહ્યું હતું કે, જો સુરત શહેરનું બ્રાન્ડિંગ થશે તો દરેક ક્ષેત્રનું બ્રાન્ડિંગ આપોઆપ થશે. મને આનંદ છે કે આજે દુનિયાના સૌથી ઝડપથી વિકસિત થતાં શહેરોમાં સુરતનું નામ છે. અને તેનો લાભ અહીં દરેક વેપાર-કારોબારને થઈ રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
છેલ્લા 20 વર્ષમાં સુરતે દેશના અન્ય શહેરોની સરખામણીમાં ઝડપથી પ્રગતિ કરી છે. દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરતની ગણના થાય છે. આનું શ્રેય સુરતી પ્રજાને જાય છે તેમ જણાવી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, બે દાયકામાં આ શહેરમાં જે રીતે સિવરેજ કેપેસિટી ઊભી થઈ તેનાથી લોકોનું જીવન સરળ બન્યું છે.
વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો હતો કે, સુરતમાં ઝુંપડપટ્ટીની સંખ્યામાં ઘટાડો થયો છે. ઝુંપડપટ્ટીવાસીઓ માટે 80,000 ઘર બનાવવામાં આવ્યા છે. તેનાથી સુરતના લાખો લોકોના જીવનમાં સુધારો થયો. આયુષ્યમાન ભારત યોજના હેઠળ ભારતમાં ચાર કરોડ ગરીબ દર્દીઓને લાભ, જે પૈકી 32 લાખ દર્દી ગુજરાતના અને સવા લાખ દર્દી સુરતના છે તેમ તેમણે માહિતી આપી હતી.
પીએમ સ્વનિધિ યોજના હેઠળ ભારતભરમાં નાના ફેરિયા 35 લાખ લોકોને ગેરંટી વિના સસ્તી લોન મળી છે તેમ જણાવી વડાપ્રધાને માઇક્રોસોફ્ટના વડા બિલ ગેટ્સને યાદ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, બિલ ગેટ્સે તાજેતરમાં એક લેખ લખ્યો છે અને તેમાં ભારતની અને ગુજરાતની વિકાસગાથાનું વર્ણન કર્યું છે.
તાપી પરના 12થી વધુ બ્રિજ શહેરને જોડે છે, સાથે સુરતીઓને આર્થિક સમૃદ્ધિ સાથે જોડે છે. સુરત સાચા અર્થમાં સેતુઓનું શહેર છે તેમ વડાપ્રધાને કહ્યું હતું. ડ્રીમ સિટી પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે સુરત વિશ્વના સૌથી સુરક્ષિત અને સુવિધાજનક ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે વિકસિત થશે. પાવરલૂમ મેગાક્લસ્ટરની સ્વિકૃતિ ભારત સરકારે આપી છે જેથી પાવરલૂમના લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થશે. પ્રદૂષણની સમસ્યાઓ ઉકેલાશે.
વડાપ્રધાને કહ્યું કે, બાયોડાયર્વસિટી પાર્ક બનવાથી સુરતને વધારે સુવિધા મળશે. ફરવાના શોખીન સુરતીઓને નવું સ્થાન મળશે.
જૂની સરકારને અમે જણાવતાં થાકી ગયા હતા કે સુરતને એરપોર્ટની જરૂર કેમ છે. આજે જૂઓ કેટલી ફ્લાઈટ સુરતથી ચાલે છે. આવી જ સ્થિતિ મેટ્રો માટે પણ હતી. પણ આજે ડબલ એન્જિનની સરકારને કારણે સ્વિકૃતિ તરત મળે છે અને કામ પણ ઝડપથી થાય છે.
નવી રાષ્ટ્રીય લોજિસ્ટિક પૉલિસીથી સુરતને ઘણો લાભ થશે. મલ્ટિ મોડલ કનેક્ટિવિટી અંગે પણ સુરતમાં મોટું કામ શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્રને સુરત સાથે જોડવામાં મોટી ભૂમિકા ગુજરાત સરકાર નિભાવી રહી છે જેને કારણે લોકોનો સમય અને નાણા બચી રહ્યા છે. સડક માર્ગે 400 કિ.મી.ને બદલે સમુદ્રના રસ્તે આ અંતર સાવ ઓછું થઈ જાય છે. ઘોઘાથી હજીરા અગાઉ 10-12 કલાકે પહોંચાતું હતું તેને બદલે હવે સાડા ત્રણ ચાર કલાકમાં પહોંચી શકાય છે.
કાયમી ટર્મિનલ ખુલવાથી આગામી સમયમાં વેપારીઓ – નાગરિકોને લાભ થશે. અમારી સરકાર કામ કરે છે, ઇનોવેશન કરે છે તેમ તેમણે જણાવ્યું હતું.
સુરત ટેક્સટાઇલનું મોટું બજાર કાશી અને પૂર્વ ઉત્તરપ્રદેશ સાથે જોડાયેલું છે. અહીંથી ટ્રકોમાં સામાન પૂર્વ ઉત્તરપ્રદેશમાં પહોંચે છે. હવે રેલવે અને પોસ્ટલ વિભાગ મદદે આવ્યા. વિશેષ કન્ટેનર બનાવવામાં આવ્યા. હવે સુરતથી કાશી સુધી એક ટ્રેન ચલાવવાની વિચારણા. તેનાથી સુરતના વેપારીઓને ઘણો લાભ થશે. શ્રમિકોને પણ લાભ થશે.
ઈલેક્ટ્રિક વેહિકલ માટે પણ સુરત ઓળખાશે. સુરતની દરરોજ નવી ઓળખ ઊભી થાય છે. સિલ્ક સિટી, ડાયમંડ સિટી, સેતુ સિટી અને હવે ઈલેક્ટ્રિક વેહિકલ વાળા શહેર તરીકે ઓળખાશે. આજે સુરતમાં 25 ચાર્જિંગ સ્ટેશનનું લોકાર્પણ અને એટલા જ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવા માટેની કામગીરી ચાલુ છે. – આગામી સમયમાં 500 ચાર્જિંગ સ્ટેશન બનશે.
સુરતે ઉદાહરણરૂપ પ્રગતિ કરી છે. આ શક્તિ ગુજરાતમાં જ છે. ગુજરાતની આ શક્તિને ઊની આંચ ન આવે, ગુજરાતની વિકાસયાત્રામાં કોઈ ઉણપ ન રહે કોટી કોટી ગુજરાતીઓ પ્રતિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે.
દેશ ગુજરાત
Recent Stories
- Diwali Food Safety Drive: AMC Seals Two Units, Fines Four Outlets ₹40,000
- HDFC Bank Gets Govt Nod to Offer Deposits Under Capital Gains Accounts Scheme
- GSSSB Announces Recruitment for 1,237 Class-3 Posts; Applications Open on November 5
- AMC to Hike Parking Fees; Proposed New Rates Here
- Mumbai Mayor Ritu Tawde Meets Gujarat CM Bhupendra Patel
- Holiday Inn Resort to Come Up in Sasan Gir
